લ’વૉવ (L’Vov) : યૂક્રેનનું મુખ્ય શહેર. યૂક્રેનિયન ભાષામાં તે ‘લ વિવ’, ‘લ્ય વિવ’ કે ‘લ્ય વૉવ’ નામોથી ઓળખાય છે; જર્મન ભાષામાં તે લૅમ્બર્ગ નામથી જાણીતું છે. ભૌગોલિક સ્થાન : 49° 50´ ઉ. અ. અને 24° 00´ પૂ. રે.. તે કીવથી પશ્ચિમે 475 કિમી.ને અંતરે, વેસ્ટર્ન બગ અને મેસ્ત્ર નદીઓ વચ્ચેના જળવિભાજક પર, પેલ્તેવ નદીના ઉદગમસ્થાન નજીક આવેલું છે.
આ વિસ્તારમાં ભૂમધ્ય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. ઉનાળા દરમિયાન સરેરાશ તાપમાન 17°થી 25° સે. તથા શિયાળા દરમિયાન –8°થી 2° સે. જેટલું તાપમાન રહે છે. અહીંનો સરેરાશ વરસાદ 1,500 મિમી. જેટલો રહે છે, ભેજવાળા વરસાદી પવનો ઉત્તરથી દક્ષિણ તરફ વાય છે.
લ’વૉવ પશ્ચિમ યૂક્રેનનું વહીવટી, વેપારી, ઔદ્યોગિક, સાંસ્કૃતિક તથા વાહનવ્યવહારનું કેન્દ્રીય મથક છે. કાર્પેથિયન તેલક્ષેત્રો અહીં નજીકમાં આવેલાં છે. અહીંની મુખ્ય પેદાશોમાં કૃષિવિષયક યંત્રસામગ્રીથી ભારે વાહનો, ટેલિવિઝન અને વીજાણુસામગ્રી, વીજળીનાં ઉપકરણો, દવાઓ, રંગો, રસાયણો, કાચ અને સિરૅમિક સાધનો, સુતરાઉ કાપડ, બાંધકામ-સામગ્રી, પ્રક્રમિત ખાદ્ય પેદાશો તથા શુદ્ધ કરેલી ખનિજતેલ પેદાશોનો સમાવેશ થાય છે. રેલવે-સમારકામનો એકમ આ શહેર ખાતે આવેલો છે.
આ શહેરમાં ઘણાં સંગ્રહાલયો, પુસ્તકાલયો, સંશોધન-સંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ આવેલાં છે. રશિયાની જૂની યુનિવર્સિટીઓ પૈકીની એક એવી ઇવાન ફ્રૅન્કો યુનિવર્સિટી (સ્થાપના : 1611) અહીં આવેલી છે. 1350માં બાંધેલું રોમન કેથીડ્રલ અહીંનું ધાર્મિક સ્થળ ગણાય છે.
તેરમી સદી(1256)માં ગૅલિસિયાની સ્વતંત્ર જાગીરના શાસક લેવ દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવેલી. 1340થી 1772 સુધી આ શહેર પોલૅન્ડના કબજા હેઠળ હતું. પોલ લોકો તેને લ’વૉવ (L’wow) કહેતા. 1772થી 1918 સુધી તેના પર ઑસ્ટ્રિયાનું શાસન રહેલું; તેમણે આ શહેરને ‘લૅમ્બર્ગ’ નામ આપેલું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ પોલૅન્ડે તેને ફરીથી પોતાના કબજા હેઠળ લીધું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેર હવાઈ હુમલાઓનો ભોગ બનેલું તેમાં તેને ભારે ખુવારી વેઠવી પડેલી. 1945માં લ’વૉવ સત્તાવાર રીતે સોવિયેત સંઘના યૂક્રેનિયન પ્રજાસત્તાકનો ભાગ બનેલું. 1991માં સોવિયેત સંઘના ભાગલા પડતાં યૂક્રેને પોતાના પ્રદેશને સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે જાહેર કરી દીધું. તેમ છતાં યૂક્રેને અગાઉના સોવિયેત પ્રજાસત્તાક સમવાય તંત્રના ભાગરૂપ રહેવાની પોતાની ઇચ્છા પણ દર્શાવેલી છે. વસ્તી : 7,94,000 (1999).
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી