લસાઝ, ઍલૉં રેને (જ. 6 મે 1668, સાર્ઝો, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1747, બૉલૉન) : ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક. બ્રિટનીમાં જન્મેલા રેને કાયદાના અભ્યાસ માટે અને વકીલાત કરવા માટે પૅરિસ ગયેલા, પરંતુ થોડાક જ વખતમાં આ કારકિર્દીને તિલાંજલિ આપીને કલમના ખોળે માથું મૂકેલું. સાહિત્ય-સાધનાથી આજીવિકા રળવાની અને કુટુંબનું પોષણ કરવાની જવાબદારી અદા કરનાર સૌપ્રથમ ફ્રેન્ચ લેખક તરીકેનું માન તેમને ફાળે જાય છે. સાહિત્યકાર તરીકેની કારકિર્દીનાં આરંભનાં વર્ષો સ્પૅનિશ નાટકો તથા કથાઓના અનુવાદ કે પરચૂરણ લખાણોમાં વિતાવ્યા બાદ 1707માં એક મૌલિક કૉમેડી ‘ક્રિપ્સીન રાઇવલ ધ સન મેઇત્ર’ અને એક નવલકથા ‘લ દિયાબલ બૉઇટૉક્સ’ પ્રકાશિત થયાં. 1709માં પ્રસિદ્ધ થયેલી કૉમેડી ‘તુરકારેત’માં તેમની કટાક્ષ-કળા ચરમસીમાએ છે. એકાએક શ્રીમંત થયેલ વર્ગના લોકોની નૈતિકતા કેટલી પોકળ હોય છે તેનું આબેહૂબ અને વેધક નિરૂપણ તેમાં છે. ફ્રેન્ચ નાટકની પ્રણાલિકાઓથી દૂર જઈને લસાઝે તે જમાનાના મૂર્ધન્ય નાટ્યકારો સામે જાણે કે બળવો પોકારેલો અને આશરે 100 જેટલી પ્રહસન પ્રકારની નાટ્યકૃતિઓનું કાં તો પોતે એકલા કે કોઈના સહયોગમાં નિર્માણ કરી પોતાની સર્જનશક્તિનું પ્રમાણ દાખવેલું.
લસાઝ નવલકથાકાર તરીકે વધુ પ્રભાવશાળી નીવડેલા. 1715માં તેમની નવલકથા ‘ગિલ બ્લાસ’ શરૂ થયેલી તે 1735માં પૂરી થઈ. સ્પૅનિશ પ્રણાલિકાઓના માળખામાં રહીને લેખકે તેમાં પોતાની કટાક્ષવૃત્તિને છૂટો દોર આપ્યો છે. મૂર્ધન્ય ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરની કટાક્ષકળાની તેમના ઉપર ઘેરી અસર હોવા છતાં તેમનાં લખાણોમાં મૌલિકતાની છાપ જરૂર ઊપસે છે. ‘ગિલ બ્લાસ’ નવલકથાનું માત્ર કટાક્ષના સંદર્ભે અવલોકન કરીએ તો તેમાં જીવન એટલે ભ્રમ, ઢોંગ, નિર્બળતાઓ અને છલનાઓનું નાટક એવો ખ્યાલ ઊભો થાય. પરંતુ તેમાં બીજો વિધાયક ખ્યાલ જીવન વિશે પ્રગટે છે તે એ કે અનેક વ્યથામય ઘટનાઓમાંથી પસાર થયા બાદ પ્રગટે છે માનવીનું સાચું સ્વરૂપ. વ્યથાપૂર્ણ પરિસ્થિતિઓ માનવી પોતે જે છે તેનું દર્શન કરાવે છે. આવી વ્યથાજનક જિંદગી એક અત્યંત મૂલ્યવાન ચીજ છે. તેમાં રહેલી અનિશ્ચિતતાઓ અને તેમાં આવતાં પરિવર્તનોનું પરિણામ માનવીનું પોતાપણું પ્રગટ કરે છે. લસાઝે બીજી ઘણી નવલકથાઓ લખી છે, પણ તેનું મૂલ્ય ‘ગિલ બ્લાસ’ જેટલું અંકાતું નથી. અન્ય નવલકથાઓમાં 1732માં પ્રકાશિત થયેલ ‘લેઝ ઍડ્વેન્ચર્સ દ માં રૉબર્ટ’ અને ‘દિત દ બુચન’નો સમાવેશ થાય છે. બંનેમાં પશ્ચાદભૂમિકા ફ્રેન્ચ કૅનેડાની છે. અન્ય નવલકથાઓ ‘ડૉન ગુઝમેન દ આલ્ફ્રાન્ચ’ (1732) અને ‘લ બૅચેલિયર દ સલામાન્ક્યુ’ (1736) છે.
જીવનનાં છેલ્લાં વર્ષો લેખકે પોતાની નવલકથા ‘ગિલ બ્લાસ’ના શાણા નાયક ગિલ બ્લાસની જેમ પૅરિસથી દૂર પોતાના કુટુંબના સભ્યો સાથે વિતાવેલાં.
પંકજ જ. સોની