લવૉંગ ગાઇ (La-Vong’gi) : પાપુઆ ગિની(ઇન્ડોનેશિયા)ના ભાગરૂપ બિસ્માર્ક ટાપુસમૂહમાં આવેલો સક્રિય જ્વાળામુખી-રચિત ટાપુ. તે 3° 00´ દ. અ. અને 47° 30´ પૂ. રે.ની આજુબાજુનો 1,190 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીં નાળિયેરીનાં અનેક ઝુંડ આવેલાં છે. પહાડી પ્રકારની વનસ્પતિથી આ ટાપુ ભરપૂર રહેતો હોવાથી તે બારેમાસ હરિયાળો રહે છે. ઘાસનું પ્રમાણ અહીં ઓછું છે. આ ભાગ સક્રિય જ્વાળામુખીવાળો હોવાથી અહીં ગરમ પાણીના ઝરા જોવા મળે છે. બિસ્માર્ક ટાપુસમૂહના વેપાર અને માલસામાનની હેરફેરનું તે મુખ્ય કેન્દ્ર બની રહેલું છે. 1884થી પ્રથમ વિશ્વયુદ્ધ સુધી અહીં જર્મનીનું આધિપત્ય હતું.
નીતિન કોઠારી