લાલ ચિત્રક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના પ્લમ્બેજિનેસી કુળની એક નાની પ્રજાતિ. તે શાકીય, ઉપક્ષુપ (undershrub) કે ક્ષુપસ્વરૂપે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ નોંધાઈ છે, જે પૈકી બે – Plumbago indica Linn. syn. P. Rosea Linn. (ગુ. લાલ ચિત્રક) અને P. zeylanica Linn. (ચિત્રક) ઔષધીય દૃષ્ટિએ ઉપયોગી છે.

Plumbago auriculata Lam. syn. P. capensis Thunb. લગભગ 0.75 મી. ઊંચી ક્ષુપ જાતિ છે. તેનાં પર્ણો લંબચોરસ કે લંબચોરસ ચમચાકાર (oblong  spatulate) અને 5થી 7 સેમી. લાંબાં હોય છે. તેમાં પુષ્પો આસમાની ભૂરાં (azure), 2થી 3 સેમી. પહોળાં અને છત્રક જેવાં ઝૂમખાંમાં બેસે છે. પુષ્પો લગભગ બારે માસ આવે છે. આ જાતિ દક્ષિણ આફ્રિકાની સ્થાનિક (indigenous) છે. તેની alba જાતિને સફેદ રંગનાં પુષ્પ બેસે છે અને પુષ્પોનું પ્રમાણ પણ ઓછું હોય છે.

તે સુશોભિત વાડ બનાવવા માટે, ક્યારી અથવા કૂંડામાં ઉગાડાય છે. આફ્રિકામાં તેનાં પર્ણો મરઘાં તેમજ ઢોરોને  ખાસ કરીને ઘેટાંને  ખવડાવવામાં આવે છે. કેટલીક સ્થિતિમાં તે પ્રાણીઓ માટે ઝેરી બને છે. તેનો ઉકાળો તાવમાં આપવામાં આવે છે. તેના મૂળનો આસવ વમનકારી (emetic) હોય છે. તેનો લસિકા-ગાંઠના ક્ષયમાં સ્તંભક (styptic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ભૂકી માથાનો દુખાવો મટાડવા છીંકણીની જેમ સૂંઘવામાં આવે છે અને મસા (wart) પર લગાડવાથી તે મટી જાય છે.

તેને ઉછેરવામાં ખાસ કાળજી રાખવી પડતી નથી; તેમ છતાં મૂળની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનું પ્રસર્જન દાબકલમ અથવા મૂળમાંથી નીકળતાં પીલાં છૂટાં કરીને થાય છે.

P. indica સુંદર શોભન-વનસ્પતિ છે અને ઘણી વાર ઉદ્યાનોમાં તેનાં ચકચકિત લાલ પુષ્પો માટે ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો શિયાળામાં બેસે છે. કેટલાક તેને P. zeylanicaની જાત ગણે છે. એક વધારે મોટી અને વધારે ચળકતાં પુષ્પોવાળી જાતને coccinea તરીકે ઓળખાવાય છે. તે ફક્ત ઠંડા પ્રદેશમાં જ થાય છે.

મ. ઝ. શાહ