લાગુ, રઘુનાથ ગોપાળ (જ. 29 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ પ્રાધ્યાપક (વિજ્ઞાનશાખાઓ) તરીકે નિવૃત્ત થયા. તેઓ મહારાષ્ટ્ર એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો રહેલા.
તેમણે મરાઠીમાં 29 ગ્રંથો લખ્યા છે. ‘ગણિતાચે પ્રયોગ’ (1978); ‘અભિનવ પ્રયોગ’ (1985); ‘ગણિતાચ્યા ગુજગોષ્ટી’ (1987); ‘વિજ્ઞાનાચ્ચા પ્રકાશાત’ (1989) – આ સર્વ તેમની લોકપ્રિય વિજ્ઞાન-વિષયક કૃતિઓ છે. ‘આધુનિક ભારતાચે સહા મહર્ષિ’ (1989) – આ તેમના ગ્રંથમાં તત્વજ્ઞાન-વિષયક રેખાચિત્રો છે. ‘ખુદકન હસુ’ (1985) બાલકાવ્યસંગ્રહ છે, જ્યારે ‘મેઘનાદ સહા’ અનૂદિત ચરિત્ર છે. ‘કુતૂહલ’ તેમની જાણીતી ઉપહાસકૃતિ છે.
સાહિત્યિક પ્રદાન બદલ તેમને બે વખત મહારાષ્ટ્ર રાજ્ય એવૉર્ડ, વિજ્ઞાનવિષયક પ્રદાન બદલ હરિભાઉ મોટે ઍવૉર્ડ (બે વાર) તથા પોએટ્રી ઍવૉર્ડ (બે વાર) પ્રાપ્ત થયા હતા.
બળદેવભાઈ કનીજિયા