લાવા : મૅગ્માનો સમાનાર્થી પર્યાય. પ્રસ્ફુટન પામીને સપાટી પર બહાર નીકળી આવતો મૅગ્મા. પૃથ્વીના પોપડામાં ઊંડાઈએ તૈયાર થયેલો મૅગ્મા જ્વાળામુખી શંકુ કે ફાટો દ્વારા બહાર નીકળી આવે ત્યારે તેને લાવા તરીકે ઓળખવામાં આવે છે. પીગળેલા ખડકદ્રવ્યના ઘનીભવન દ્વારા રચાતા ખડકોને પણ લાવા તરીકે ઓળખાવાય છે. સપાટી પર બહાર આવ્યા બાદ લાવાનું જો ઝડપી ઘનીભવન થઈ જાય તો કાચમય ખડક કે અતિસૂક્ષ્મ સ્ફટિકોથી બનેલો ઘટ્ટ કણરચનાવાળો જ્વાળામુખી ખડક બને છે. આથી ઊલટું, એ જ મૅગ્મા જો પોપડાની અંદરના વિભાગોમાં ઘનીભવન પામ્યો હોત તો તેમાંથી ગ્રૅનાઇટ કે ગેબ્બ્રો જેવો સ્થૂળ દાણાદાર અંત:કૃત પ્રકારનો ખડક બન્યો હોત.
લાવા કે મૅગ્મા બંને ઓછાવત્તા પ્રમાણમાં ભળેલા વાયુઓ સહિત સિલિકેટ ખનિજોથી બનેલું દ્રાવણ છે. મૅગ્મા જ્યારે પૃથ્વીના અંદરના ઉગ્ર દબાણ હેઠળના વિભાગોમાંથી સપાટી પર આવતો હોય છે ત્યારે, અને બહાર આવી જાય છે ત્યારે, તેમાંથી વાયુઓ પ્રસરતા જઈ પરપોટાઓ રૂપે બહાર નીકળી જાય છે. પરિણામે અતિ છિદ્રાળુ (કોટરયુક્ત) ખડક બની રહે છે. બહાર નીકળતો લાવા જો ત્વરિત ઠરી જાય તો વાયુઓને નીકળી જવાનો અવકાશ રહેતો નથી, એવા સંજોગોમાં કાચમય કણરચનાવાળો ખડક બને છે.
પ્રવાહી લાવાનું તાપમાન જુદું જુદું હોય છે, સંજોગભેદે તે 1,400° સે.થી 500° સે. સુધીના ગાળાનું હોઈ શકે છે; પરંતુ સામાન્ય સંજોગોમાં તે 1,200° સે.થી ઉપરનું હોતું નથી. બેસાલ્ટ લાવા રહાયોલાઇટ લાવા કરતાં વધુ ગરમ હોય છે. લાવાની સ્નિગ્ધતા તેનાં તાપમાન, બંધારણ અને વાયુઓના પ્રમાણ પર આધાર રાખે છે. સિલિકા-ત્રુટિવાળો લાવા (બેસાલ્ટ લાવા) ખૂબ જ તરલ હોવાથી, સપાટી-ઢોળાવ જો આછો હોય તો ઘણા કિમી.ના અંતર સુધી વહી જાય છે; હવાઈ ટાપુઓના લાવા-પ્રવાહો કલાકે લગભગ ત્રણ કિમી.ના દરથી વહીને આગળ વધેલા છે, પરંતુ જો ઢોળાવો ઉગ્ર હોય તો વહનદર 65 કિમી. સુધીનો પણ થઈ જાય છે. સિલિકાસમૃદ્ધ લાવા (રહાયોલાઇટ) સ્નિગ્ધ, ઘટ્ટ હોય છે; તેથી તે ધીમી ગતિથી વહે છે, ઓછું અંતર કાપે છે, પ્રવાહો રચાતા નથી. આ પ્રકારના લાવાની ઉપલી સપાટી ત્વરિત ઠંડી પડી જવાથી કાચમય બની રહે છે; પરંતુ અંદરનું દળ ધીમે ધીમે ઠંડું પડવાથી સ્ફટિકોનો વિકાસ થતો રહે છે.
ઘણી વાર જ્વાળામુખી પ્રસ્ફુટનો દરમિયાન, લાવા એટલા બધા વેગથી વિસ્ફોટ પામે છે કે માર્ગમાં આવતું ખડકદ્રવ્ય ટુકડાઓ સ્વરૂપે ફેંકાય છે, વાયુઓ એકાએક પ્રસરીને ધડાકાબંધ ફાટે છે, નાના નાના ગોળાઓ, કણો, રજ વગેરે ઊડીને ઠરી જઈને નીચે પડે છે. જ્વાળામુખીજન્ય ટફ તેમજ પાયરોક્લાસ્ટિક ખડકદ્રવ્યની જાડી ચાદરો (પડ) રચાય છે. જ્વાળામુખીઓના વિસ્તારોમાં આ પ્રકારનો ટફ સપાટીનો ઘણો ભાગ આવરી લે છે. વળી તે (ટફ) ઘણી જાડાઈવાળો પણ હોય છે.
ગિરીશભાઈ પંડ્યા