લાઑકૂન (અલ ગ્રેકો) [Laocoon (1604 થી 1614)] : વિખ્યાત સ્પૅનિશ ચિત્રકાર અલ ગ્રેકો દ્વારા 1604થી 1614 સુધીમાં ચિત્રિત જગમશહૂર ચિત્ર. 1506માં મળી આવેલા પ્રાચીન ગ્રીક શિલ્પ ‘લાઑકૂન’ પરથી અલ ગ્રેકોને આ ચિત્ર માટે પ્રેરણા મળેલી. પ્રાચીન ગ્રીક નગર ટ્રૉય ખાતેના એપૉલોના મંદિરના પાદરી/પૂજારી લાઑકૂને મંદિરને ભ્રષ્ટ કર્યું તથા વધારામાં લાઑકૂન અને એના બે કુપુત્રોએ ટ્રોજનને લાકડાના ઘોડાનું રહસ્ય બતાવી દેવાનું જે પાપ ર્ક્યું તેથી દેવી અથીનાનો પ્રકોપ એ ત્રણેય પર ઊતર્યો, જે આ શિલ્પનો વિષય છે.
મૂળ પ્રાચીન શિલ્પ ત્રણેય માનવ-આકૃતિઓનું સમૂહ-નિરૂપણ કરે છે, જ્યારે અલ ગ્રેકોનું ચિત્ર તે ત્રણેયની વૈયક્તિક રિબામણી નિરૂપે છે. પિતા લાઑકૂન ચિત્રમાં કેન્દ્રસ્થાને છે અને સાપના દંશથી દૂર રહેવા સંઘર્ષ કરે છે. એક પુત્ર તેની બાજુમાં મરેલો પડેલો છે અને બીજો પુત્ર ચિત્રમાં ડાબી બાજુએ ઊભેલી મુદ્રામાં સાપના ભરડા તથા દંશથી છટકવા વલખાં મારે છે. મિલેટુસના ઍર્ક્ટિનસે બયાન કરેલી પુરાકથામાં એવો ઉલ્લેખ છે કે બેમાંથી એક પુત્ર બચી જાય છે. ‘રહોડિયન માર્બલ’માં ગેટેએ ઍર્ક્ટિનસનું બયાન નોંધ્યું છે.
ચિત્રના જમણે ખૂણે આ ત્રણ માનવીઓની યાતનાને નિહાળી રહેલા બે યુવાદેવતાઓ એપૉલો અને આર્ટેમિસને ગ્રેકોએ ચીતર્યા છે. શું એ બે દેવતા લાઑકૂનને સાપની ચુંગાલમાંથી બચાવી લેશે ? એ પ્રશ્ન ગ્રેકોએ દર્શકો ઉપર છોડ્યો છે.
લાઑકૂન, બે પુત્રો તથા બે દેવતાઓ એમ આ ચિત્રમાં નિરૂપિત પાંચેય આકૃતિઓ સંપૂર્ણ નગ્ન છે. એપૉલોના પગ હાથ ફેરવવાની વાસના જાગે તેવા સ્ત્રૈણ છે, પણ આર્ટેમિસના પગ મર્દાના છે. પશ્ચાદભૂમાં ટ્રોજનનો ઘોડો, એની પાછળ ટૉલેડો નગરનું નિરૂપણ કરેલું છે. નગર પરનું આકાશ તોફાની વાદળથી ગોરંભાયેલું છે.
પાંચેય નગ્નાકૃતિઓ પર તીવ્ર છાયા અને પ્રકાશના આલેખનથી વિવિધ અંગોપાંગોની મૃદુતા તથા કઠોરતા ગ્રેકોએ સ્પષ્ટ કરી છે અને એ રીતે બરોક શૈલીની એક શ્રેષ્ઠ કૃતિ તરીકે આ ચિત્ર ઊપસી આવે છે.
અમિતાભ મડિયા