લાઇટ ઑવ્ એશિયા, ધ

January, 2004

લાઇટ ઑવ્ એશિયા, ધ : ચલચિત્ર. હિંદી શીર્ષક : પ્રેમસંન્યાસ. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1925. નિર્માણસંસ્થા : ગ્રેટ ઈસ્ટર્ન ફિલ્મ્સ, એમેલ્કા ફિલ્મ (મ્યૂનિક, જર્મની). દિગ્દર્શક : ફ્રાન્ઝ ઑસ્ટિન. પટકથા : નિરંજન પાલ. કથા : 1861માં પ્રગટ થયેલી એડવિન આર્નોલ્ડની કવિતા પર આધારિત. છબિકલા : જોસેફ વર્શ્ચિંગ, વિવી કિરમિયર. મુખ્ય કલાકારો : હિમાંશુ રાય, સીતાદેવી, શારદા ઉકિલ, રાનીબાલા, પ્રફુલ્લ રાય, દયાનંદ, મધુ બોઝ.

ભારતીય ચિત્રોના મૂક યુગનું અત્યંત સીમાચિહનરૂપ ગણાતું આ ચિત્ર અનેક રીતે મહત્વપૂર્ણ બની રહ્યું હતું. વિદેશી સહયોગથી બનેલું આ પ્રથમ ચિત્ર હોવાનું માનવામાં આવે છે. જર્મનીના સહયોગથી આ ચિત્રનું નિર્માણ થયું હતું. ચિત્રનું દિગ્દર્શન કરનાર ફ્રાન્ઝ ઑસ્ટિન પણ જર્મન હતા. દિગ્દર્શક તરીકે તેમનું આ પ્રથમ ચિત્ર હતું. એ પછી તો જોકે તેમણે ભારતમાં જ રોકાઈને હિંદી ભાષા શીખીને ઘણાં હિંદી ચિત્રોનું દિગ્દર્શન કર્યું હતું. આ ચિત્રના એક પણ દૃશ્યનું સ્ટુડિયોમાં શૂટિંગ કરાયું નહોતું. એક મહેલમાં કૃત્રિમ પ્રકાશવ્યવસ્થા ગોઠવીને ચિત્રનું શૂટિંગ કરાયું હતું. ચિત્રમાં એક પણ કલાકારને મેકઅપ પણ કરાવાયો નહોતો. જે મહેલનો ઉપયોગ કરાયો હતો તે જયપુરના મહારાજાનો હતો. મહારાજાએ માત્ર પોતાનો મહેલ જ નહિ, પણ પોતાનાં પોશાકો, આભૂષણો અને શણગારાયેલા 30 જેટલા હાથીઓનો પણ ફિલ્મના શૂટિંગમાં ઉપયોગ કરવા દીધો હતો. જયપુર અને દિલ્હીથી માંડીને સોળ જેટલાં શહેરોમાં આ ચિત્રનું શૂટિંગ કરાયું હતું.

ત્રીજા દાયકાના પ્રારંભના સમયે મુંબઈમાં કેટલાક યુરોપિયન પર્યટકો આવે છે. એક વૃદ્ધ તેમને રાજા શુદ્ધોદનના પુત્ર ગૌતમ બુદ્ધની વાર્તા સંભળાવે છે. ગૌતમના જન્મ, ઉછેર, યુવાવસ્થાથી માંડીને તેમના ગૃહત્યાગ અને સંન્યાસ લેવા સુધીના પ્રસંગો આ કથામાં વણી લેવાયા છે. ગૌતમ બુદ્ધની ભૂમિકા હિમાંશુ રાયે ભજવી હતી. જર્મનીમાં પણ આ ચિત્રને વ્યાપક સ્તરે રજૂ કરાયું હતું. જર્મની ઉપરાંત યુરોપના અન્ય દેશોમાં પણ આ ચિત્ર ખૂબ વખણાયું હતું. આ ચિત્રનાં નાયિકા સીતાદેવી ઍંગ્લોઇન્ડિયન હતાં. તેમનું મૂળ નામ રેને સ્મિથ હતું. તેમનું પણ આ પ્રથમ ચિત્ર જ હતું.

હરસુખ થાનકી