લાખાઇઝ, ગૅસ્ટોન (જ. 19 માર્ચ 1882, પૅરિસ, ફ્રાંસ; અ. 18 ઑક્ટોબર 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : સ્નાયુબદ્ધ અને મર્દાના નગ્ન મહિલાઓને શિલ્પમાં કંડારવા માટે જાણીતો બનેલો આધુનિક શિલ્પી.
પિતા સુથાર હતા. 1898માં પૅરિસની કળામહાશાળા ઈકોલે દ બ્યુ-આર્ત(Ecole des Beaux-Arts)માં વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. એક અમેરિકન મહિલા સાથે પરણીને તે 1906માં અમેરિકામાં સ્થિર થયો. ત્યાં બૉસ્ટનમાં લશ્કરી સ્મારકો બનાવી રહેલા શિલ્પી એચ. એચ. કિટ્સોનના મદદનીશ તરીકે અને પછી ન્યૂયૉર્કના શિલ્પી પૉલ મૅન્શિપના મદદનીશ તરીકે કામ કર્યું.
પછી તેણે સ્વતંત્ર સર્જન શરૂ કર્યું. ખડતલ અને મજબૂત બાવડાં, ખભા, બોચી અને જાંઘ તથા પહોળી છાતી ધરાવતી સ્નાયુબદ્ધ મર્દાના મહિલાઓને શિલ્પમાં કંડારવા માટે તે જાણીતો બન્યો. એ મહિલાઓનાં સ્તનોને પણ તે વિશાળ કદનાં આલેખતો.
‘સ્ટૅન્ડિંગ વુમન’ તેની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. આ શિલ્પકૃતિ તેણે બે વાર, 1912માં તેમજ 1932માં, કંડારી. એણે ઈ. ઈ. કમિંગ્ઝ, જૉન મૅરિન અને બીજી જાણીતી વ્યક્તિઓને પણ બસ્ટ-શિલ્પમાં કંડારેલી.
અમિતાભ મડિયા