લાઓસ : અગ્નિ એશિયાનો ચારેય બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો (landlocked) પ્રજાસત્તાક દેશ. તે આશરે 14° 0´ ઉ. તથા 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 100° 0´ પૂ. તથા 107° 05´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો આશરે 2,36,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સીમાઓ ચીન, મ્યાનમાર (બર્મા), થાઇલૅન્ડ, કમ્પુચિયા અને વિયેતનામ – એમ પાંચ દેશોને સ્પર્શે છે. તેને સમુદ્રતટ મળેલો નહિ હોવાથી તેમજ રાજકીય અસ્થિરતાને લીધે તે શોષિત અને આર્થિક દૃષ્ટિએ અવિકસિત રહ્યો છે. અગ્નિ એશિયાનાં રાષ્ટ્રોમાં આ દેશની સ્થિતિ કટોકટીભરી છે.

પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : આ દેશનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે અતિશય ઘસારો પામેલું છે અને સામાન્ય રીતે 900થી 1,800 મીટરની ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશનું બનેલું છે. આ ઉચ્ચપ્રદેશનાં કેટલાંક શિખરો 2,100 મીટર કરતાં પણ વધુ ઊંચાઈએ પહોંચે છે. આ પૈકી ફોઉ લોઈ (Phou Loi) 2,257 મી., નૉન્ગ હેટ (Nong Het) 2,213 મી. તથા ફોઉ બાયા (Phou Bia) 2,820 મી.ની ઊંચાઈ ધરાવે છે. આ દેશના વિયેતનામ સાથેના સીમાવિસ્તારોમાં અન્નામિઝ હારમાળા પ્રસરેલી છે. આ હારમાળાથી આ દેશ મેકોંગ નદીની નીચી ખીણ તરફનો ઢોળાવ ધરાવે છે. આ દેશના નૈર્ઋત્ય ખૂણા તરફના ભાગોની થાઇલૅન્ડ સાથેની કેટલીક સીમા મેકોંગ નદી દ્વારા નિર્ધારિત થયેલી છે. ઉત્તર લાઓસમાં નામ થા (Nam Tha), નામ હોઉ (Nam Hou), નામ સેગ (Nam Seg), નામ ખાન (Nam Khan) વગેરે મેકોંગની ઉપનદીઓ આવેલી છે. તેમણે અહીં ઊંડી અને સાંકડી ખીણોની રચના કરી છે. દક્ષિણ લાઓસમાં ખોંગ (Khong) નદી દક્ષિણ તરફનું વહેણ ધરાવે છે.

લાઓસ

આબોહવા અને કુદરતી વનસ્પતિ : આ દેશ ગરમ મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે. અહીં મુખ્ય ત્રણ ઋતુઓ પ્રવર્તે છે. તે પૈકી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડી અને શુષ્ક, માર્ચથી મે ગરમ અને શુષ્ક તેમજ જૂનથી તે છેક ઑક્ટોબર માસના અંત સુધી ગરમ અને ભેજવાળી ઋતુઓનો અનુભવ થાય છે. નદીઓનાં મેદાનોમાં તથા ખીણપ્રદેશોમાં સરેરાશ માસિક તાપમાન ભાગ્યે જ 21° સે.થી વધુ નીચે જાય છે. જોકે ઉચ્ચપ્રદેશમાં તેનાથી વધુ ઠંડકવાળી પરિસ્થિતિ અનુભવાય છે. જાન્યુઆરી–ફેબ્રુઆરી માસમાં તો વધુ ઊંચાં પહાડી ક્ષેત્રો આથી પણ વધારે ઠંડીનો અનુભવ કરે છે.

ઉનાળાની ઋતુમાં નૈર્ઋત્યના મોસમી પવનો વાય છે, જે ઉત્તર લાઓસમાં લગભગ 2,030 મિમી. જેટલો વરસાદ આપે છે; જ્યારે દક્ષિણ લાઓસનાં ઊંચાં પહાડી ક્ષેત્રોમાં આશરે 2,000થી 3,000 મિમી. તેમજ મેકોંગના ખીણવિસ્તારમાં લગભગ 1,270થી 1,780 મિમી. જેટલો વરસાદ પડે છે. લાઓસના દક્ષિણના કેટલાક ભાગો તો તદ્દન ઓછો વરસાદ મેળવે છે.

