લલી, ઝાં બાપ્તિસ્તે (જ. 28 નવેમ્બર 1632, ફલૉરેન્સ, ઇટાલી; અ. 22 માર્ચ 1687, પૅરિસ, ફ્રાન્સ) :  સત્તરમી અને અઢારમી સદીમાં સમગ્ર યુરોપિયન સંગીત પર પ્રભાવ પાથરનાર ઇટાલિયન મૂળનો ફ્રેન્ચ સંગીતકાર અને સ્વરનિયોજક.

ઇટાલિયન માબાપને પેટે જન્મ્યો હોવા છતાં કિશોરાવસ્થામાં જ ફ્રાન્સના મોંપેન્સિયેના તંતુવાદ્યવૃંદમાં જોડાઈ ગયો; પરંતુ કેટલીક અશ્લીલ કાવ્યરચનાઓને સંગીતમાં બેસાડવા બદલ તેને બરતરફ કરવામાં આવ્યો. 1652માં ફ્રાન્સના રાજા લૂઈ બારમાના વાદ્યવૃંદમાં એ વાયોલિનવાદક તરીકે જોડાઈ ગયો. તુરત જ બૅલે માટેના સંગીતનું સ્વરનિયોજન કરવું શરૂ કર્યું. 1664થી 1671 સુધી લલીએ મૉલિયેરની સાથે ‘લ મેરિએજ ફૉર્સે’ અને ‘‘લ પ્રિન્સિસ દ’’ એલાઇદ’ તથા ‘લ બુઝર્વા જેન્તીલ્હોમે’ એ કૃતિઓમાં સ્વરાંકન કર્યું.

ઝાં બાપ્તિસ્તે લલી

1672થી મરણ પર્યંત લિબ્રેતિસ્ટ (લેખક) ફિલિપ કીનોલ્તના સહયોગમાં કામ કર્યું. એ બેની મુખ્ય કૃતિઓમાં ‘એતીસ’ (1676), ‘આઇરિસ’ (1677), ‘રોલાં’ (1685) તથા ‘લ ટેમ્પલ દ લા પેઇ’ (1685) શ્રેષ્ઠ ગણાય છે. પોતાની જ ‘કન્ડક્ટિંગ સ્ટિક’ પોતાના વડે પગમાં ખૂંપી જતાં થયેલો ઘા પાકી જતાં લલીનું મૃત્યુ નીપજેલું.

એક સામાન્ય વાયોલિનવાદકમાંથી મહત્ત્વાકાંક્ષી લલીએ એટલો ઝડપી વિકાસ કર્યો. તેથી 1674 પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે સમગ્ર ફ્રાન્સમાં કોઈ પણ ઑપેરાનું મંચન કરવું હોય તો લલીની પરવાનગી લેવી અનિવાર્ય થઈ પડેલી. રાજા લૂઈ બારમાના ખાસ સંગીતકારના દરજ્જા ઉપરાંત સમગ્ર ફ્રાન્સના શ્રીમંતોનો પણ એ લાડલો સંગીતકાર બની ગયેલો.

મૂળ વતન ઇટાલીના સંગીતની મૂળભૂત લઢણોને તત્કાલીન ફ્રેન્ચ રુચિ અનુસાર ઢાળવા ઉપરાંત એણે ખાસ્સી મૌલિકતા દાખવીને નિજી સંગીતશૈલી ઊભી કરેલી. બૅલેમાં તેણે માઇન્યુએટ જેવી તદ્દન ધીમી તેમજ બૂરી, ગેવોતે અને ગીગ જેવી અતિ તીવ્ર ગતો ઉમેરીને એકસૂરીલાપણું (monotony) અને તેથી નીપજતા કંટાળાને દૂર કર્યાં. એ જમાનામાં રંગમંચ પર રજૂ થતાં ફ્રેન્ચ નૃત્યો તથા નાટકોમાં સ્ત્રી ભાગ લેતી નહિ. આ પરંપરાનું ખંડન કરી સ્ત્રીઓને મંચ પર નૃત્ય કરાવવાની પહેલ લલીએ કરી હતી.

લલીના ઑપેરા પણ એટલા જ સફળ નીવડ્યા. માત્ર ફ્રેન્ચ ટેક્સ્ટને જ એ ઉપયોગમાં લેતો. એણે ટ્રૅજિક તેમજ કૉમિક એમ બંને ઑપેરા સર્જ્યા હતા. ઝડપી લયમાં ઑપેરાનો અંત આણવાની તેણે શરૂ કરેલી પરંપરા પછીથી બ્રિટિશ સ્વરનિયોજક પર્સેલ, જર્મન સ્વરનિયોજક ગ્લક તથા ફ્રેન્ચ સ્વરનિયોજક શમ્યૂએ પણ અપનાવી.

લલીની ધાર્મિક રચનાઓમાં 17 મોટેટ મહત્વનાં છે. વાદ્યવૃંદ માટેની રચનાઓમાં ટ્રમ્પેટ્સનાં જૂથ તથા તંતુવાદ્યોના જૂથ વચ્ચેની જુગલબંદીઓ, ‘ડાન્સિઝ ફૉર વેરિયસ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ’ તથા ‘સ્વીટ દ સિમ્ફોનિસ એ ત્રાયોસ’નો સમાવેશ થાય છે.

અમિતાભ મડિયા