લડાયક વિમાન : શત્રુપક્ષનાં લડાયક વિમાનોનો નાશ કરી અવકાશી વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપવા માટે બનાવવામાં આવતાં વિમાનો. આવાં વિમાનો જુદાં જુદાં નામથી ઓળખાતાં હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મનીએ ફૉકર D. VII તથા ફ્રાન્સે સ્ટૉડ નામનાં વિમાનો આકાશી યુદ્ધમાં ઉતાર્યાં હતાં, જે કલાકે 215 કિમી. ગતિથી આકાશમાં ઊડી શકતાં હતાં. ઑક્ટોબર 1938માં અમેરિકાએ કર્ટિસ P–4૦ નામના લડાયક વિમાનો બનાવ્યાં જેની ઉડ્ડાનગતિ 483 કિમી. પ્રતિ કલાક જેટલી હતી. આ વિમાનોનો ઉપયોગ ઘણા દેશોએ કર્યો છે. નવેમ્બર 194૦માં ઇંગ્લેન્ડે SEA MOSQUITO નામનાં વિવિધ-લક્ષી લડાયક વિમાનો તૈયાર કર્યાં હતાં, જેમનો ઉપયોગ તે દેશના નૌકાદળમાં કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન બ્રિટનનાં હરિકેન અને સ્પિટફાયર નામક લડાયક વિમાનો, જર્મનીનાં મેસરસ્મિટ 1૦9 અને Fw–19૦, અમેરિકાનાં P–47 થંડરબોલ્ટ અને P–51 મસ્ટૅંગ તથા જાપાનનાં ઝીરો (AGM પ્રકારનાં ઝીરો વિમાનો) યુદ્ધમાં ઉતાર્યાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમનો ઉપયોગ એકબીજા પર આક્રમણ કરી શત્રુનાં વિમાનો તોડી પાડવા પૂરતો જ મર્યાદિત હતો. ઉપરાંત આ યુદ્ધમાં લડાયક વિમાનોના પંખામાંથી મશીનગન દ્વારા શત્રુપક્ષનાં વિમાનો પર આક્રમણ કરવા માટે પણ તેમનો ઉપયોગ થતો હતો. બીજા વિશ્વયુદ્ધમાં ઉતારવામાં આવેલાં લડાયક વિમાનોની ગતિ કલાકદીઠ 725 કિમી. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઉતારવામાં આવેલાં લડાયક વિમાનોની ગતિ કરતાં લગભગ ત્રણગણી વધારે હતી. બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલાં લડાયક વિમાનો 1૦,7૦૦થી 12,૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પરથી યુદ્ધની કામગીરી કરવા સમર્થ હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંને પક્ષોએ જેટ લડાયક વિમાનો બનાવવામાં સફળતા મેળવી હતી. પરંતુ યુદ્ધમાં તે દાખલ થાય તે પહેલાં જ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ સોવિયત સંઘે YaK–23 અને YaK–23 UTI નામનાં લડાયક જેટ વિમાનો બનાવ્યાં જેનો ઉપયોગ વૉર્સો સંધિ સાથે જોડાયેલા સામ્યવાદી દેશોની વાયુસેના માટે કરવામાં આવ્યા હતા. અલબત્ત, કોરિયાના યુદ્ધ (195૦–53) દરમિયાન અમેરિકાએ F–86 અથવા સેબર જેટ્સ તથા સામા પક્ષે સોવિયેત મિગ–15 જેટ વિમાનોનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ 196૦ અને 197૦ના દાયકાઓમાં મધ્યપૂર્વના સંઘર્ષમાં અમેરિકાએ F–1૦૦, F–1૦5 અને F–4 પ્રકારનાં જેટ લડાયક વિમાનો, સોવિયેત સંઘનાં મિગ–21 તથા ફ્રાન્સનાં મિરાજ–III જેટ લડાયક વિમાનોએ ભાગ લીધો હતો. ઇન્ડો-ચાયનાના યુદ્ધ(1957–75)માં પણ અમેરિકા અને સોવિયેત સંઘનાં જેટ વિમાનોએ સામસામો જંગ ખેલ્યો હતો. આ યુદ્ધમાં અમેરિકાએ F–4 ફૅન્ટમ–II વિમાનો ઉતાર્યાં હતાં, જેમના દ્વારા વિયેતનામ પર હજારો ટન બૉમ્બ ઝીંકવામાં આવતા હતા. હવે તો ધ્વનિની ગતિ કરતાં પણ વધારે ગતિ ધરાવતાં લડાયક વિમાનો બનાવવામાં આવે છે. આ વિમાનો કલાકદીઠ 1,6૦૦ કિમી.ની ગતિ ધરાવતાં હોય છે તથા ચઢિયાતા દાવપેચ દ્વારા આકાશી યુદ્ધ લડવાનું સામર્થ્ય ધરાવે છે. તેમનામાં સર્વોચ્ચ કક્ષાનાં ઇલેક્ટ્રૉનિક, નૅવિગેશનલ તથા કમ્પ્યૂટર ઉપકરણો બેસાડવામાં આવતાં હોય છે, જેથી તે શત્રુપક્ષનાં વિમાનોની હેરફેર પર ઝીણી નજર રાખી શકતાં હોય છે અને આંખના પલકારામાં તેમને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. એપ્રિલ 1965માં સોવિયત સંઘે Ye–266 ઇન્ટરસેપ્ટર વિમાનો બનાવ્યાં જેના વિશ્વસ્તરે ઘણા વિક્રમ નોંધાયા હતા. 1975માં ઇઝરાયેલે 3૦ મિમી. વ્યાસ ધરાવતી તોપની સજ્જતા સાથેના મિરાજ લડાયક વિમાનો બનાવવામાં સફળતા મેળવી હતી જેનો ઉપયોગ ઇઝરાયેલ ઉપરાંત અમેરિકા, કોલંબિયા અને ઇક્વેડોરની વાયુસેના કરે છે. 1977 દરમિયાન ઇટાલી અને બ્રાઝિલે એક બેઠકો ધરાવતા AMX અને બે બેઠકો ધરાવતા AMX(T) નામના લડાયક વિમાનો બનાવ્યાં જેમના પર અનુક્રમે 2૦ અને 3૦ મિમી. વ્યાસ ધરાવતી તોપો બેસાડવામાં આવી છે. સપ્ટેમ્બર 1984માં અમેરિકાએ B–1B ભારે બૉમ્બર્સ બનાવ્યાં.
આધુનિક યુદ્ધકૌશલ્યમાં પાયદળ અને નૌકાદળ કરતાં પણ દેશની વૈમાનિક શક્તિ સાપેક્ષ રીતે વધારે મહત્વની બનતી જાય છે.
જે લડાયક વિમાનો માત્ર આકાશમાં જ કામગીરી કરે છે, તેમને લડાયક વિમાનો (fighter planes) કહેવામાં આવે છે, જ્યારે કેટલાંક લડાયક વિમાનો આકાશમાંની કામગીરી ઉપરાંત શત્રુના જમીન પરના લક્ષ્ય પર બૉમ્બ ઝીંકવાનું કાર્ય પણ કરતાં હોય છે, તેમને લડાયક બૉમ્બર્સ (fighter bombers) કહેવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે