લાઇપઝિગ : જર્મનીના અગ્નિભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 20´ ઉ. અ. અને 12° 23´ પૂ. રે.. પ્રાંતનો કુલ વિસ્તાર 4,966 ચોકિમી. જેટલો છે. તે લાઇપઝિગ પ્રાંતની રાજધાનીનું સ્થળ પણ છે તથા આર્થિક અને વાણિજ્યવિભાગનું મુખ્ય મથક પણ છે. આ શહેર બર્લિનથી નૈર્ઋત્યમાં આશરે 145 કિમી.ને અંતરે આવેલું છે.
સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 122 મીટર જેટલી છે. મેદાની ભૂપૃષ્ઠ ધરાવતા આ શહેરની આજુબાજુમાં પાર્થા (Partha), એલ્સ્ટર (Elster) અને પ્લાઇસી (Pleisse) નામની ત્રણ નદીઓ વહે છે. આ ત્રણ નદીઓને કારણે તે અગત્યનું ભૂમિસ્થિત નદી-બંદર બન્યું છે. તે નહેરો દ્વારા એલ્બ (Elbe) અને ઝાલ (Saale) નદીઓ સાથે પણ સંકળાયેલું છે. અહીં બે વિશાળ હવાઈ મથકો પણ છે. વળી તે રેલ અને મોટરમાર્ગનું પણ મુખ્ય કેન્દ્ર છે. 1839માં લાઇપઝિગ અને ડ્રેસડન વચ્ચે રેલમાર્ગનો પ્રારંભ થયેલો.
આ શહેરમાં યંત્રો અને તેમના પુરજા, કૃષિઉપયોગી યાંત્રિક સામગ્રી, રસાયણો, છાપખાનાં, કાચ, સિરૅમિક, ફર, વૈજ્ઞાનિક સાધનો વગેરેના એકમો આવેલા છે. અહીં લોહઅયસ્ક પણ મળે છે. આ ઉપરાંત કાપડ-ઉદ્યોગ, પ્લાસ્ટિક-ઉદ્યોગ તથા ખાદ્યપદાર્થોના પ્રક્રમણના ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ અહીંથી 270 વર્તમાનપત્રો અને સામયિકો પ્રગટ થતાં હતાં.
વસ્તી : લાઇપઝિગની વસ્તી 4,42,300 (1998) જેટલી છે. અહીંના પરાવિસ્તારોમાં મોકાઉ, ગોહલિસ, યુટ્રિત્શ, મોકેર્ન, લિન્ડેનાઉ, પ્લૅગવિટ્ઝ, કોનેવિટ્ઝ, સ્ટોટેરિટ્ઝ, ચ્યુડિનિટ્ઝ, વૉહરેન વગેરે પરાંઓનો સમાવેશ થાય છે. સેન્ટ ટૉમસ ચર્ચ, ફાઇન આર્ટ્સનું મુખ્ય મથક, ક્રાન્તિ સમયનું કેન્દ્ર, લેનિનના સમયનું મ્યુઝિયમ અહીનાં જાણીતાં જોવાલાયક સ્થળો છે. અહીંના મ્યુઝિયમમાં મૂળ દક્ષિણ ભારતની 160 સેમી. ઊંચાઈવાળી ગણેશની પાંચ મસ્તકવાળી ઊભી મૂર્તિ જળવાયેલી છે. જૂના શહેરમાં સાંકડી શેરીઓ આવેલી છે; પરંતુ બહારના પરાવિસ્તારો આયોજનપૂર્વક બંધાયેલા છે. શહેરની મધ્યમાં કેટલાંક મકાનો સો વર્ષથી પણ વધુ જૂનાં છે.
ઇતિહાસ : અગિયારમી સદીમાં મધ્ય યુરોપના ધોરી માર્ગ પર આવેલું લાઇપઝિગ મહત્વનું વેપારી મથક ગણાતું હતું. પંદરમી સદી સુધી અહીં વિવિધ મેળાઓ યોજાતા રહેતા હોવાથી તે જાણીતું બની ગયું હતું. યુરોપ-એશિયાની ઘણી ચીજવસ્તુઓ અહીં વેચાવા આવતી. 1519માં પ્રૉટેસ્ટંટ પક્ષ તરફથી માર્ટિન લ્યૂથરની જીત થઈ. 17 સપ્ટેમ્બર, 1631ના રોજ ખેલાયેલા બ્રાઇટન ફીલ્ડ(Breiten field)ના સંઘર્ષને કારણે વ્યાપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા હતા; પરંતુ 1650થી આ શહેરનો વિકાસ થવા લાગ્યો. આ સમયમાં લાઇપઝિગ પ્રકાશન-ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બની ગયું. 16મીથી 19મી ઑક્ટોબર 1813માં નેપોલિયન સાથે થયેલા યુદ્ધને કારણે વેપાર ઉપર માઠી અસર થઈ. 1860થી લાઇપઝિગ જર્મન મજૂર ચળવળનું મુખ્ય કેન્દ્ર બન્યું. 1870માં અહીં સુપ્રીમ કૉર્ટની સ્થાપના થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરના મહત્વના ઉદ્યોગો હવાઈ હુમલાનાં નિશાન બનેલા. 1952માં પૂર્વ જર્મનીમાં રશિયનોનું પ્રભુત્વ હતું. છેવટે 1991માં બંને જર્મનીનું એકીકરણ થઈ જતાં અહીં લોકશાહી પદ્ધતિથી વહીવટ ચાલે છે. જર્મનીમાંનાં શહેરોમાં તેનો વસ્તીની દૃષ્ટિએ પંદરમો ક્રમ આવે છે.
નીતિન કોઠારી