લલિતાદુ:ખદર્શક નાટક : પહેલું ગુજરાતી કરુણાન્ત નાટક. ભવાઈમાં આવતા કજોડાના વેશની બીભત્સતા જોઈ આઘાત પામેલા રણછોડભાઈ ઉદયરામ દવેએ ગુજરાતી રંગભૂમિને સંસ્કારવા આ પાંચ-અંકી નાટક ઈસવી સન 1866માં રચી પ્રસિદ્ધ કર્યું. પ્રારંભકાળની ઘડાતી, બોલાતી તળપદી ભાષાનો લેખકે ઉપયોગ કર્યો છે. એમાં ભરપૂર નાટકીપણું છે. શ્રી ગુજરાતી નાટક મંડળીએ જૂની વિક્ટોરિયા નાટકશાળામાં રવિવાર, તા. 6–1–1878ના દિને પ્રેક્ષકોની ચિક્કાર હાજરી વચ્ચે આ નાટક ભજવ્યું અને તે વૃત્તપત્રોની પસંદગી પામ્યું.
જીવરાજ નામના ધનિકની પુત્રી લલિતાનાં લગ્ન દંભરાજના કુળવાન પણ મૂર્ખ ને દુરાચારી પુત્ર નંદનકુમાર સાથે થયાં છે. લલિતા ઉપર પરણ્યાની પહેલી રાતથી જ દુ:ખોની હારમાળા શરૂ થાય છે. નંદનકુમાર માર મારી ઘરેણાં પડાવી લે છે. પૂરણમલ રસ્તામાં નંદન અને છળદાસને મારી નાંખે છે. પૂરણમલના પંજામાં પડેલી લલિતાને પંથીમલ બચાવે છે. લલિતા ગણિકા અને કુભાંડીના પંજામાંથી છૂટી છેવટે માબાપને મળે છે. ત્યાં તેને ભૂત ગણીને મારે છે. પછી ઓળખાણ પડતાં લલિતા ગ્રામવાસીઓને પોતાની કથની કહે છે અને અંતે મરણ પામે છે.
ગુજરાતી રંગભૂમિનું આ સૌપ્રથમ સ્વતંત્ર મૌલિક કરુણાંત સામાજિક નાટક છે. બાળલગ્નથી અને વરમાં ગુણને બદલે કુળ જોવાથી કેવાં માઠાં પરિણામો આવે છે એ દર્શાવી ગુજરાતી સમાજમાં સુધારો કરવાના આશયથી રચાયેલું આ નાટક છે. એ જમાનામાં આ નાટક એટલું લોકપ્રિય થયું હતું કે, ‘નંદન’ શબ્દ મૂર્ખતાનો પર્યાય થઈ ગયો હતો. નાટકમાં સંવાદ અને વર્ણન માટે લાંબાં કાવ્યો મૂક્યાં છે. સંવાદોમાં નીતિબોધનાં ભાષણો આવે છે. દીર્ઘ વાર્તાની શૈલીએ વસ્તુવિકાસ થાય છે. આ નાટકે ગુજરાતી રંગભૂમિને પ્રારંભમાં નાટકનું સ્વરૂપ બાંધી આપ્યું. આ નાટક એ જમાનામાં એટલું વખણાયું હતું કે છેક ઈસવી સન 1895 સુધીમાં આ નાટકની બાર હજાર પ્રત વેચાઈ. આ નાટક પછી ગુજરાતી રંગભૂમિ ઉપર ‘દુ:ખદર્શક’ નાટકોની જમાત અસ્તિત્વમાં આવી.
દિનકર ભોજક