લાશિયો (Lashio) : મ્યાનમારના માંડલે વિભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 56´ ઉ. અ. અને 97° 45´ પૂ. રે. પર આવેલું છે. તે માંડલેથી ઈશાન તરફ 190 કિમી. દૂર સ્થિત છે. તે ઇરાવદી અને સૅલ્વીન નદીની વચ્ચેના જળવિભાજક શાનના ઉચ્ચપ્રદેશમાં આશરે 2,400 મીટરની ઊંચાઈએ વહેતી મ્યિતંગે(Myitange)ની સહાયક નદી પર વસેલું છે. અહીંનું ઉનાળા અને શિયાળામાં જુલાઈ અને જાન્યુઆરી માસનું તાપમાન સરેરાશ 28° સે. અને 18° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 800થી 1,000 મિમી. જેટલો પડે છે. આ પ્રદેશ પહાડી વનસ્પતિથી સમૃદ્ધ હોવાથી સદાહરિત જંગલો જોવા મળે છે. ઘાસનું પ્રમાણ તદ્દન ઓછું છે. ગરમ પાણીના ઝરા અહીં આવેલા હોવાથી અહીં પ્રવાસન-ઉદ્યોગ વિકસ્યો છે.
લાશિયો એ પ્રાચીન સમયમાં અહીંથી ચીન જતા વણજાર માર્ગનું મુખ્ય વેપારી મથક હતું. યાન્ગોન(રંગૂન)થી લાશિયોને સાંકળતો પાકો રસ્તો અને તેને સમાંતર રેલમાર્ગ આવેલો છે. બ્રિટિશ સમયનો જાણીતો ‘બર્મા રોડ’ અહીંથી પસાર થતો હતો.
નીતિન કોઠારી