ઉત્તર લાઓસના પહાડી ભાગોમાં ગીચ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે. અહીં અનેક પ્રકારનાં વૃક્ષો, ઝાડીઝાંખરાં તથા ઘાસ થાય છે, જે વિવિધ જંગલપેદાશો આપે છે. ખાસ કરીને અહીંથી સાગનું કીમતી ઇમારતી લાકડું મેળવાય છે. કાપેલાં લાકડાંને તાલીમ પામેલા હાથીઓ દ્વારા મુખ્યત્વે મેકોંગ નદીના વહેણ સુધી પહોંચાડવામાં આવે છે. તે પછી નદીમાં આ લાકડાં તરતાં મૂકીને કિનારા પરની અથવા તો સાઇગૉનની લાકડાં વહેરવાની મિલો સુધી લઈ જઈને ત્યાંથી તેની નિકાસ કરવામાં આવે છે. દક્ષિણ લાઓસના કેટલાક ભાગો ઘણા સૂકા અને લગભગ વૃક્ષવિહીન છે.

ખેતી અને સિંચાઈ : આ દેશમાં કોઈ મોટી સિંચાઈ-પરિયોજનાઓ નથી, પણ નાની સિંચાઈ-પરિયોજનાના ભાગરૂપે પાટનગર વ્યેન્ટ્યાન(Viertiane)થી ઉત્તરમાં આશરે 74 કિમી. દૂર મેકોંગ નદી પર નામ ગમ (Nam Ngum) ખાતે એક આડબંધ બાંધવામાં આવ્યો છે, જે ‘મેકોંગ વિકાસ પરિયોજના’ તરીકે ઓળખાય છે. તેનું બાંધકામ ઈ. સ. 1968માં પૂર્ણ થયું છે. આ પરિયોજના દ્વારા જળવિદ્યુત ઉપરાંત તેની આસપાસની આશરે 32,000 હેક્ટર ભૂમિને સિંચાઈના લાભો મળે છે. આ સિવાય પા મોન્ગ (Pa Mong) નદી પર પણ આવી એક પરિયોજનાનું બાંધકામ ચાલુ છે. આ પરિયોજના તૈયાર થતાં જળવિદ્યુત ઉપરાંત લાઓસ તથા ઈશાન થાઇલૅન્ડની લગભગ 20 લાખ હેક્ટર ભૂમિને સિંચાઈના લાભો મળશે.

આ દેશની મોટાભાગની ભૂમિસપાટી અસમતળ અને ખડકાળ છે, જે ખેતીકીય સુવિધાઓ ધરાવતી નથી.

મેકોંગ તેમજ તેની ઉપનદીઓની આસપાસનાં મેદાનો ફળદ્રૂપ કાંપનાં બનેલાં હોવાથી ખેતીકીય દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. યુદ્ધ પહેલાં આ મેદાનોમાં સઘન ખેતી થતી હતી અને રોકડિયા પાકો પણ ઉગાડવામાં આવતા હતા, પણ આજે હવે આ ભાગોમાં ફક્ત નિર્વાહલક્ષી ખેતી કરવામાં આવે છે. આ દેશમાં ડાંગર એ આગળ પડતો ધાન્ય પાક છે. ઈ. સ. 1968થી ડાંગરનાં સુધારેલાં બિયારણોના વપરાશથી હેક્ટરદીઠ ઉત્પાદનમાં ઘણો વધારો નોંધાયો છે. ચોખાનું વાર્ષિક ઉત્પાદન આશરે 5 લાખ ટનથી વધારે છે. અન્ય ખાદ્ય પાકોમાં મકાઈ તથા કંદમૂળના પાકોનો ક્રમ આવે છે, જેમાં શક્કરિયાંનું પ્રમાણ વિશેષ હોય છે. આ ઉપરાંત અહીં અલ્પ પ્રમાણમાં ચા, કૉફી, ખાટાં રસદાર ફળો, ઇલાયચી, સિંકોના, તમાકુ, શાકભાજી, કપાસ, અફીણ વગેરેની ખેતી પણ થાય છે. મુખ્યત્વે ચંપાસૅક(Champassac)નાં ડુંગરાળ ક્ષેત્રોમાં ચાની સાથે કૉફીનો પાક લેવાય છે. વળી આ ભાગોમાં સિંકોનાનાં વૃક્ષો (જેની છાલમાંથી ક્વિનાઇન બનાવાય છે) તથા ઇલાયચી પણ ઉગાડવામાં આવે છે.

લાઓસના ખેડૂતો બહુ ધનવાન નથી, તેથી ખેતીમાં મર્યાદિત પ્રમાણમાં જ યંત્રોનો ઉપયોગ થાય છે. તેઓ હાથમજૂરી કરે છે તથા ખેતીનાં નાનાંમોટાં કાર્યો કરવામાં પાડાની મદદ લે છે. આમ છતાં ખેત-ઉત્પાદન વધારવા માટે હવે તેઓ સિંચાઈ તથા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા થયા છે. દેશના ડુંગરાળ ભાગોમાં અનેક આદિવાસી જાતિજૂથો વસે છે. તેઓ સ્થળ બદલતી ખેતી-પદ્ધતિ અપનાવીને ડાંગર, તમાકુ, મકાઈ, કંદમૂળ, ફળો અને શાકભાજી વગેરેનું વાવેતર કરે છે.

ખનિજસંપત્તિ અને ઔદ્યોગિક વિકાસ : આ દેશની ધરતીમાં કોલસો, લોખંડ, મૅંગેનીઝ, કલાઈ, સીસું, સોનું, કીમતી પથ્થરો વગેરે અનેક પ્રકારનાં ખનિજો-ધાતુખનિજો હોવાની ભાળ મળી આવી છે. આ બધાંમાં સૌથી વધુ અગત્યનું ખનિજ કેસિટરાઇટ (કલાઈનું ખનિજ) છે. દક્ષિણ લાઓસમાં ફોન્ગ ત્યોઉ (Phong Tiou) ખાતે આવેલી ખાણનું સંચાલન એક ફ્રેંચ કંપની દ્વારા થાય છે. કલાઈની કાચી ધાતુ-કેસિટરાઇટનું અહીંનું વાર્ષિક ઉત્પાદન આશરે 700 ટન જેટલું છે. સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા સંચાલિત કલાઈની બીજી ખાણ દ્વારા પણ કલાઈની કાચી ધાતુ ખોદી કાઢવામાં આવે છે, પણ તેમાં કલાઈની ધાતુનું પ્રમાણ અત્યંત ઓછું છે. આમ છતાં લાઓસની મુખ્ય નિકાસીય ચીજ કલાઈ છે. કલાઈની કાચી ધાતુ શુદ્ધીકરણ કરવા માટે સિંગાપોર ખાતે મોકલવામાં આવે છે.

આ દેશમાં ક્ષિન્ગ ખ્વોન્ગ (Xieng Khoung) પ્રાન્તમાંથી ઉત્તમ પ્રકારનાં લોહખનિજો, સારાવાને બેસિનમાંથી કોલસો તેમજ દેશના ઉત્તર તથા મધ્ય ભાગોમાંથી મૅંગેનીઝના અનામત નિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા છે, પણ રાજકીય અસ્થિરતા, પરિવહનનાં સાધનોનું અપૂરતું પ્રમાણ તથા ખાણ-ઉદ્યોગના જાણકારોના અભાવને લીધે હજુ સુધી તેમનું ખોદકામ ચાલુ કરી શકાયું નથી.

ખાસ કરીને દેશનાં મોટાં શહેરોમાં મર્યાદિત પ્રમાણમાં યંત્ર-ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ જોતાં અગ્નિ એશિયાનાં અન્ય રાષ્ટ્રોની તુલનાએ આ દેશ તદ્દન પછાત હોવાનું ચિત્ર ઊપસી આવે છે. અહીં કોઈ ભારે ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા નથી; એટલું જ નહિ, પણ નાના કે મધ્યમ પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ પણ અત્યંત મર્યાદિત રહ્યું છે. ખાસ કરીને અહીં રેશમ-વણાટ, ચિનાઈ માટીકામ, ચામડાનો સરસામાન તથા ચાંદીકામને લગતા હળવા ગૃહઉદ્યોગો જોવા મળે છે. વળી અહીં લાકડાં વહેરવાની મિલો, ચોખાની મિલો તથા સિગારેટનાં કારખાનાં ઉપરાંત વપરાશી માલનું ઉત્પાદન કરતા થોડાક ઔદ્યોગિક એકમો પણ આવેલા છે.

પરિવહન તથા વ્યાપાર : પહાડી તથા અસમતળ ભૂસપાટીને લીધે આ દેશમાં રેલ અને સડક જેવા ભૂમિમાર્ગો નહિવત્ પ્રમાણમાં વિકાસ પામેલા છે. પાટનગર વ્યેન્ટ્યાનને થાઇલૅન્ડના નોન્ગ ખાઈ (Nong Khai)સાથે જોડતો એકમાત્ર ટૂંકો રેલમાર્ગ આવેલો છે. થોડાક સડકમાર્ગો છે ખરા, પણ તેમની જાળવણી થતી નથી. કેટલાક સડકમાર્ગોનો તો વર્ષાઋતુને કારણે લગભગ છ માસ સુધી જ ઉપયોગ કરી શકાય છે. યુદ્ધ દરમિયાન દુશ્મનોએ મોટરકાર તથા ટ્રકો પર કરેલા હુમલાઓને લીધે કેટલાક સડકમાર્ગો નકામા બની ગયેલા છે. મુખ્ય સડકમાર્ગો પાટનગર વ્યેન્ટ્યાનને, લોઆન્ગ-પ્રબાન્ગ સાથે તેમજ સવાનાખેટ (Savannakhet) સાથે જોડે છે. લાઓસની સરકારે સડકમાર્ગોની સુધારણા કરવા, દેશના વિવિધ ભાગોમાં પુલો બાંધવા, નદી પરનાં બંદરોના નિભાવ માટે તેમજ નવા સડકમાર્ગો બાંધવા યુ.એસ. પાસેથી મદદ મેળવેલી છે.

આ દેશમાં નદીઓના જળમાર્ગો ઓછા ખર્ચાળ છે. મુખ્ય જળમાર્ગ બનાવતી મેકોંગ નદી દેશની જીવાદોરી સમાન છે. આ નદીનો પ્રવાહમાર્ગ જળપ્રપાત કે જળધોધના અવરોધો વગરનો હોવાથી તેમાં નાનાં જહાજો સળંગ રીતે માનવી અને માલસામાનની હેરફેર કરી શકે છે. આ જળમાર્ગ જહાજોની ગતિનું નિયંત્રણ કરતા પાંચ જેટલા પટ્ટાઓમાં વહેંચાયેલો છે : (1) બાઉ હોઈ સઈ (Bau Houi Sai) અને લોઆન્ગ પ્રબાન્ગ, (2) લોઆન્ગ પ્રબાન્ગ અને વ્યેન્ટ્યાન, (3) વ્યેન્ટ્યાન અને સવાનાખેટ, (4) સવાનાખેટ અને પાક્ષે (Pakse) તેમજ (5) પાક્ષે અને ખોને (Khone) તથા આ પછી સાઇગૉન.

આ દેશમાં સડકમાર્ગીય સફરને ઘણા લોકો સલામત ગણતા નથી અને તેને બદલે હવાઈ સફર કરવાનું વધુ પસંદ કરે છે, આથી આંતરિક હવાઈ સેવાઓ વિશેષ અગત્ય ધરાવે છે. રૉયલ એર લાઓ (Royal Air Lao) દેશનાં પાંચ મુખ્ય હવાઈ મથકો દ્વારા દેશની આંતરિક હવાઈ સેવાઓનું સંચાલન કરે છે. આ ઉપરાંત અહીં ઍર અમેરિકા (Air America) પણ આંતરિક ઉડ્ડયનો યોજે છે. વ્યેન્ટ્યાનના મુખ્ય હવાઈ મથક સહિત લોઆન્ગ પ્રબાન્ગ તથા પાક્ષેનાં હવાઈ મથકોને તેના પર વિશાળ જૅટ વિમાનો ચડઊતર કરે તેવાં વિકસિત અને વિસ્તૃત બનાવવામાં આવ્યાં છે. રૉયલ ઍર લાઓ સરકારસંચાલિત હવાઈ સેવા છે અને તેના દ્વારા અહીંથી બૅંગકૉંક, સાઇગૉન તથા હૉંગકૉંગ વચ્ચે હવાઈ સેવાઓ ચાલે છે.

આ દેશમાં યુ.એસ. અને ફ્રાન્સ જેવા ધનાઢ્ય દેશોની મદદથી યુદ્ધકીય પરિસ્થિતિથી સર્જાયેલી વેપારની મોટી ખોટને પૂરવામાં આવી છે. આજે આ દેશ અલ્પ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખેડે છે. મુખ્યત્વે ફ્રાન્સ, મલેશિયા, વિયેતનામ, ચીન, જાપાન, હૉંગકૉંગ, સિંગાપોર, થાઇલૅન્ડ તથા યુ.એસ. પાસેથી તે વાહનો, ટ્રૅક્ટરો, યંત્રસામગ્રી, વિદ્યુત-સરંજામ, રૂ, લોખંડ વગેરેની આયાતો મેળવે છે, જ્યારે તે મુખ્યત્વે કલાઈ(ઉત્પાદનનો લગભગ 2 ભાગ)ની નિકાસ કરે છે. વળી અહીંથી લાકડાં, કૉફી, ઇલાયચી, ચામડાં, અફીણ વગેરેની પણ નિકાસ કરવામાં આવે છે.

વસ્તી અને વસાહતો : અગ્નિ એશિયાના અન્ય દેશોની તુલનામાં આ દેશ ઓછી વસ્તી તેમજ વસ્તીગીચતા ધરાવે છે. 2001 મુજબ આ દેશની વસ્તી માત્ર 56.9 લાખ જેટલી છે, જ્યારે અહીં સરેરાશ વસ્તીગીચતા ચોરસ કિલોમિટરદીઠ 22 વ્યક્તિઓની છે. આ માટે નીચેનાં કારણો જવાબદાર છે : (1) દેશના મોટાભાગના વિસ્તારો પહાડી છે, જે ખેતી અને અન્ય વિકાસ માટે અવરોધક બનેલા છે. વળી આ દેશને સમુદ્રતટ મળેલો નહિ હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારક્ષેત્રે તથા આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ પછાત રહ્યો છે. (2) પહાડી ક્ષેત્રો જંગલ-આચ્છાદિત છે અને તેમાં વસવાટ કરતા આદિવાસીઓએ અહીંના વાતાવરણ સાથે સાનુકૂળ બનીને સ્થળ બદલતી ખેતીપદ્ધતિ અપનાવી છે. વળી તેઓ અસ્થાયી રખડતું જીવન ગાળે છે. (3) અહીં મલેરિયા અને અન્ય જીવલેણ રોગોનો ફેલાવો થયેલો હોવાથી તેનાથી ઘણા લોકો મૃત્યુ પામે છે અને તેમાં પણ બાળકોનું મૃત્યુપ્રમાણ વિશેષ હોય છે.

આ દેશની વસ્તી અનેક જાતિજૂથોની બનેલી છે. આ પૈકી લાઓસ લોકોનું જૂથ સૌથી મોટું છે. તેઓ મુખ્યત્વે મેકોંગ નદીની ખીણમાં વસવાટ કરે છે. તેઓ થાઈ લોકો સાથે નજીકનો સંબંધ ધરાવે છે. લાઓસ, નેઉઆ (Neua), ડૅમ (Dam), ડેન્ગ અને લુ (Lu) લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. આ ઉપરાંત આ દેશમાં મલય જાતિજૂથના લોકો પણ વસે છે. તેઓ લાઓ થેઉન્ગ (Lao Theung) અથવા તો પર્વતીય લોકો તરીકે ઓળખાય છે. આ સિવાય પહાડી ટેકરીઓમાં વસવાટ કરતા મૉંગોલૉઇડ જાતિના લોકો હો (Ho), યાઓ (Yao) તથા મેઓ (Meo) જૂથોમાં વહેંચાયેલા છે. વળી લાઓસમાં આશરે 35,000 ચીનાઓ તેમજ 25,000 વિયેતનામી લોકો પણ વસે છે. લાઓસમાં લાઓ, અંગ્રેજી, ફ્રેંચ વગેરે ભાષાઓ તથા આદિવાસી બોલીઓનો ઉપયોગ થાય છે. અહીંના 65 % લોકો લાઓ ભાષા બોલે છે. લાઓ ભાષા થાઈ ભાષાને મળતી આવે છે. આ સિવાય ફ્રેંચ ભાષાનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ દેશમાં શિક્ષણનું પ્રમાણ 57 % જેટલું છે. આ દેશના 85 % લોકો બૌદ્ધ ધર્મ પાળે છે.

