લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર (જ. 18 મે 1926, પુણે, મહારાષ્ટ્ર) : સંસ્કૃત તથા ભાષા-શાસ્ત્રના પંડિત. તેમણે 1948માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પુણે યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એડ. અને 1967માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. વળી ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સર્ટિફિકેટ ઇન બેઝિક ઍન્ડ ઍડવાન્સ્ડ કૉર્સિઝ ઇન લિંગ્વિસ્ટિક્સ તેમજ પુણે યુનિવર્સિટીમાંથી જર્મનમાં સર્ટિફિકેટ મેળવ્યાં છે.
તેઓ 1986માં પુણે યુનિવર્સિટીમાંથી સંસ્કૃતના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા. તે પછી ‘ઍનલ્સ બૉરી’(BORI)ના સંયુક્ત સંપાદક બન્યા અને ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેના ગ્રંથપાલ નિમાયા. 1986–87માં મેક્સિકો ખાતે સેન્ટર ઑવ્ એશિયન ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ, સંસ્કૃતના મુલાકાતી પ્રાધ્યાપક; 1987 –94 દરમિયાન પી.જી. રિસર્ચ ડિપાર્ટમેન્ટ, બોરી(BORI)ના નિયામક; 1994–95 દરમિયાન ‘મનુસ્મૃતિ’ પ્રૉજેક્ટના નિયામક; 1993–96 દરમિયાન ટિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ, પુણેની કાઉન્સિલના સભ્ય તેમજ 1996થી વૈદિક સંશોધન મંડળ, પુણેની કાઉન્સિલના સભ્ય રહ્યા.
તેમણે અંગ્રેજી, મરાઠી તેમજ સંસ્કૃતમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પ્રાકૃત સ્ટડીઝ આઉટસાઇડ ઇન્ડિયા’ (1920–69), (1970); ‘અ સોશિયો-લિંગ્વિસ્ટિક લાઇન ટુ પ્રાકૃત સ્ટડીઝ : અ હિસ્ટૉરિકલ ડિક્શનરી ઑવ્ પ્રૉવર્બ્ઝ ઇન પ્રાકૃત’ (1971); ‘ધ ડિવાઇસ ઑવ્ કન્ટિગ્યુઇટી ઍઝ અ કિ ટુ ઇન્ટરપ્રિટિંગ પાણિનીઝ રૂલ્સ’ (1973); ‘પ્રાકૃતિક ઇન્ફ્લુઅન્સિઝ રિવીલ્ડ ઇન ધ વર્ક્સ ઑવ્ પાણિની, કાત્યાયન ઍન્ડ પતંજલિ’ (1978) – એ તમામ તેમના ઉલ્લેખનીય સંશોધનાત્મક ગ્રંથો છે. ઘણા અભિનંદનીય ગ્રંથો આપવા બદલ તેમને યુનામ (UNAM) યુનિવર્સિટી, મેક્સિકો તરફથી 1987માં ડિપ્લોમા તેમજ 1995માં ભારતીય ભાષા સાહિત્યસંમેલન, ભોપાલ તરફથી ‘ભારત ભાષાભૂષણ’નો ખિતાબ આપવામાં આવેલો.
બળદેવભાઈ કનીજિયા