લાફલિન, રૉબર્ટ બી. (Laughlin, Robert B.)
January, 2024
લાફલિન, રૉબર્ટ બી. (Laughlin, Robert B.) (જ. 1 નવેમ્બર 1950, વાઇસેલિયા, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે રૉબર્ટ બી. લાફલિન, ડૅનિયલ ચી. ત્સુઈ અને હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો.
કૅલિફૉર્નિયાના ખેતીપ્રધાન વિસ્તારના નાનકડા નગર વાઇસેલિયામાં રૉબર્ટ લાફલિનનો ઉછેર થયો અને અહીંની રેડવૂડ હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1972માં લાફલિને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી ગણિતશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. 1979માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1979-81ના સમયગાળા દરમિયાન તેમણે બેલ લૅબોરેટરીઝમાં સંશોધનો કર્યાં. અહીં તેમણે ત્સુઈ અને સ્ટ્રોમર દ્વારા મેળવવામાં આવેલા ક્વૉન્ટમ હૉલ ઘટનાના કોયડારૂપ પ્રાયોગિક પરિણામોનું અર્થઘટન કર્યું, જે માટે તેઓ નોબેલ પુરસ્કારથી સન્માનિત થયા. તે પછી થોડો સમય લૉરેન્સ લિવરમોર નૅશનલ લૅબોરેટરીમાં પસાર કર્યા બાદ 1985થી તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. વચ્ચે 2004થી 2006ના અરસામાં તેમણે કોરિયન ઍડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજીના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ક્વૉન્ટમ હૉલ ઘટના એ ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રને લગતી ઘટના છે. 1986માં લાફલિનને અમેરિકન ફિઝિકલ સોસાયટી દ્વારા ઑલિવર બર્કલી ઇનામ આપવામાં આવ્યું. 1998માં તેમને બેન્જામિન ફ્રૅન્કલિન ચંદ્રક પ્રાપ્ત થયો. સ્ટૅનફર્ડ યુનિવર્સિટી દ્વારા 1999માં ગોલ્ડન પ્લેટ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો તથા 2007માં નૉર્વેજિયન યુનિવર્સિટી દ્વારા ઑન્સેન્જર ચંદ્રક આપીને બહુમાન કરવામાં આવ્યું. હાલમાં તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે સંશોધનોમાં કાર્યરત છે.
પૂરવી ઝવેરી