આ દેશમાં સૌથી વધુ ગીચ વસ્તી વ્યેન્ટ્યાન તથા સવાનાખેટ વચ્ચેના મેકોંગ નદીના મેદાનપ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. આ ભાગમાં કૃષિપાકોથી લચી પડતાં હરિયાળાં ખેતરો ઉપરાંત થોડાક ઉદ્યોગો જોવા મળે છે. અહીંના સમૃદ્ધ ખેડૂતોને પરિવહનનાં સાધનો તથા સંચારમાધ્યમોની ઉત્તમ સેવાઓ પ્રાપ્ત થઈ છે. આમ તો આ ખેતીપ્રધાન દેશ મુખ્યત્વે ગ્રામીણ વસાહતો અને વસ્તીનો બનેલો છે, જ્યારે તેના પ્રમાણમાં શહેરી વસાહતોનું પ્રમાણ ઓછું છે. આ દેશમાં સૌથી મોટું નગર વ્યેન્ટ્યાન (4,42,000) છે, જે દેશનું પાટનગર છે. લોઆન્ગ પ્રબાન્ગ (46,000) એ રજવાડી પાટનગર છે. આ ઉપરાંત પાક્ષે (47,000) તથા સવાનાખેટ (96,652) એ દેશનાં અન્ય અગત્યનાં શહેરી કેન્દ્રો છે.

લાઓસનું ગ્રામીણ દર્શન

ઇતિહાસ : લાન ક્ષાન્ગ (Lan Xang) નામે ઓળખાતા લાઓસના પ્રાચીન રાજ્યની સ્થાપના 14મી સદીના મધ્ય ભાગમાં થઈ હતી. ‘લાન ક્ષાન્ગ’નો અર્થ ‘દસ લાખ હાથીઓનો દેશ’ એવો થાય છે. એ સમયમાં યુદ્ધ તથા અન્ય કાર્યોમાં સામર્થ્ય ધરાવતા પ્રાણી હાથીની ભૂમિકા કેટલી મહત્વની હશે તેનો આ સૂચિતાર્થ છે.

આ રાજ્યસત્તા પર અન્નામ લોકોએ તથા બર્મીઝ લોકોએ હુમલા કર્યા, જેને પરિણામે લુઆન્ગ પ્રબાન્ગ (Luang Prabang), વ્યેન્ટ્યાન (Vientiane) તથા ચંપાસૅક (Champassac) – એમ ત્રણ નવાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ઈ. સ. 1827માં થાઇ લોકોએ વ્યેન્ટ્યાન પર જીત મેળવી. આ પછી ઈ. સ. 1893 સુધી આ પ્રદેશ ફ્રાન્સની હકૂમત નીચે રહ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઈ.સ. 1949માં ફ્રેંચ યુનિયન હેઠળ આ દેશે સ્વાતંત્ર્ય તેમજ સાર્વભૌમત્વ મેળવ્યું અને ઈ.સ. 1955થી તે યુનો(UNO)નું સભ્યપદ પણ ધરાવે છે. આ પછી દેશમાં સત્તા અંગેની અથડામણો અને પ્રજાકીય સંઘર્ષનો દોર સતત ચાલતો રહ્યો. વિયેતનામી સામ્યવાદી લશ્કર તથા પાથેટ લાઓ લશ્કરી ટુકડીઓ(લાઓસના સામ્યવાદી બળવાખોરોનું જૂથ)એ એકબીજા સાથે મળીને કેટલીય વાર દેશના ઘણા ભાગ પર કબજો મેળવ્યો. ઈ.સ. 1973માં સામ્યવાદી લશ્કરે ઉત્તરના ‘જારના મેદાન’ જેવા વ્યૂહાત્મક વિસ્તારો તેમજ દક્ષિણે આવેલા બોલોવેન ઉચ્ચપ્રદેશ પર સત્તા જમાવી. ઈ.સ. 1975માં વિયેતનામ પર સામ્યવાદી સત્તા પ્રવર્તમાન થઈ ત્યાં સુધી લાઓસની ધરતી પર અમેરિકન લશ્કરની હેરફેર તથા યુદ્ધ ચાલુ રહ્યું. બીજી ડિસેમ્બર 1975ના રોજ આ દેશને પ્રજાસત્તાક દેશ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. ઈ. સ. 1980માં વિયેતનામે આ દેશને બેઠો કરવા માટે લશ્કરી તથા નાણાકીય મદદ કરી. વળી ઈ. સ. 1988 સુધી આ દેશમાં થાઇલૅન્ડ તથા યુ.એસ. દ્વારા ભારે મૂડીરોકાણ થયું.

ઈ. સ. 1997માં લાઓસ ASEAN(ઍસોસિયેશન ઑવ્ સાઉથ-ઇસ્ટ એશિયન નૅશન્સ)માં દાખલ થયું છે.

બીજલ પરમાર