લાઇટનિંગ રિજ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઓપલ(એક ઉપરત્ન, લસણિયા, ક્ષીરસ્ફટિકની ખાણોનું મથક. તે સિડનીથી વાયવ્યમાં આશરે 770 કિમી., વૉલગેટથી ઉત્તરે 75 કિમી. તથા દક્ષિણ ક્વીન્સલૅન્ડની સીમાથી દક્ષિણે 50 કિમી.ના અંતરે આવેલું છે. તે ન્યૂ સાઉથવેલ્સમાં ઓપલની પ્રાપ્તિ માટેનું સારી ઉત્પાદનક્ષમતા ધરાવતું ખાણક્ષેત્ર ગણાય છે; એટલું જ નહિ, પરંતુ દુનિયાભરમાં ઉચ્ચ કક્ષાનાં કાળા રંગનાં ઓપલ માટેનો તે મહત્વનો પ્રાપ્તિસ્રોત પણ ગણાય છે. કાળા રંગના આ કીમતી ગણાતા ઓપલની જાતનું તેની ભાતવિવિધતા અને વિરલ ઉપલબ્ધિને કારણે ઊંચું મૂલ્ય અંકાય છે. અહીંના 10 કિમી. જેટલા ખાણ-વિસ્તારમાં લગભગ 60 ક્ષેત્રો આવેલાં છે. ઓપલની ખોજ માટે અહીં દુનિયાભરમાંથી ઘણા લોકો આવે છે.
જાહ્નવી ભટ્ટ