લતાફતહુસેનખાં (જ. ડિસેમ્બર 1921, જયપુર) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક. તેમના પિતા જયપુર દરબારના રાજગાયક અલ્તાફ હુસેનખાં પોતે અગ્રણી ગાયક હોવાથી પુત્ર લતાફતને શાસ્ત્રીય સંગીત વારસામાં મળ્યું હતું. તેમનો ઉછેર હકીકતમાં જયપુરમાં તેમના મોટા ભાઈ અને વિવિધ રાગોની બંદિશોના રચનાકાર ઉસ્તાદ ખાદિમ હુસેનખાં સાહેબ દ્વારા થયો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ ત્રણ ગુરુઓ પાસેથી પ્રાપ્ત કરી હતી, જેમાં ઉસ્તાદ ફૈયાઝખાં, ઉસ્તાદ વિલાયતહુસેનખાં અને ઉસ્તાદ ખાદિમહુસેનખાંનો સમાવેશ થાય છે. તેમણે ઉસ્તાદ ફૈયાઝખાં સાથે સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું હતું અને તે દરમિયાન ઠેર ઠેર યોજાતાં સંગીતસંમેલનોમાં તેમના જાહેર કાર્યક્રમો થયા હતા. તાનબાજીમાં તેઓ નિપુણ છે અને પંચમ સ્વર સુધી સિફતથી રાગની રજૂઆત કરવાનું સામર્થ્ય તેઓ ધરાવે છે.
તેમને સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે