લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને ‘એવૉર્ડ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે લવાદની નિમણૂક વિવાદ સાથે સંબંધ ધરાવતા પક્ષકારો વચ્ચેની પરસ્પર સમજૂતી દ્વારા કરવામાં આવતી હોય છે અને તેથી લવાદ દ્વારા આપવામાં આવેલો ફેંસલો બધા પક્ષકારો માટે બંધનકર્તા ગણવામાં આવે છે. સંબંધિત વિવાદ સાથે સંકળાયેલી બાબતોની બારીકાઈથી તપાસ કરવાની સત્તા લવાદને આપવામાં આવતી હોય છે, જેથી તે કોઈ પણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર તટસ્થતાપૂર્વક પોતાનો ફેંસલો આપી શકે અને તે દ્વારા વિવાદનો અંત લાવી શકાય. લવાદ દ્વારા વિવાદનો ફેંસલો લાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે પદ્ધતિ અદાલતી સ્વરૂપની અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પર આધારિત હોય છે અને તેથી આવી પદ્ધતિના અંતે જે ચુકાદો આપવામાં આવે છે તે ન્યાયાલયના ચુકાદાને અનુરૂપ કે સમકક્ષ ગણવામાં આવે છે.
લવાદી કે મધ્યસ્થી બે પ્રકારની હોઈ શકે છે : (1) સ્વૈચ્છિક અથવા મરજિયાત, (2) ફરજિયાત. જ્યારે કોઈ વિવાદ સાથે સંબંધ ધરાવતા પક્ષકારો પરસ્પર સમજૂતી દ્વારા વિવાદનો ઉકેલ શોધવામાં નિષ્ફળ નીવડે છે અને જ્યારે તે બધા જ પક્ષકારો વિવાદનો ફેંસલો કરવાની સત્તા કોઈ ત્રીજા પક્ષને સ્વેચ્છાથી સોંપવા અને લવાદનો ફેંસલો સ્વીકારવા તૈયાર થાય છે ત્યારે પક્ષકારોના આવા નિર્ણયને સ્વૈચ્છિક અથવા મરજિયાત લવાદી કહેવામાં આવે છે. આવી લવાદી કે મધ્યસ્થીની મુખ્ય લાક્ષણિકતા એ હોય છે કે વિવાદ સાથે સંકળાયેલા બધા જ પક્ષકારો તેમની વચ્ચેના વિવાદને કોઈ ત્રાહિત પક્ષને અંતિમ ચુકાદો શોધવા માટે સોંપવા અને તેનો નિર્ણય માન્ય રાખવા તૈયાર થતા હોય છે; પરંતુ કેટલીક વાર જ્યારે પક્ષકારો આવા નિર્ણય પર આવવા માટે અસમર્થ હોય છે ત્યારે તેમની વચ્ચેના વિવાદનું નિરાકરણ લાવવા માટે તે વિવાદને ફરજિયાતપણે લવાદને સોંપવાની જોગવાઈ કાયદા દ્વારા કરવામાં આવેલી હોય છે અને આવા કિસ્સામાં પણ લવાદનો ફેંસલો બધા પક્ષકારો માટે બંધનકર્તા ગણવામાં આવે છે; દા. ત., ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રના વિવાદોના નિરાકરણ માટે ઔદ્યોગિક વિવાદ ધારો 1947ની અંતર્ગત ક્રમશ: વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈઓમાં કારખાનાંના માલિકો અને મજૂરો વચ્ચેના સંબંધોમાં સુધારો થાય તે હેતુથી બંનેના પ્રતિનિધિઓની મળેલી સંયુક્ત સમિતિઓ રચવાની જોગવાઈ, કેટલાક ઉદ્યોગો કે વિસ્તારો માટે સમાધાન અધિકારીઓ નીમવાની જોગવાઈ, આવશ્યક જણાય ત્યારે સમાધાન સમિતિ નીમવાની જોગવાઈ વગેરે. આવી જોગવાઈઓની અંતર્ગત લીધેલાં પગલાંઓ પણ વિવાદના નિરાકરણમાં સફળ ન થાય તો તટસ્થ વ્યક્તિઓનું બનેલું તપાસ ન્યાયાલય નીમવાની જોગવાઈ પણ ઉપર્યુક્ત કાયદામાં કરવામાં આવી છે. વિવાદનું નિરાકરણ તપાસ-ન્યાયાલય દ્વારા પણ ન થાય તો સંબંધિત ઔદ્યોગિક વિવાદનો ફેંસલો કરવા માટે ઔદ્યોગિક ન્યાયપંચને સંબંધિત વિવાદ સોંપવાનું પ્રાવધાન 1947ના ઉપર્યુક્ત કાયદામાં કરવામાં આવેલ છે. જુલાઈ 1967માં કેન્દ્ર સરકાર દ્વારા વિશાળ પ્રતિનિધિત્વ ધરાવતા રાષ્ટ્રીય લવાદ પ્રોત્સાહક બૉર્ડ(National Arbitration Promotion Board)ની રચનાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ટૂંકમાં, જ્યારે દીવાની વિવાદ સાથે સંકળાયેલા પક્ષકારો સ્વૈચ્છિક કે મરજિયાત લવાદ દ્વારા પોતાની વચ્ચેના વિવાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે ફરજિયાત લવાદની પદ્ધતિનું અવલંબન લેવામાં આવે છે અને તે દ્વારા સંબંધિત વિવાદ કોઈ ત્રાહિત પક્ષને – પછી તે એક વ્યક્તિ હોય, એક કરતાં વધુ વ્યક્તિઓનું બનેલું પંચ (Board) હોય અથવા ન્યાયાલયની સમકક્ષ લવાદ હોય તેને – એનો ફેંસલો કરવા માટે સોંપવામાં આવે છે અને આવા ત્રાહિત પક્ષનો ફેંસલો બધા પક્ષો માટે ફરજિયાતપણે બંધનકર્તા ગણવામાં આવે છે. આવા કિસ્સામાં ફરજિયાત લવાદની નિમણૂક કરવા માટે કાનૂની કાર્યવાહી અનિવાર્ય બને છે, જેથી તેનો ચુકાદો કે ફેંસલો બધા પક્ષકારો માટે બંધનકર્તા બની શકે.
લવાદ સાથે સંબંધ ધરાવતા નિયમો અને કાર્યપદ્ધતિઓ સામાન્ય રીતે ન્યાયાલયો દ્વારા અપનાવવામાં આવતા નિયમો અને કાર્યપદ્ધતિને અનુરૂપ હોય છે; દા.ત., જ્યારે લવાદી ફરજિયાત હોય ત્યારે તેના કામકાજ દરમિયાન સાક્ષીઓની ફરજિયાત ઉપસ્થિતિ, વિવાદની તપાસ કરવા માટે લવાદીને સોંપવામાં આવતી પૂરતી સત્તાઓની જોગવાઈ, લવાદના નિર્ણયની ફરજિયાત અમલ-બજવણી અને તેમાં કસૂર થાય તો સંબંધિત વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ વગેરેનો લવાદીની આ કાર્યવહીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. જ્યારે વિવાદનો ફેંસલો કરવામાં લવાદ નિષ્ફળ નીવડે ત્યારે તેઓ ‘એમ્પાયર’ની નિમણૂક કરવાની સત્તા ધરાવતા હોય છે અને આવી રીતે નીમવામાં આવેલ વ્યક્તિને વિશેષાધિકાર(casting vote)નો ઉપયોગ કરી અંતિમ ફેંસલો આપવાની સત્તા હોય છે.
ભારતનો લવાદી ધારો 194૦ મુજબ લવાદીના ત્રણ પ્રકાર હોઈ શકે : (1) અદાલતની દરમિયાનગીરી વગર નીમવામાં આવતી લવાદી (2) જ્યારે કોઈ વિવાદ અદાલત સમક્ષ ન હોય ત્યારે અદાલતની દરમિયાનગીરીથી નીમવામાં આવતી લવાદી, અને (3) દાવાઓ દરમિયાન નીમવામાં આવતી લવાદી.
1919ના વર્સેલ્સ કરાર અન્વયે હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અદાલત દેશો દેશો વચ્ચેના વિવાદોનો નિર્ણય આપવાનું કાર્ય કરે છે, જ્યાં વિવાદના પક્ષકારો પરસ્પર સંમતિથી આ અદાલત સમક્ષ આવી શકે છે. સંધિથી આ અદાલતની હકૂમત માન્ય કરનાર રાષ્ટ્રો માટે તેની હકૂમત ફરજિયાત છે. આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ માટેનું આ અદાલત એક કાયમી સાધન છે. બીજા વિશ્વયુદ્ધ પછી (1945) રાષ્ટ્રસંઘના હકનામા(charter)ની કલમ 92થી 96 અન્વયે રાષ્ટ્રસંઘના એક મુખ્ય અંગ તરીકે આ અદાલતનો સમાવેશ થયેલો છે. કફર્યૂ ચૅનલ વિવાદમાં આ અદાલતે એવો આદેશ (ruling) આપેલો છે કે રાષ્ટ્રસંઘની સલામતી-સમિતિનો આદેશ હોય તોપણ પરસ્પરની સંમતિ વગર કોઈ પણ આંતરરાષ્ટ્રીય વિવાદનો નિકાલ કરવાની આ અદાલતને હકૂમત નથી. આમ આ અદાલત સ્વૈચ્છિક અથવા મરજિયાત લવાદીના સ્વરૂપની છે. આ અદાલતને પોતાના ચુકાદાનો અમલ કરાવવાની સત્તા નથી અને તેટલે અંશે તેના ચુકાદા પક્ષકારો માટે ભલામણ કે સલાહનું સ્વરૂપ જ ધારણ કરતા હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે