લઘુ ઉદ્યોગ

મહદ્અંશે એક કરોડ રૂપિયાનું સ્વમાલિકીનું નિમ્ન મૂડીરોકાણ ધરાવતો ઉદ્યોગ. તે બજાર પર પ્રભાવ પાડવાની કોઈ ક્ષમતા ધરાવતો નથી. લઘુ-ઉદ્યોગની કલ્પના સાથે આપણી સમક્ષ પાપડ, અથાણાં વગેરે ગૃહઉદ્યોગ, કપ-રકાબી, બૂટ-ચંપલ, સાબુ, ડિટરજન્ટ, કાપડ, તૈયાર વસ્ત્રો, રબર અને પ્લાસ્ટિકની ચીજો, રંગો, રસાયણોથી માંડીને અદ્યતન તકનીકીનો ઉપયોગ કરીને ટેલિવિઝન, કમ્પ્યૂટર તેમજ અન્ય વીજાણુ-સાધનોનું ઉત્પાદન કરતાં કારખાનાં દૃષ્ટિગોચર થાય છે. લઘુ ઉદ્યોગોમાં બનતી 7,500થી વધુ વસ્તુઓની યાદી તેની વિવિધતા દર્શાવે છે. તેની વ્યાખ્યામાં લઘુ ઉદ્યોગો તેમજ યંત્રશાળાઓ અને ખાદી, ગ્રામોદ્યોગ, હાથશાળ, હસ્તઉદ્યોગ, રેશમ અને કાથી બનાવવાના પારંપરિક ઉદ્યોગો તેમજ વ્યાવસાયિક સેવા-એકમોનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં 2001–2002ના વર્ષમાં નોંધાયેલ 27.53 લાખ અને નહિ નોંધાયેલ 7.11 લાખ મળીને કુલ 34.64 લાખ લઘુ ઉદ્યોગોએ 1.92 કરોડ કામદારોને રોજી પૂરી પાડી રૂ. 6,90,722 કરોડની કિંમતની વસ્તુઓનું ઉત્પાદન કર્યું હતું. 20002001ના વર્ષમાં આ ઉદ્યોગે રૂ. 59,978 કરોડની કિંમતની વસ્તુઓની નિકાસ કરી હતી. ભારતના કુલ ઉદ્યોગોની સંખ્યામાં આશરે 95 %, કુલ ઉત્પાદનમાં 40 % અને નિકાસમાં 35 % ફાળાથી દેશના અર્થતંત્રમાં લઘુ ઉદ્યોગનું મહત્વ સમજી શકાશે.

1948ના ઉદ્યોગવિષયક ખરડામાં ગાંધીવાદી વિચારસરણીને અનુસરીને સ્થાનિક સાધનસામગ્રીના ઉપયોગ દ્વારા ખોરાક, કપડાં, ખેતીવાડી તેમજ ગૃહઉદ્યોગની જરૂરિયાતો પૂરી પાડનાર ગ્રામીણ અર્થતંત્રને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ગણનાપાત્ર મહત્વ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં ડિસેમ્બર 1947માં મળેલ ઔદ્યોગિક અધિવેશનની કુટિર અને લઘુ ઉદ્યોગ નિયામક કેન્દ્ર સ્થાપવાની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 1950માં જમીન, મકાન, યંત્રસામગ્રી વગેરે સ્થાયી અસ્કામતોમાં રૂ. 5 લાખ સુધીની મૂડીરોકાણ-મર્યાદા તેમજ વીજશક્તિના ઉપયોગ સાથે 50 કામદારો અને વીજશક્તિ વિના 100 કામદારોને રોજી આપતા એકમોને લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરંભમાં લઘુ ઉદ્યોગોની વ્યાખ્યા બીજા દેશોને અનુસરીને મૂડીરોકાણ ઉપરાંત રોજગારોની સંખ્યા તેમજ વીજવપરાશ પરથી નિયત કરવામાં આવી હતી. ક્રમશ: તેમાં પરિવર્તન કરીને યંત્રસામગ્રીમાં મૂડીરોકાણ તેમજ વસ્તીનો માનદંડ અપનાવવામાં આવ્યો હતો. છેલ્લી ઔદ્યોગિક નીતિ અનુસાર મૂડીરોકાણનો જ માનદંડ સ્વીકારવામાં આવ્યો હતો. તેનું લઘુ, સહાયક, ટચૂકડા, નિકાસલક્ષી ઉદ્યોગો તેમજ વ્યાવસાયિક સેવા અને મહિલા સાહસિક ઉદ્યોગો તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. દરેક વર્ગ માટે યંત્રસામગ્રીમાં અલગ મૂડીરોકાણ-મર્યાદા નિશ્ચિત કરવામાં આવી હતી.

1951માં પ્રથમ પંચવર્ષીય યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક કાચો માલ અને કુશળતાનો ઉપયોગ કરી રોજગારી પૂરી પાડનાર તેમજ શહેરોમાં વિવિધ કુશળતા ધરાવતા શિક્ષિતો અને તાલીમ પામેલ વ્યક્તિઓની ક્ષમતાનો વિકાસ કરવામાં સહાયરૂપ લઘુ ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ વર્ષના ઔદ્યોગિક (વિકાસ અને નિયમન) ખરડામાં પાયાના તેમજ વ્યૂહાત્મક ઉદ્યોગોને રાજ્યહસ્તક રાખીને બીજા ઉદ્યોગો સરકારના નિયમન અને અંકુશ હેઠળ ખાનગી ક્ષેત્રને ફાળવી સંતુલિત ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવામાં આવી હતી. સંગઠિત તેમજ લઘુ અને ગ્રામોદ્યોગના સહઅસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વિસ્થાપિતોને પુન: વસવાટ પૂરો પાડવા લઘુ ઉદ્યોગો અને સહકારી સંસ્થાઓ સ્થાપવા માટે પ્રોત્સાહનની નીતિ અપનાવવામાં આવી હતી.

1956માં બીજી પંચવર્ષીય યોજનાના ઔદ્યોગિક નીતિ-વિષયક ઠરાવમાં વિશાળ પાયા પર રોજગારી પૂરી પાડી સમાજવાદી સમાજરચના દ્વારા આવકની સમાન વહેંચણીની રાષ્ટ્રીય નીતિમાં સહાયરૂપ લઘુ ઉદ્યોગોને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યું હતું. તે માટે ગ્રામીણ કુશળતા તેમજ હુન્નર આધારિત લઘુ ઉદ્યોગોને આર્થિક ક્ષમતા બક્ષવા નાણાકીય સહાય, અંકુશોમાં છૂટછાટ વગેરે પ્રોત્સાહનો પૂરાં પાડી સ્પર્ધાત્મકતા બક્ષવાની નીતિ અપનાવવામાં આવી હતી. તે ઉપરાંત સંગઠિત ઉદ્યોગો સાથે તકનીકી સહયોગ તેમજ બીજી સહાય મેળવવા સંકલનની વિચારણા કરવામાં આવી હતી. પાયાના તેમજ વિશાળ ઉદ્યોગોની સ્થાપના દ્વારા રોજગારી પૂરી પાડી કામદારોની આવકમાં વૃદ્ધિ કરવાનું આયોજન કરાયું હતું. લઘુ ઉદ્યોગોને ગૃહવપરાશની વસ્તુઓનું ઉત્પાદન કરવા પ્રેરી જનતાની જરૂરિયાત પૂરી કરવા પર ભાર મૂક્યો હતો. યંત્રસામગ્રીનાં ઘટકો, ભાગો, ઉપસંયોજનો, ઓજારો, મધ્યવર્તી સાધનો વગેરેના ઉત્પાદનના નિમ્નતમ 50 % સંગઠિત ઉદ્યોગોને પૂરા પાડનાર અથવા સંગઠિત ઉદ્યોગોને પૂર્ણ સેવા પ્રદાન કરતા રૂ. 10 લાખ સુધીની મૂડીરોકાણ-મર્યાદાવાળા એકમોને સહાયક ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવી હતી. લઘુ તેમજ ગ્રામીણ ઉદ્યોગોને અદ્યતન તકનીકી અપનાવવા પ્રોત્સાહિત કરવા ગ્રામસમાજ-કારખાનાં, ઔદ્યોગિક વસાહતો, નાણાકીય સહાય, વેરામાં છૂટછાટ વગેરે ઉત્તેજનો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં રોજિંદા કામદારને સ્થાને પાળીદીઠ કામદારોનું ધોરણ અપનાવવામાં આવ્યું હતું. 1959માં જમીન, મકાન, યંત્રસામગ્રી વગેરે અસ્કામતોને સ્થાને ફક્ત જૂની તેમજ નવી યંત્રસામગ્રીની ખરીદ-કિંમતનો માપદંડ અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. 1960માં કામદારોના માનદંડને દૂર કરવામાં આવ્યો હતો. 1960માં ધિરાણ-જામીનગીરી યોજના હેઠળ લઘુ ઉદ્યોગના ધિરાણની ખોટ સામે નિયત કરેલી બૅંકો તેમજ બીજી નાણાકીય સંસ્થાઓને આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. તેણે લઘુ ઉદ્યોગોને ગણનાપાત્ર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જેની માર્ચ 1990માં જામીનગીરીઓ સામે રૂ. 27,700 કરોડના ધિરાણથી પ્રતીતિ થઈ શકશે.

ત્રીજી પંચવર્ષીય યોજનામાં કર્વે કમિટીની ભલામણોને અનુસરીને લઘુ ઉદ્યોગોના કારીગરોને શિક્ષણ, તકનીકી તાલીમ આપી આધુનિક સાધનો તથા કાચા માલનો પુરવઠો પૂરો પાડી ઉત્પાદનમાં વૃદ્ધિ કરી ખર્ચમાં ઘટાડો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્યોગોને સ્વનિર્ભર બનાવવા વેચાણમાં વળતર, નાણાકીય સહાય તેમજ આરક્ષિત બજાર પર આધાર રાખવાની નીતિમાં ક્રમશ: ઘટાડો કરવાનું સૂચન કર્યું હતું. કારીગરો તેમજ હસ્તકલાનો હુન્નર ધરાવતા કસબીઓની સહકારી મંડળીઓ રચવાનું સૂચન કર્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોના સ્થળાંતર પર ભાર મૂક્યો હતો. 1966માં લઘુ ઉદ્યોગમાં યંત્રસામગ્રીની મૂળ કિંમતની મર્યાદા રૂ. 7.5 લાખ નક્કી કરવામાં આવી હતી. 1967માં પ્રથમ વાર ફક્ત લઘુ ઉદ્યોગના ઉત્પાદન માટેની 47 વસ્તુઓની અનામત સૂચિ તૈયાર કરવામાં આવી હતી; જેથી આ ઉદ્યોગ યોગ્ય તકનીકી અપનાવી પૂરતા જથ્થામાં ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરી શકે. આ નીતિને સમર્થન આપવા વિશાળ કે મધ્યમ કક્ષાના સંગઠિત ઉદ્યોગોને તેમનું છેલ્લાં ત્રણ ઉત્પાદન-વર્ષોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવ્યું હોય તેટલું જ મહત્તમ ઉત્પાદન કરવાની મર્યાદા બાંધવામાં આવી હતી. વળી સંગઠિત ઉદ્યોગ પર તે વસ્તુઓ માટે નવીન ઉત્પાદનશક્તિ સ્થાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો; સિવાય કે તેના 75 % ઉત્પાદનની નિર્યાત કરવામાં આવે.

ચોથી પંચવર્ષીય યોજનામાં લઘુ ઉદ્યોગોને તકનીકી ક્ષમતામાં વૃદ્ધિ કરી ઊંચી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરી આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ વિસ્તરણ કરી ખેતી-આધારિત ઉદ્યોગો સ્થાપવાને મહત્વ આપવામાં આવ્યું હતું. તેને સ્પર્ધાત્મકતા બક્ષવા બિનઅસરકારક નીવડેલ પરવાના પદ્ધતિમાં પરિવર્તનો સૂચવ્યાં હતાં. તેને માટે ઉદાર ધિરાણ-સવલતો, વધુ તકનીકી સહાય, કાચા માલની સુલભતા, આધુનિક યંત્રસામગ્રી, જકાતવેરામાં છૂટછાટનાં સૂચનો કર્યાં હતાં. જૂની આરક્ષણ-નીતિ ચાલુ રાખવામાં આવી હતી. શક્ય હોય ત્યાં સંગઠિત તેમજ લઘુ ઉદ્યોગોને અન્યોન્યના પૂરક તરીકે નજદીકમાં સ્થાપી સહાયક ઉદ્યોગો વિકસાવવાની નીતિ અપનાવી હતી. 1975માં લઘુ ઉદ્યોગની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 10 લાખ અને સહાયક ઉદ્યોગની રૂ. 15 લાખ નિયત કરવામાં આવી હતી.

પાંચમી પંચવર્ષીય યોજનામાં અગાઉની નીતિ ચાલુ રાખી નવી પરવાના-પદ્ધતિ લઘુ ઉદ્યોગોને પ્રતિકૂળ અસર ન કરે તે માટે બારીકાઈથી તપાસવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અનામત સૂચિનું સમયાંતરે મૂલ્યાંકન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 1977માં જનતા સરકારે ગાંધીવાદી વિચારસરણીને મહત્વ આપી લઘુ તેમજ ગ્રામોદ્યોગોને નાનાં નગરો તેમજ ગ્રામીણ વિસ્તારમાં સ્થાપવા પ્રોત્સાહનની નીતિ અપનાવી હતી. ડિસેમ્બર 1977માં પ્રથમ વાર ટચૂકડા (tiny) એકમોને લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપી રૂ. 1 લાખ સુધીની મૂડીરોકાણ-મર્યાદા સાથે 1971ની વસ્તી-ગણતરી અનુસાર 50,000 સુધીની વસ્તી ધરાવતા નગર અથવા ગ્રામવિસ્તારમાં સ્થાપવાની મંજૂરી અપાઈ હતી. જુલાઈ 1980માં તેની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 2 લાખ કરવામાં આવી હતી. લઘુ ઉદ્યોગને સઘળી સહાય એક જ સ્થળે ઉપલબ્ધ થઈ શકે તે માટે દરેક જિલ્લામાં જિલ્લા ઔદ્યોગિક કેન્દ્રો (District Industries Centres) સ્થાપવાની યોજના તૈયાર કરી હતી. તેનું કાર્ય ઉદ્યોગ-સાહસિકોને એક જ સ્થળે જમીન, મકાન, કારખાનું, યંત્રસામગ્રી, ધિરાણ, ગુણવત્તાની કસોટી તેમજ અંકુશ, કાચા માલનો પુરવઠો વગેરે સાધનસગવડો પૂરી પાડવાનું હતું. વિવિધ કેન્દ્રો વચ્ચે ગાઢ સંકલન તેમજ સમન્વયને પ્રાથમિકતા આપવામાં આવી હતી. લઘુ તેમજ ગ્રામોદ્યોગને ધિરાણ-સવલતો પૂરી પાડવા માટે આઇ.ડી.બી.આઇ.માં એક ખાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. તેનું કાર્ય ઉદ્યોગોને વિવિધ સંસ્થાઓ અને બૅંકો દ્વારા અપાતી ધિરાણ-સવલતોથી અવગત કરી યોગ્ય સલાહ, સંકલન તથા દેખરેખ રાખવાનું હતું. 1978માં લઘુ ઉદ્યોગો માટેની આરક્ષિત સૂચિમાં કુલ 807 વસ્તુઓ આવરી લેવામાં આવી હતી.

છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ-સાહસિકોને શિક્ષણ અને તાલીમ આપી એકમોને અર્થક્ષમ બનાવી વિવિધ સહાયો પરના અવલંબનમાં ઘટાડો કરી નિર્યાતમાં વૃદ્ધિ કરવાનો આશય હતો. ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ કરી શકે તેવા ઉદ્યોગોને અગ્રતા આપવાની નીતિ જાહેર કરવામાં આવી હતી. ઔદ્યોગિક રીતે પછાત જિલ્લાઓમાં એક મધ્યવર્તી ઉદ્યોગ શરૂ કરી તેની આસપાસ લઘુ તેમજ કુટીર-સહાયક ઉદ્યોગોની શૃંખલા રચવાનું આયોજન કર્યું હતું. પારંપરિક ઉદ્યોગોનાં ઝૂમખાં સ્થાપી તકનીકી આધુનિકીકરણ દ્વારા કાર્યક્ષમતા વધારી તેના આસપાસના વિસ્તારમાં પ્રચાર કરી ગણનાપાત્ર જથ્થામાં ઉત્પાદનવૃદ્ધિ કરવાનું નક્કી કરાયું હતું. નાણાંની અછત અનુભવતા ટચૂકડા તેમજ ગ્રામીણ ઉદ્યોગોને બકો તેમજ જાહેરક્ષેત્રના ઉદ્યોગો તરફથી નીચા વ્યાજે ધિરાણ પૂરાં પાડી વેચાણ તેમજ નિર્યાત માટે સહાય અને માર્ગદર્શન પૂરાં પાડવાની તૈયારી બતાવી હતી. લઘુ ઉદ્યોગ-ઉત્પાદિત વસ્તુઓની ખરીદીમાં પ્રાથમિકતા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ઉચ્ચ તકનીકીયુક્ત યોજનાઓને 30 દિવસમાં મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. વળી ઉદ્યોગ-સાહસિકોને અદ્યતન તકનીકી સીધી જ આયાત કરવાની મંજૂરી આપી કુલ સ્થાનિક વેચાણના 5 % અને કુલ નિર્યાતના 8 % સુધી સ્વામિત્વ-ધન (royalty) પ્રદાન કરવાની છૂટ અપાઈ હતી. લઘુ ઉદ્યોગ માટે અસરકારક નીતિ ઘડવા માટે આવશ્યક વિશ્વસનીય આંકડાકીય માહિતીને અગ્રતા આપવાનું ઠરાવાયું હતું. 1980માં લઘુ ઉદ્યોગની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 20 લાખ, સહાયક ઉદ્યોગની રૂ. 25 લાખ અને ટચૂકડા ઉદ્યોગની રૂ. 2 લાખ નિયત કરવામાં આવી હતી. નિર્યાતલક્ષી એકમોને મૂડીરોકાણમાં વૃદ્ધિને મંજૂરી આપી વાર્ષિક ઉત્પાદનના ત્રીજા વર્ષમાં 30 % નિર્યાત કરતા અને રૂ. 7.5 લાખ મૂડીરોકાણ ધરાવતા એકમોને લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા હતા.

સાતમી પંચવર્ષીય યોજનામાં (1985) લઘુ ઉદ્યોગની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 35 લાખ, સહાયક ઉદ્યોગની રૂ. 45 લાખ અને નિર્યાતલક્ષી એકમોની રૂ. 75 લાખ નક્કી કરવામાં આવી હતી. પ્રથમ વાર વિવિધ ઉદ્યોગોને સેવા પૂરી પાડનાર રૂ. 2 લાખ સુધીનું મૂડીરોકાણ ધરાવતા એકમોને 1981ની વસ્તીગણતરી અનુસાર 5 લાખ સુધીની વસ્તી ધરાવતા નગર અથવા ગ્રામવિસ્તારમાં સ્થાપવાની મંજૂરી સાથે લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવી હતી. 1988માં જે ઉદ્યોગમાં મહિલા સાહસિકનું મૂડી-રોકાણ 51 %થી વધુ હોય અને 50 % રોજગાર મહિલા હોય તેને મહિલા સાહસિક ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેની મૂડીરોકાણ-મર્યાદા લઘુ કે સહાયક ઉદ્યોગને સમાંતર ગણવામાં આવી હતી. તેમને તાલીમ પ્રદાન કરી જિલ્લા વિકાસ કેન્દ્રોમાં ખાસ વિભાગ ઊભો કરી નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉદાર ધિરાણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. અમલદારશાહીના અંકુશો સીમિત રાખી, ઇન્સ્પેક્ટરોની દખલઅંદાજી દૂર કરી કાર્યવહી (ખાસ કરીને મજૂર કાયદાઓ) સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો.

1991માં લઘુ ઉદ્યોગોને ગતિશીલ તેમજ પ્રાદેશિક ક્ષેત્ર ગણીને રોજગારી, ઉત્પાદન તથા નિર્યાતમાં વૃદ્ધિ દ્વારા રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના વિકાસનું આયોજન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગોને રાજ્ય સરકારો દ્વારા અપાતી સહાય, વળતર અને વેરામાં છૂટછાટ તથા આંતરમાળખાકીય સવલતો ચાલુ રાખવાની નીતિ અપનાવાઈ હતી. લઘુ ઉદ્યોગોમાં આધુનિકીકરણ માટે મૂડી આકર્ષવા બીજા ઉદ્યોગોને  તેમના શૅરોમાં 24 % સુધી મૂડીરોકાણ તથા ભાગીદારીમાં એક ભાગીદારની સંપૂર્ણ જવાબદારી સાથે મંજૂરી આપવામાં આવી હતી. લઘુ ઉદ્યોગની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 60 લાખ તેમજ સહાયક ઉદ્યોગની રૂ. 75 લાખ સુધી વધારવામાં આવી હતી. નિકાસલક્ષી એકમોનું મહત્વ સ્વીકારી રૂ. 75 લાખ સુધીના મૂડીરોકાણની મર્યાદામાં તેમને લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેવી જ રીતે સેવા-ઉદ્યોગની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 5 લાખ કરવામાં આવી હતી અને સ્થળની શરત નાબૂદ કરવામાં આવી હતી. સરકારી ખરીદમાં લઘુ ઉદ્યોગને 15 % ભાવવધારા સુધી પ્રાથમિકતા તેમજ પસંદગીના મજૂર-કાયદાઓમાં રાહત આપવામાં આવી હતી.

આઠમી પંચવર્ષીય યોજનામાં અગાઉની નીતિઓ ચાલુ રાખવામાં આવી હતી. ડિસેમ્બર 1995માં લઘુ ઉદ્યોગોના ગતિશીલ વિકાસ માટે શ્રી આબિદહુસેનના વડપણ નીચે એક અભ્યાસસમિતિની રચના કરવામાં આવી હતી. આ યોજના દરમિયાન લઘુ તેમજ કુટિર-ઉદ્યોગો માટે ફાળવાયેલ રૂ. 6,334 કરોડને બદલે રૂ. 7,904 કરોડનું રોકાણ થયું હતું. ઉદ્યોગનું કુલ વાર્ષિક ઉત્પાદન રૂ. 4,18,863 કરોડ અંદાજવામાં આવ્યું હતું. તે જ વર્ષમાં રૂ. 52,230 કરોડની કિંમતની વસ્તુઓની નિકાસ થઈ હતી. યંત્રશાળાઓએ આશરે 1,730 કરોડ ચોરસમીટર કાપડનું ઉત્પાદન કર્યું હતું.

નવમી પંચવર્ષીય યોજનામાં શ્રી આબિદહુસેન કમિટીનાં સૂચનોને અનુસરીને લઘુ ઉદ્યોગની મૂડીરોકાણ-મર્યાદા રૂ. 3 કરોડ (પાછળથી રૂ. 1 કરોડ), સહાયક ઉદ્યોગની રૂ. 3 કરોડ અને ટચૂકડા ઉદ્યોગની રૂ. 25 લાખ નિયત કરવામાં આવી હતી; જ્યારે સેવા-એકમોને સ્થાને વ્યાવસાયિક સેવા-એકમોને રૂ. 5 લાખના મૂડીરોકાણ સાથે માન્યતા આપવામાં આવી હતી. લઘુ ઉદ્યોગ માટે આરક્ષિત કરાયેલ 837 વસ્તુઓની સૂચિમાંથી પહેલાં 15 અને પાછળથી 9 બાદ કરતાં 813 વસ્તુઓ અનામત રાખવામાં આવી હતી; પરંતુ તેમાં 200 જેટલી વસ્તુઓનું ઉત્પાદન જ થયું ન હતું. જ્યારે 68 વસ્તુઓનો લઘુ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં 80 % ફાળો હતો. લઘુ ઉદ્યોગ કરતાં બીજી વસ્તુઓની ઉત્પાદનવૃદ્ધિનો દર ઊંચો રહ્યો હતો. આ યોજનામાં લઘુ ઉદ્યોગોના વિકાસને અડચણરૂપ સમસ્યાઓને હલ કરવાના ઉપક્રમને મહત્વ અપાયું હતું. તેમાં અપૂરતી ધિરાણ-વ્યવસ્થા, જૂની-પુરાણી યંત્રસામગ્રી અને તકનીકી, નીચી ગુણવત્તા તેમજ અસંતોષજનક આંતરમાળખાકીય સવલતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વધુ ધિરાણ-સવલતો માટે બૅંકોની ખાસ શાખાઓ શરૂ કરવામાં આવી હતી. લઘુ ઉદ્યોગોના ધિરાણને અગ્રિમ ક્ષેત્રનું ધિરાણ ગણવામાં આવ્યું હતું. તકનીકી વિકાસ તેમજ આધુનિકીકરણ ભંડોળની રૂ. 200 કરોડની મૂડીથી સ્થાપના કરવામાં આવી હતી. રાજ્ય સરકારો તેમજ ઉદ્યોગ સંસ્થાઓના નાણાકીય સહયોગથી તકનીકી ફેરબદલ કે અદ્યતન તકનીકીની પ્રાપ્તિ માટે ટ્રસ્ટ મંડળોની શરૂઆત કરવામાં આવી હતી.  લઘુ ઉદ્યોગનું આધુનિકીકરણ કરવા તેમજ નવી તકનીકી ઉપલબ્ધ કરવા માટે મધ્યમ અને વિશાળ સંગઠિત એકમોને તેમાં 24 ટકા સુધી મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉદ્યોગોના આધુનિકીકરણને પ્રોત્સાહન આપવા જર્મની, ઇટાલી તેમજ ડેન્માર્કની સહાયથી ઇન્દોર, અમદાવાદ, ભુવનેશ્વર, જમશેદપુર તેમજ ઔરંગાબાદમાં ઓજારકક્ષો શરૂ કરવામાં આવ્યા હતા. 2000–2001ના વર્ષમાં લઘુ ઉદ્યોગોની કુલ રૂ. 1,04,200 કરોડની નિર્યાતમાં આધુનિકીકરણ કરેલા એકમોનો ફાળો 83 ટકા હતો; જે આધુનિકીકરણની પ્રક્રિયાનું સમર્થન કરે છે.

ડિસેમ્બર 1997માં મહિલા વિકાસ સંસ્થા દ્વારા ઉત્પન્ન થતી 358 વસ્તુઓને સરકારી ખરીદમાં 15 ટકા ભાવવધારા સુધી પ્રાથમિકતા આપવામાં આવી હતી. 1998માં લઘુ ઉદ્યોગની ઉત્પાદનની જકાતમાફીની મર્યાદા રૂ. 30 લાખથી વધારી રૂ. 50 લાખ અને 2000ના વર્ષમાં રૂ. 1 કરોડ કરવામાં આવી હતી. રૂ. 10 લાખ સુધીના મૂડીરોકાણવાળા વ્યાવસાયિક સેવા-એકમોને ધિરાણમાં અગ્રતા આપવાનું ઠરાવ્યું હતું. ISO 9000નું પ્રમાણપત્ર મેળવનાર લઘુ ઉદ્યોગોને રૂ. 75,000 સુધીની નાણાકીય સહાય આપવાનું નિયત કરાયું હતું. ઉત્પાદનની ગુણવત્તા જાળવવા પરીક્ષણ પ્રયોગશાળામાં મૂડીરોકાણ માટે 50 ટકા સહાયની નીતિ અપનાવાઈ હતી. વડાપ્રધાનની દીનદયાળ હાથસાળ પ્રોત્સાહન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહયોગથી રૂ. 447 કરોડનું ભંડોળ એકઠું કરાયું હતું. લઘુ ઉદ્યોગો માટે લાંબા ગાળાની નીતિ ઘડવા માટે સઘળા લઘુ ઉદ્યોગોનું સર્વેક્ષણ કરી માંદા તેમજ નબળા એકમોનો વિશિષ્ટ અભ્યાસ કરવાનાં સૂચનો કરાયાં હતાં. છેલ્લો અભ્યાસ 1988માં કરવામાં આવ્યો હતો. પસંદગીનાં ક્ષેત્રોમાં તકનીકી અદ્યતનીકરણ માટે કરેલા મૂડીરોકાણમાં 12 ટકાની નાણાકીય સહાય આપવાની યોજના બનાવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગોના આધુનિકીકરણને પ્રોત્સાહન આપવા કુલ ઉત્પાદનના 20 ટકા સુધી કાર્યકારી મૂડીનું ધિરાણ આપવાનાં સૂચનો થયાં હતાં. પંચવર્ષીય યોજનાઓમાં કેન્દ્ર સરકારે લઘુ ઉદ્યોગોની વિવિધ યોજનાઓ માટે ફાળવેલ રકમની માહિતી નીચે સારણી 1માં આપી છે :

સારણી 1 : પંચવર્ષીય યોજનાઓ લઘુ ઉદ્યોગો માટેનો ફાળો

યોજના લઘુ ઉદ્યોગ માટે ફાળવાયેલ રકમ (રૂ. કરોડમાં) કુલ યોજનામાં હિસ્સો (ટકાવારીમાં)
પહેલી યોજના (1951–1956)     48   2.1
બીજી યોજના (1956–1961)    187   4.0
ત્રીજી યોજના (1961–1965)    248   2.8
એકવર્ષીય યોજનાઓ (1966–1968)    126   1.9
ચોથી યોજના (1969–1974)    242   1.5
પાંચમી યોજના (1975–1980)    610   2.0
છઠ્ઠી યોજના (1980–1985) 1,780   1.2
સાતમી યોજના (1985–1990) 2,753   1.5
આઠમી યોજના (1992–1997) 6,334   1.3
નવમી યોજના (1997–2002) 29,482  N.A.

પ્રાપ્ય : વિવિધ પંચવર્ષીય યોજનાના ગ્રંથો.

લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં સરકાર દ્વારા સમયાંતરે ઔદ્યોગિક નીતિ અનુસાર પરિવર્તનો કરવામાં આવે છે. આ ઉદ્યોગની વિવિધ વર્ગો માટે નિયત કરેલ વ્યાખ્યાઓ નીચે પ્રસ્તુત કરી છે.

(1) લઘુ ઉદ્યોગો : ભારત સરકારના વિજ્ઞપ્તિ નં. 875 (E) તા. 10 ડિસેમ્બર, 1997 અનુસાર જે એકમની સ્વમાલિકીની, ભાડેથી અથવા ખરીદ-વેચાણથી મેળવેલ યંત્ર-સામગ્રીમાં કુલ રોકાણ રૂ. 3 કરોડ(પાછળથી રૂ. 1 કરોડ)ની મર્યાદા સુધીનું હોય તેને લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવે છે.

(2) સહાયક ઉદ્યોગો : જે ઔદ્યોગિક એકમ યંત્રસામગ્રીના વિવિધ ભાગો, ઘટકો, ઉપસમૂહો, ઓજારો, મધ્યવર્તી સાધનો અથવા બીજી વસ્તુઓ કે સેવાનું નિમ્નતમ 50 ટકા ઉત્પાદન એક કે વધુ ઉદ્યોગોને પૂરું પાડે છે તેને સહાયક ઉદ્યોગ તરીકે માન્ય કરવામાં આવે છે. તેનું યંત્રસામગ્રીમાં મૂડીરોકાણ રૂ. 3 કરોડની મર્યાદામાં હોવું આવશ્યક છે.

(3) ટચૂકડા ઉદ્યોગો : જે એકમમાં કુલ મૂડીરોકાણ રૂ. 25 લાખની મર્યાદામાં હોય તેને ટચૂકડા ઉદ્યોગ તરીકે ગણવામાં આવે છે.

(4) વ્યાવસાયિક સેવા-ઉદ્યોગ : ઉદ્યોગ સંબંધિત વ્યવસાય કે સેવા પૂરી પાડતા રૂ. 5 લાખની મર્યાદામાં મૂડીરોકાણ ધરાવતા એકમોને વ્યાવસાયિક સેવા-ઉદ્યોગ તરીકે માન્ય કરાય છે.

(5) નિર્યાતલક્ષી એકમો : જે ઉદ્યોગ ઉત્પાદનનો આરંભ કર્યાના ત્રણ વર્ષને અંતે કુલ ઉત્પાદનનો 30 ટકા હિસ્સો નિર્યાત કરે છે તેને રૂ. 3 કરોડ સુધીની મૂડીરોકાણ-મર્યાદામાં નિર્યાતલક્ષી એકમ ગણવામાં આવે છે.

(6) મહિલા સાહસિક ઉદ્યોગો : ઉત્પાદન, સેવા, વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા સાહસિકોની સ્વમાલિકી, ભાગીદારી, સહકારી સંસ્થા કે લિમિટેડ કંપની, જેમાં મહિલાઓનું મૂડીરોકાણ 51 ટકાથી ઓછું ન હોય તેવા એકમને મહિલા સાહસિક ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવે છે.

લઘુ ઉદ્યોગની વ્યાખ્યાનું મધ્યબિંદુ તેની માલિકી છે. તે બીજા ઉદ્યોગના અંકુશ હેઠળ કે ગૌણ એકમ તરીકે કાર્ય કરી શકે નહિ. તે સૂચવે છે કે એક જ માલિક કે ભાગીદારોએ સ્થાપેલ સઘળા એકમોમાં યંત્રસામગ્રીમાં કુલ મૂડીરોકાણ લઘુ ઉદ્યોગ માટે નિયત કરેલ મર્યાદાથી વધુ હોવું જોઈએ નહિ. તેવી જ રીતે લઘુ ઉદ્યોગની લિમિટેડ કંપનીનાં શૅરમૂડીરોકાણમાં અન્યનો ફાળો 24 ટકાથી વધુ ન હોય તે આવશ્યક છે. આ સઘળી પરિસીમાનો હેતુ મધ્યમ કે વિશાળ સંગઠિત ઉદ્યોગોને સીધી કે પરોક્ષ રીતે લઘુ ઉદ્યોગની સ્થાપના કરવા કે તેના પરના સંચાલન કે અંકુશથી દૂર રાખવાનો હોય છે. વિવિધ લઘુ ઉદ્યોગો માટે સમયાંતરે નિયત કરેલા માનદંડો અને પરિવર્તનોની માહિતી નીચેની સારણી 2માં આપી છે :

સારણી 2 : વિવિધ લઘુ ઉદ્યોગોની વ્યાખ્યા અને માનદંડો

વર્ષ લઘુ ઉદ્યોગ સહાયક ઉદ્યોગ ટચૂકડો ઉદ્યોગ નિર્યાત- લક્ષી સેવા-એકમ વ્યાવસાયિક- સેવા-એકમ નોંધ (રૂ. લાખમાં)
1    2   3   4   5    6       7
1950 યંત્રસામગ્રીમાં વીજશક્તિ સાથે 50 અને
મૂડીરોકાણ વીજશક્તિ વગર
રૂ. 5 100 દૈનિક કામદારો
1956    “ પાળીદીઠ કામદારો
1959 જૂની કે નવી       “
યંત્રસામગ્રીની
મૂળ કિંમત
રૂ. 5
1960    “ રૂ. 10 કામદારોનો નિયમ
પાછો ખેંચાયો
1966 રૂ. 7.5 રૂ. 10
1975 રૂ. 10 રૂ. 15
1977     “   “ રૂ. 1 1971ની વસ્તી-
ગણતરી અનુસાર
50,000 સુધીની
વસ્તીના વિસ્તારમાં
1980 રૂ. 20 રૂ. 25 રૂ. 2       “
1985 રૂ. 35 રૂ. 45   “ રૂ. 2+ + 1981ની વસ્તી
(સેવા-એકમ) ગણતરી અનુસાર
5 લાખથી ઓછી
વસ્તીવાળા વિસ્તારમાં
1991 રૂ. 60 રૂ. 75 રૂ. 5o રૂ. 75 રૂ. 5 લાખo o સ્થળની શરત
(વ્યાવસાયિક   નાબૂદ કરાઈ
સેવા-એકમ)
1997 રૂ. 300 રૂ. 300 રૂ. 25   “    “ o સેવા એકમોનું સ્થાન વ્યાવસાયિક
(પાછળથી સેવા એકમે લીધું
રૂ. 100)

પ્રાપ્ય : સીડબી રિપૉર્ટ 1999 – ઉદ્યોગખાતું, ભારત સરકાર

લઘુ ઉદ્યોગ સાહસિક સાચા અર્થમાં સમગ્ર દૃષ્ટિએ જોતાં નાનો માણસ હોય છે. પોતાની મહત્વાકાંક્ષાનો ઉદ્યોગ સ્થાપવા તે યોજનાનું સંક્ષિપ્ત રેખાચિત્ર તૈયાર કરે છે. અપૂરતી મૂડીનો ગાળો પૂરો કરવા કુટુંબ, સગાંવહાલાં, મિત્રો વગેરે પાસેથી ધિરાણ મેળવે છે. તેઓ ક્વચિત્ તેના જામીન પણ થાય છે. પરંતુ આ નૈતિક અને નાણાકીય ટેકા માટે કરાર કે કાયદાકીય વિધિ સામાન્ય રીતે અનુસરવામાં આવતી નથી. પરંતુ પરસ્પરનો વિશ્વાસ, શુભેચ્છા કે કોઈક વાર ભાગીદારીનો લાભ હોય છે. તેને કારણે જ ઉદ્યોગ-સાહસિકની યોજના અને તેની પરિપૂર્તિ વચ્ચે ન્યૂનતમ સમયગાળો હોય છે. જ્યારે ધિરાણસંસ્થા પાસેથી સહાય મેળવતાં ઘણો લાંબો સમય વ્યતીત થાય છે અને કોઈક વાર ધંધાની તક પણ સરી જાય છે. લઘુ ઉદ્યોગનું સામર્થ્ય શક્ય તેટલા ટૂંકા સમયમાં કોઠાસૂઝ દ્વારા તકનો લાભ લેવાની ગતિશીલતામાં છે. અમુક સંજોગોમાં વિશાળ કે મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આર્થિક રીતે ન પરવડતી વસ્તુઓ જ તે પસંદ કરે છે અને તે જ વિશાળ તેમજ લઘુ ઉદ્યોગ વચ્ચેનો તફાવત છે. વળી અપૂરતાં નાણાંને લીધે તે કાયદાકીય અને નાણાકીય તથા સંચાલન તેમજ પરામર્શન નિષ્ણાતોના માર્ગદર્શનનો લાભ પણ લેવા અશક્ત હોય છે. તેથી તે યોગ્ય માર્ગદર્શન મેળવવામાં અધૂરપ અનુભવે છે.

સારણી 3 : લઘુ ઉદ્યોગ–કામદારની સંખ્યા મુજબ વર્ગીકરણ (ટકાવારીમાં)

કામદારની સંખ્યા એકમો રોજગારી મૂડીરોકાણ ઉત્પાદન
1 –4 64.5 22.4 21.5 11.7
5 –9 23.3 24.0 27.7 23.1
10 –19 7.4 15.5 19.4 19.7
20 –49 3.6 16.9 19.3 23.4
50 –99 0.8 8.5 7.4 11.7
100થી વધુ 0.4 12.7 4.7 10.4
કુલ 100.0 100.0 100.0 100.0

પ્રાપ્ય : બીજી અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ મોજણી

1987–88માં લઘુ ઉદ્યોગ વિભાગ દ્વારા કરાયેલ મોજણી અનુસાર 83.6 ટકા લઘુ એકમોનું મૂડીરોકાણ રૂ. 2 લાખ સુધીનું જ હતું. જ્યારે રૂ. 2થી 5 લાખ વચ્ચે 10.2 ટકા લઘુ એકમો અસ્તિત્વમાં હતા. આ બંનેનો સરવાળો દર્શાવે છે કે ભારતમાં 93.8 ટકા લઘુ એકમોનું મૂડીરોકાણ રૂ. 5 લાખથી ઓછું હતું. તેવી જ રીતે 64.5 ટકા ઉદ્યોગોએ મહત્તમ 4 કામદારોને અને 23.3 ટકા એકમોએ 5થી 9 કામદારોને રોજગારી પૂરી પાડી હતી. ટૂંકમાં 87.8 ટકા લઘુ એકમોએ 10થી ઓછા કામદારોને રોજી પૂરી પાડી હતી તેઓે કારખાનાને લગતાં કાયદાનાં નિયમનોથી દૂર રહેવા પ્રયત્નશીલ હતા. આ માહિતી સારણી 3 અને સારણી 4માં દર્શાવી છે.

સારણી 4 : લઘુ ઉદ્યોગ–મૂડીરોકાણ પ્રમાણે વર્ગીકરણ (ટકાવારીમાં)

મૂડીરોકાણ (લાખ રૂ.માં) એકમો રોજગારી સ્થાયી મૂડીરોકાણ ઉત્પાદન
0–2 83.6   52.3    27.9 28.7
2–5 10.2   19.0    19.5 20.6
5–10 3.6   11.5    15.4 15.6
10–20 1.6    8.1    14.0 14.1
20થી વધુ 1.0    9.1    23.2 21.0
કુલ 100.0 100.0  100.0 100.0

બીજી અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ મોજણી

લઘુ ઉદ્યોગોને સહાય તેમજ માર્ગદર્શન માટે સરકારે સ્થાપેલ વિવિધ સંસ્થાઓની માહિતી સંક્ષેપમાં નીચે આપી છે.

1954માં કેન્દ્ર સરકારની ફૉર્ડ ફાઉન્ડેશન ટીમે કરેલી ફક્ત લઘુ ઉદ્યોગોને સહાય અને માર્ગદર્શન પૂરાં પાડવાની વ્યવસ્થા ગોઠવવાની ભલામણ અનુસાર વિકાસ કમિશનરનું કાર્યાલય જે લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા (Small Industries Development Organization) તરીકે જાણીતું છે તેની સ્થાપના કરવામાં આવી હતી. 1991 પછી તે લઘુ ઉદ્યોગ, કૃષિ અને ગ્રામોદ્યોગ વિભાગ નીચે કાર્ય કરે છે. તેનું કાર્ય 28 લઘુ ઉદ્યોગ સેવા કેન્દ્રો (SISI) તેની 31 શાખાઓ અને બીજાં કેન્દ્રો દ્વારા થાય છે. તેમાં 4 વિભાગીય પરીક્ષણ-કેન્દ્રો, 8 ક્ષેત્રીય પરીક્ષણ-કેન્દ્રો, 19 ઓજાર-કક્ષો, 2 કેન્દ્રીય પગરખાં તાલીમસંસ્થાનો, 1 ઉત્પાદનકેન્દ્ર, 6 ઉત્પાદન તથા પ્રક્રમણકેન્દ્રો અને 3 તાલીમસંસ્થાઓ છે. તેનું કાર્યક્ષેત્ર લઘુ ઉદ્યોગના વિકાસ માટે આયોજન-કમિશન, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અને બીજી નાણાકીય સંસ્થાઓ સાથે તથા રાજ્યસરકારો સાથે સંકલન સાધી તેના અમલ માટે સહકાર મેળવવાનું છે. તેની યોજનાઓને અમલમાં મૂકવાનું કાર્ય લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા (SIDO) સંભાળે છે. આ સંસ્થા જેવી કે રાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકો અને લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા (NIESBUS) અને રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ વિસ્તાર અને તાલીમ સંસ્થાન (NISIET) અને વિવિધ શિક્ષણસંસ્થાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને શિક્ષણ આપવાનું આયોજન કરે છે. તે લઘુ ઉદ્યોગોને તકનીકી આધુનિકીકરણ, નાણાકીય સંચાલન વગેરે માટે લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાનો દ્વારા શિક્ષણ અને તાલીમ પૂરાં પાડે છે. તેણે આશાસ્પદ ઉદ્યોગસાહસિકોને યોગ્ય શિક્ષણ, તાલીમ અને પ્રેરણા પૂરાં પાડવા માટે ઉદ્યોગસાહસિક વિકાસ સંસ્થાનો સ્થાપ્યાં છે. લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થાએ આવી 14 સંસ્થાઓને સહાય આપી છે. વળી તે વિવિધ વસ્તુઓના ઉત્પાદનની પરિયોજનાઓની રૂપરેખા ઉદ્યોગ-સાહસિકો માટે તૈયાર કરી તેમને માર્ગદર્શન પૂરું પાડે છે. અત્યાર સુધીમાં આશરે 1,000 રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત ઉદ્યોગોના આધુનિકીકરણ માટે અને વસ્તુની ગુણવત્તાના પરીક્ષણ માટે તે આર્થિક સહાય અને માર્ગદર્શન પૂરાં પાડે છે. તેનું કાર્ય લઘુ ઉદ્યોગો તથા સંગઠિત ઉદ્યોગો વચ્ચે સંકલન સાધી તેમની ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ અને વેચાણમાં સહાય પૂરાં પાડવાનું છે. તેણે ઓજારો બનાવવા તથા કારીગરોને તાલીમ આપવા અને ઉદ્યોગોના તકનીકી આધુનિકીકરણ તથા પરીક્ષણ માટે જર્મની, ડેન્માર્ક, ઇટાલી અને આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થાની સહાયથી હૈદરાબાદ, લુધિયાણા, કોલકાતા, જલંધર, નાગપુર, ઔરંગાબાદ, ઇન્દોર, અમદાવાદ, ભુવનેશ્વર અને જમશેદપુરમાં ઓજારકક્ષો સ્થાપ્યાં છે. આ વિકાસ સંસ્થા લઘુ ઉદ્યોગોનાં ઉત્પાદન, રોજગારી, વેચાણ વગેરેની માહિતી સમયાંતરે સર્વેક્ષણ દ્વારા એકત્ર કરી લઘુ ઉદ્યોગ વિકાસ આયોજનમાં સહાયરૂપ બને છે. વડાપ્રધાન રોજગાર યોજના હેઠળ શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી માટે ઉદ્યોગ કે સેવા એકમો સ્થાપવામાં સહાય અને માર્ગદર્શન પૂરાં પાડે છે. તેનું ધ્યેય 10 લાખ બેરોજગારોને 7 લાખ ટચૂકડા એકમો દ્વારા સ્વરોજગારી પૂરી પાડવાનું છે. લઘુ ઉદ્યોગને સહાય કરતી વિવિધ શાખાઓની માહિતી નીચે સંક્ષેપમાં વર્ણવી છે.

(1) લઘુ ઉદ્યોગ સેવાકેન્દ્રો (SISI) : લઘુ ઉદ્યોગ નિયામક કેન્દ્ર નીચે કાર્યશીલ 28 સેવાકેન્દ્રો અને 31 શાળાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન, તકનીકી સેવા તથા પરામર્શન, ઉદ્યોગસાહસિક વિકાસ યોજનાઓ, સહાયક ઉદ્યોગો તેમજ નિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડી લઘુ ઉદ્યોગોના વિકાસમાં સક્રિય ભાગ ભજવે છે.

(2) વસ્તુ તથા પ્રક્રમણ વિકાસ કેન્દ્રો (PPDC) : આ કેન્દ્રોનું કાર્ય ગાઢા ઉદ્યોગ-સમુદાયોને માટે સંશોધન તથા વિકાસ-કેન્દ્રો, વસ્તુની રૂપરેખા તથા નવીન વસ્તુનો વિકાસ, તકનીકી આધુનિકીકરણ તથા સહાય ઉદ્યોગોની વિશિષ્ટ સમસ્યાઓનો ઉકેલ, કારીગરોને તાલીમ અને શિક્ષણ વગેરેને માટે સહાય પૂરી પાડવાનો છે. તેણે ફીરોઝાબાદમાં કાચના ઉદ્યોગ માટે, કનોજમાં સુગંધિત તેલો, મેરઠમાં રમતગમતનાં સાધનો, ટાટાનગરમાં વીજાણુઓ, મુંબઈમાં વીજમાપ-સાધનો અને આગ્રામાં ઢાળણ તેમજ ઘડતરકાર્ય માટેનાં કેન્દ્રોની સ્થાપના કરી છે.

(3) ક્ષેત્રીય પરીક્ષણકેન્દ્રો (RTC) : ચેન્નઈ, નવી દિલ્હી, મુંબઈ અને કોલકાતા ખાતે અદ્યતન સાધનસામગ્રીથી સજ્જ કેન્દ્રો યાંત્રિક, રાસાયણિક, મૌસમિક તેમજ વીજકીય સાધનોનાં પરીક્ષણ તથા તકનીકી માર્ગદર્શન પૂરાં પાડે છે. તેનાં બીજાં 8 કેન્દ્રો (દહેરાદૂન, જયપુર, ભોપાળ, કોલ્હાપુર, હૈદરાબાદ, બૅંગાલુરુ, પુદુચેરી અને યેંગનચેરી) ભારતીય માનક સંસ્થાન અને પર્યાવરણ અંકુશ સંસ્થા દ્વારા નિયત થયેલ ધોરણોને માટે લઘુ ઉદ્યોગોને પરીક્ષણ-સેવા પૂરી પાડે છે.

(4) કેન્દ્રીય પગરખાં તાલીમ સંસ્થા (CFTI) : પહેલાં કેન્દ્રીય પગરખાં તાલીમકેન્દ્ર તરીકે ઓળખાતી ચર્મ તથા પગરખાં બનાવતા લઘુ ઉદ્યોગોને અદ્યતનીકરણમાં સહાય પૂરી પાડતી સંસ્થા ચેન્નાઈ અને આગ્રામાં રૂ. 9 કરોડની યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની સહાયથી સ્થાપવામાં આવી છે. તેનું કાર્ય પગરખાંને નવીન રૂપરેખા બક્ષવાનું અને ઉદ્યોગ કામદારોને તાલીમ આપવાનું છે.

(5) નૅશનલ લઘુ ઉદ્યોગ કૉર્પોરેશન લિ. (NSIC) : 1955માં કેન્દ્ર સરકારે સ્થાપેલ સંસ્થા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન, સહાય અને જરૂરી માવજત પૂરી પાડી તેના વિકાસ માટે પ્રયત્નશીલ છે. તે યંત્રોનું આધુનિકીકરણ, તકનીકીનું અદ્યતનીકરણ, ગુણવત્તા પ્રત્યે નિષ્ઠા, વિશાળ અને મધ્યમ સંગઠિત ઉદ્યોગો સાથે સંકલન અને નિર્યાતમાં વૃદ્ધિ દ્વારા તેના વિકાસનું આયોજન કરે છે. આ સંસ્થા ભાડેથી અથવા ખરીદવેચાણ પદ્ધતિથી લઘુ ઉદ્યોગોને સ્વદેશી તેમજ આયાત કરેલ યંત્રસામગ્રી મહિલા, અપંગો, નબળા વર્ગો, નવીન સાહસિકો અને નિવૃત્ત સૈનિકોને સરળ નાણાકીય શરતોથી પૂરી પાડે છે. તે વિવિધતા અને તકનીકી આધુનિકીકરણ માટે 100 ટકા ધિરાણ અને ભાડાની રકમની ટૅક્સમાં છૂટછાટ અપાવે છે. વળી આયાત કરેલ દુષ્પ્રાપ્ય કાચા માલનો પુરવઠો પૂરો પાડવામાં પ્રાથમિકતા આપે છે. આ સંસ્થા તેનાં નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બૅંગાલુરુ અને ગોવામાં આવેલ કેન્દ્રો મારફતે કાચા માલનો પુરવઠો, વટાવ, નિર્યાત સામે ધિરાણ તેમજ વેચાણમાં સહાય પૂરી પાડે છે.

(6) સરકારી સરસામાન ખરીદી કાર્યક્રમ : લાયકાત ધરાવતા અને ઉદ્યોગ નિયામક કેન્દ્રોમાં નોંધણી કરાયેલ લઘુ ઉદ્યોગોની આ સંસ્થા એક જ નોંધણી યોજના હેઠળ નોંધણી કરે છે. તે એકમોને વિનામૂલ્યે ટેન્ડરપત્રો, સરકારી ખરીદની અગાઉથી માહિતી, અનામત અને જામીનગીરી થાપણમાંથી મુક્તિ તથા પરિપૂર્ણતા પ્રમાણપત્રો પૂરાં પાડવાં વગેરે સેવા આપે છે.

(7) તકનીકી તબદીલી કેન્દ્ર : રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ કૉર્પોરેશને બદલાયેલ આર્થિક સંજોગોમાં અદ્યતન તકનીકી ઉપલબ્ધ કરવા માટે ઓખલા(દિલ્હી)માં એક કેન્દ્રની સ્થાપના કરી છે. તેનું કાર્ય વ્યાપાર તેમજ મૂડીરોકાણની તકોની માહિતીનું પ્રસારણ, વિશ્વભરમાંથી વિવિધ તકનીકીની લભ્યતા, તેની તાલીમ, પરામર્શદર્શન અને મૂલ્યાંકન કરવાનું તથા આવશ્યકતા મુજબ યોગ્ય ભાગીદાર મેળવી આપવાનું છે. તે તકનીકી તબદીલી માટે પ્રતિનિધિ મંડળો, પ્રદર્શન તેમજ માહિતીના આદાનપ્રદાનમાં કડી બની રહે છે.

(8) રાષ્ટ્રીય ઉત્પાદકતા મંડળ : કેન્દ્ર સરકારના ઉદ્યોગ વિભાગ નીચે કાર્ય કરતું તે એક સ્વાયત્ત મંડળ છે. તેનું કાર્ય કૃષિ તેમજ ઉદ્યોગ સહિત દેશના અર્થતંત્રની ઉત્પાદકતામાં ઉદ્દીપનનું છે. તેની સૂચિ પરના ઔદ્યોગિક ઇજનેરી, ઊર્જા-વ્યવસ્થાપન, માનવીય વિકાસ, કૃષિ વગેરે વિષયના 200થી વધુ નિષ્ણાતો પરામર્શન તેમજ માર્ગદર્શન પૂરાં પાડે છે. તેનું મુખ્ય કાર્યાલય દિલ્હી અને શાખાઓ દરેક રાજ્યની રાજધાનીમાં આવેલી છે. તે સંમેલનો, ચર્ચા-સભાઓ ગોઠવે છે અને તેમાં ભાગ લે છે. એશિયન ઉત્પાદકતા મંડળ તે વિસ્તારના વિવિધ ઉત્પાદક એકમોનું સંકલન-કેન્દ્ર છે. રાષ્ટ્રીય ઉત્પાદક મંડળ તેનું સભ્ય છે. તે યોગ્ય ઉદ્યોગ-સાહસિકોને પરદેશ તાલીમ માટે પણ મોકલે છે. મંડળના વિશેષજ્ઞોના જ્ઞાનનું લઘુ ઉદ્યોગોમાં વિસ્તરણ કરી વિવિધ સમુદાયોનું અદ્યતનીકરણ સાધવા તેણે લઘુ ઉદ્યોગ વિકાસ બૅંક ઑવ્ ઇન્ડિયા (SIDBI) સાથે સહયોગ કરેલ છે.

(9) રાજ્ય સરકારના વિભાગો : દરેક રાજ્યના ઉદ્યોગ નિયામક લઘુ ગ્રામોદ્યોગ તેમજ સંગઠિત ઉદ્યોગોના વિકાસ અને પ્રોત્સાહન માટે પોતાની નીતિ ઘડે છે. કેન્દ્ર સરકારની લઘુ ઉદ્યોગની નીતિ તેને માર્ગદર્શન પૂરું પાડે છે. પરંતુ દરેક રાજ્ય સરકાર પોતાની નીતિ અનુસાર વિવિધ સહાય, છૂટછાટ અને પ્રોત્સાહનો પ્રસ્તુત કરે છે. તે નીચેની સંસ્થાઓ દ્વારા સક્રિય છે. મે 1978માં શરૂ કરાયેલ જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર લઘુ ઉદ્યોગને સહાય, છૂટછાટ, ગ્રામીણ પ્રદેશોમાં વિસ્તરણ તથા માર્ગદર્શન પૂરાં પાડી રોજગારીમાં વૃદ્ધિ મેળવવા પ્રયત્નશીલ રહે છે. વધુમાં તે કાચા માલનો પુરવઠો, યંત્રસામગ્રી, ધિરાણ, વેચાણ, માલની ગુણવત્તા તેમજ પરામર્શનની સેવા પૂરી પાડે છે. 1993–94માં કેન્દ્ર સરકારે પુરસ્કૃતિ પાછી ખેંચી ત્યારે દેશમાં 435 કેન્દ્રો અસ્તિત્વમાં હતાં. હાલ રાજ્ય સરકારો તેનું સંચાલન કરે છે. રાજ્ય નાણાકીય નિગમ ખરડા 1951 અનુસાર શરૂ કરવામાં આવેલ રાજ્ય નાણાકીય નિગમો, ઔદ્યોગિક વિકાસ બૅંક ઑવ્ ઇન્ડિયા અને સીડબીના સહયોગથી લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડી મૂડીરોકાણ, રોજગારી તેમજ ગ્રામ અને પછાત વિસ્તારમાં ઉદ્યોગોના વિસ્તરણ માટે પ્રેરકબળ પૂરાં પાડે છે. તે લાંબા ગાળાના ધિરાણ ઉપરાંત શૅરમૂડી, ડિબેન્ચર, જામીનગીરી, હૂંડી, વટાવ તેમજ બીજમૂડી આપે છે. તે કારીગરો, પછાતવર્ગો, મહિલાઓ, નિવૃત્ત સૈનિકો, અપંગો તથા વિવિધ સેવા-ઉદ્યોગો જેવા કે પરિવહન, પ્રવાસન, હોટેલો, દવાખાનાં વગેરેને નાણાકીય સહાય પૂરી પાડે છે. ક્વચિત્ તે કાર્યકારી મૂડીની પણ વ્યવસ્થા કરે છે. હાલમાં (2003) આવાં 18 રાજ્ય નિગમો કાર્યશીલ છે. રાજ્ય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનો જમીન, કારખાનાં, પાણી, વીજળી, રસ્તા, ગટરો વગેરે આંતરમાળખાકીય સવલતો પૂરી પાડે છે. કેટલાંક રાજ્યોમાં તે નાણાકીય ધિરાણ પણ કરે છે. રાજ્ય ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમો સંગઠિત તેમજ લઘુ ઉદ્યોગોને નાણાકીય ધિરાણ પૂરું પાડે છે. હાલ દેશમાં 28 કૉર્પોરેશનો કાર્યરત છે.

કંપની ખરડા 1956 નીચે રચવામાં આવેલ રાજ્ય લઘુ ઉદ્યોગ વિકાસ કૉર્પોરેશનો લઘુ, ટચૂકડા તેમજ ગ્રામોદ્યોગોને કાચા માલનો પુરવઠો મેળવી તેનું વિતરણ, ખરીદ-વેચાણ-પદ્ધતિથી યંત્રસામગ્રી, વેચાણ, આંતરમાળખાકીય સવલતો, શૅરમૂડી-રોકાણમાં સહાય અને ઉત્પાદનમાં સંચાલન-સહાય આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત રાજ્ય આંતર માળખાકીય કૉર્પોરેશનો, કો-ઑપરેટિવ બકો, ક્ષેત્રીય ગ્રામીણ બૅંકો, રાજ્ય નિકાસ કૉર્પોરેશનો, કૃષિ ઉદ્યોગ કૉર્પોરેશનો, હાથસાળ અને હસ્તકલા કૉર્પોરેશનો વગેરે લઘુ ઉદ્યોગોને માર્ગદર્શન તેમજ વિવિધ સહાય પૂરી પાડે છે. વળી વિવિધ રાજ્યોમાં સ્થપાયેલી બિનસરકારી સંસ્થાઓ ટચૂકિયા ઉદ્યોગોને પરીક્ષણ-કેન્દ્રો સ્થાપવા, ગુણવત્તા-પ્રમાણપત્રો મેળવવા તેમજ વેચાણકેન્દ્ર સ્થાપવા માટે રાજ્ય સરકારના સહયોગથી નાણાકીય સહાય પૂરી પાડે છે.

એપ્રિલ 1990માં સ્થાપવામાં આવેલ ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅંક (SIDBI) લઘુ ઉદ્યોગના વિકાસ માટે નાણાકીય સહાય, પ્રોત્સાહનોની સવલત અને બીજી સમકક્ષ સંસ્થાઓ સાથે સહયોગ કરે છે. લઘુ ઉદ્યોગ-સાહસિકોને શિક્ષણ અને તાલીમ, તેમજ વસ્તુના સંશોધન અને વિકાસ માટે લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા(SIDO)એ દેશભરમાં 16 વિશિષ્ટ સંસ્થાઓની સ્થાપના કરી છે. તેમાં ઉદ્યોગ-સાહસિક વિકાસ-યોજનાઓ મહત્વનો ફાળો આપે છે. તેનું કાર્ય આશાસ્પદ ઉદ્યોગ-સાહસિકોને – શિક્ષિત બેરોજગારો, મહિલાઓ, આર્થિક રીતે પછાત વર્ગો, ગ્રામીણ કારીગરો, અપંગો, વિદ્યાર્થીઓ, જુવાનો, તજ્જ્ઞો વગેરેને યોગ્ય શિક્ષણ દ્વારા ઉદ્યોગની સ્થાપના કરી સફળ સંચાલન માટે તૈયાર કરવાનું છે. 1950ના દશકામાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ પ્રસારણ અને તાલીમ સંસ્થા(National Institute for Small Industry Extension and Training, Hyderabad – NISIET)ની હૈદરાબાદમાં સ્થાપના કરી હતી. તેનું કાર્યક્ષેત્ર સાહસિકો, સંચાલકો, વ્યવસ્થાપકો, રાજ્ય સરકારના વિકાસ-અધિકારીઓ તથા નાણાકીય સંસ્થાઓને ઉદ્યોગોનું વ્યાવહારિક શિક્ષણ અને તાલીમ આપવાનું છે. આ સંસ્થા દર વર્ષે 45 રાષ્ટ્રીય કક્ષાના અને 15 આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરે છે. તે લઘુ ઉદ્યોગોને જરૂરી માહિતી ઉપરાંત સંશોધન અને પરામર્શનની સેવા પૂરી પાડે છે.

ભારતીય ઉદ્યોગસાહસિક વિકાસ સંસ્થાન (EDII) : 1983માં ભારતીય ઔદ્યોગિક વિકાસ બૅંક, ભારતીય ઔદ્યોગિક નાણાકીય કૉર્પોરેશન, ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને મૂડીરોકાણ કૉર્પોરેશન તથા ગુજરાત સરકારના સહયોગથી ઉદ્યોગસાહસિકોને શિક્ષણ અને તાલીમ આપવા માટે બિનનફા-નુકસાનના ધોરણે અમદાવાદ પાસે ભાટ ગામમાં આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે જમીન આપી તેનું સમર્થન કર્યું હતું. આ સંસ્થા સાહસ-વ્યવસ્થાપનનું અનુસ્નાતક પ્રમાણપત્ર પ્રદાન કરે છે; વિકસતા દેશોના ઉદ્યોગ-સાહસિકો પણ તેનો લાભ લે છે.

લઘુ ઉદ્યોગનું હાર્દ ઉદ્યોગસાહસિક છે. ઉદ્યોગ તેનું સ્વપ્ન છે. તેને સફળ કરવા તે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવામાં પાછી પાની કરતો નથી. તેને ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડીને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપી રોજગારીમાં વૃદ્ધિ કરનાર ગણી શકાય. કેટલાંક મંતવ્યો અનુસાર ઉદ્યોગ-સાહસિકતા લોહીમાં મળેલ વારસો હોય છે; જ્યારે કેટલાક તેને યોગ્ય શિક્ષણ અને તાલીમ પ્રદાન કરી સફળતાપૂર્વક ઉદ્યોગનું સંચાલન કરવાની કળા શીખી શકાય તેવી પદ્ધતિ માને છે. ઉદ્યોગસાહસિકોને વ્યવહારુ શિક્ષણ આપવાના પ્રારંભનું શ્રેય ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમને ફાળે જાય છે. 1969માં તેણે તકનીકી લાયકાત ધરાવતા અને થોડો અનુભવ મેળવેલા સાહસિકોને 100 ટકા નાણાકીય ધિરાણ પૂરું પાડી ઉદ્યોગો સ્થાપવાના પ્રોત્સાહન સાથે ઉદ્યોગનું વ્યવહારુ શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો હતો. 1979માં તેના સફળ અનુભવને વિસ્તૃત કરવા ગુજરાત મૂડીરોકાણ નિગમ, ગુજરાત નાણાકીય નિગમ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને ગુજરાત લઘુ ઉદ્યોગ વિકાસ નિગમોએ ઉદ્યોગસાહસિક વિકાસ કેન્દ્ર(CED)ની સ્થાપના કરી હતી. ગુજરાત રાજ્યના ઔદ્યોગિકીકરણમાં તેણે ઉદ્દીપકનો ભાગ ભજવ્યો હતો.

આ ઉપરાંત કેન્દ્ર સરકારનું નૅશનલ ઍન્ટ્રપ્રનરશિપ ડેવલપમેન્ટ બૉર્ડ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી વિભાગનું ધ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી ડેવલપમેન્ટ બૉર્ડ, 1983માં કેન્દ્ર સરકારના ઉદ્યોગ વિભાગે વિવિધ ઉદ્યોગસાહસિકની તાલીમ-વ્યવસ્થાનું સંકલન કરવા તથા દેખરેખ રાખવા માટે સ્થાપેલ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍન્ટ્રપ્રનરશિપ ઍન્ડ સ્મૉલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD) – ન્યૂ દિલ્હી મહત્વની સંસ્થાઓ ગણાય છે. તેમનું કાર્ય શિક્ષણના કાર્યક્રમો, અભ્યાસક્રમ, સંશોધન, માહિતી-એકત્રીકરણ, ચર્ચાસભાઓ, શૈક્ષણિક ઉપકરણો વગેરે દ્વારા ઉદ્યોગસાહસિકોને વ્યવહારુ શિક્ષણ પ્રદાન કરવાનું છે. મહિલા-સાહસિકોને શિક્ષણ પ્રદાન કરવાની યોજના લઘુ ઉદ્યોગ વિકાસ નિગમે અને રાજ્યસરકારોએ તૈયાર કરી છે. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા (SIDO), ભારતીય ઉદ્યોગ સાહસિક વિકાસ-સંસ્થા (EDII), સાહસિક વિકાસ સંસ્થાનો (IEDS), ઉદ્યોગ સાહસિક વિકાસ કેન્દ્રો (IEDS), તકનીકી પરામર્શપ્રદાન સંસ્થાનો (TCOS) તેમજ બિનસરકારી સંસ્થાનો દ્વારા ઉદ્યોગસાહસિકોને શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાના કાર્યક્રમોનું આયોજન કરે છે.

ભારતમાં 2010ના વર્ષમાં બેરોજગાર યુવાનોની સંખ્યા આશરે 10 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે ઉદ્યોગ-સાહસિકોને શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાઓની ક્ષમતા ફક્ત 20,000ની છે. તે ધ્યાનમાં લેતાં મહાવિદ્યાલયોમાં વ્યાવસાયિક શિક્ષણની વ્યવસ્થા તેમજ વધુ સાહસિક વિકાસ કેન્દ્રોની સ્થાપના અસ્થાને નહિ ગણાય.

ભારતીય ઉદ્યોગ મહાસંઘ (Confederation of India Industries – CII), ભારતીય વ્યાપાર-ઉદ્યોગ મહાસંઘ મંડળ (Federation of Indian Chamber of Commerce and Industry – FICCI), સંલગ્ન વ્યાપાર અને ઉદ્યોગ મહામંડળો (Assochem), ભારતીય નિકાસ સંસ્થાન મંડળ (FIEO), લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું વિશ્વસંગઠન (WASME), ભારતીય મહિલા સાહસિકોનો સહાયક સંઘ (CWEI) વગેરે લઘુ ઉદ્યોગ-સાહસિકોને માટે શિક્ષણ તેમજ માર્ગદર્શનની વ્યવસ્થા કરે છે.

લઘુ ઉદ્યોગોના વિકાસનું આયોજન કરવા માટે તેની વિશ્વસનીય વિગતવાર માહિતી આવશ્યક છે. હાલમાં લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા (SIDO) અને કેન્દ્રીય આંકડાકીય સંસ્થા (CSO) અલગ અલગ માહિતી એકત્ર કરે છે, પરંતુ તે પૂરતી હોતી નથી. કેન્દ્રીય લઘુ ઉદ્યોગવિકાસ સંસ્થા રાજ્યો સાથે નોંધાયેલ એકમો, કારખાનાં અધિનિયમ હેઠળ નોંધાયેલ એકમો તેમજ બિનનોંધાયેલ એકમોની માહિતી એકત્ર કરે છે. જ્યારે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા મુખ્યત્વે ગ્રામોદ્યોગની માહિતી એકત્ર કરે છે અને 10 કામદારોથી ઓછા અને ઉદ્યોગોના વાર્ષિક સર્વેક્ષણમાં ન સમાવાયેલ એકમોની જ માહિતી આશરે દર 5 વર્ષે સર્વેક્ષણ કરીને બહિર્વેશન (extrapolation) પદ્ધતિ દ્વારા દર્શાવે છે; જેમાં પૂરતી વિશ્વસનીય માહિતીનો અભાવ હોય છે; તેમ છતાં પણ બંને સંસ્થાઓએ એકત્ર કરેલ માહિતી પરથી લઘુ ઉદ્યોગ બૉર્ડ અને લઘુ ઉદ્યોગ વિકાસ કમિશનરે તૈયાર કરેલ માહિતી નીચેની સારણી 5માં દર્શાવેલી છે :

સારણી 5 : લઘુ ઉદ્યોગો : ઉત્પાદન તથા રોજગારીના અંદાજ

વર્ષ એકમો ઉત્પાદન રોજગારી નિર્યાત
  (લાખમાં) (કરોડ રૂ.માં) (લાખમાં) (કરોડ રૂ.માં)
1973–74 4.2 7,200 39.7 393
1974–75 5.0 9,200 40.4 541
1975–76 5.5 11,000 45.9 532
1976–77 5.9 12,400 49.8 766
1977–78 6.7 14,300 54.0 845
1978–79 7.3 15,700 63.8 1,069
1979–80 8.1 21,635 67.0 1,226
1980–81 8.7 28,060 71.0 1,643
1981–82 9.6 32,600 75.0 2,071
1982–83 10.6 35,000 79.0 2,045
1983–84 11.6 41,620 84.2 2,164
1984–85 12.4 50,520 90.0 2,541
1985–86 13.5 61,228 96.0 2,769
1986–87 14.6 72,250 101.4 3,643
1987–88 15.8 87,300 107.0 4,372
1988–89 17.1 1,06,400 113.0 5,489
1989–90 18.2 1,32,320 119.6 7,625
1990–91 19.5 1,55,340 125.3 9,664
1991–92 20.8 1,78,699 129.8 13,883
1992–93 22.5 2,09,300 134.1 17,785
1993–94 23.9 2,41,648 139.4 25,307
1994–95 25.7 2,93,990 146.6 29,068
1995–96 27.2 3,56,213 152.6 36,470
1996–97(P) 28.6 4,12,636 160.0 39,248
1997–98(P) 30.1 4,65,171 167.2 43,946
2000–01(P) 33.7 6,45,496 185.6 59,978
2001–02(P) 35.72 7,42,021 199.7 N.A.

પ્રાપ્ય : લઘુ ઉદ્યોગ નિયામક, ઉદ્યોગ ખાતું, દિલ્હી

ઉપરની સારણી 5 દર્શાવે છે કે 1973–74માં લઘુ ઉદ્યોગની સંખ્યા 4.2 લાખ હતી તે વધીને 2001–02માં 35.72 લાખ થઈ હતી. તે જ સમયગાળામાં રોજગારીમાં વૃદ્ધિ 40 લાખથી 2 કરોડ પહોંચી હતી. તેનું ઉત્પાદન 1973–74માં રૂ. 7,200 કરોડથી વધીને 2001–02માં રૂ. 7,42,021 કરોડ થયું હતું. આ ઉદ્યોગે 1973–74ના રૂ. 393 કરોડની સામે 2000–01માં રૂ. 59,978 કરોડની કિંમતની વસ્તુઓની નિકાસ કરી હતી.

દરેક રાજ્યના ઉદ્યોગ-કમિશનર લઘુ ઉદ્યોગોની સંખ્યા, મૂડીરોકાણ, રોજગારી વગેરેની માહિતી એકત્ર કરે છે. 1997–98માં એકત્ર થયેલ માહિતી નીચેની સારણી 6માં આપી છે.

સારણી 6 : લઘુ ઉદ્યોગ : રાજ્યવાર એકમો : રોજગારી તથા મૂડીરોકાણનો અંદાજ 1997–98

રાજ્યનું નામ એકમોની સંખ્યા (હજારમાં) કામદારો (હજારમાં) સ્થાયી મૂડીરોકાણ (કરોડ રૂ.માં) એકમદીઠ કામદારો એકમદીઠ મૂડીરોકાણ
(હજાર રૂ.માં)
આંધ્રપ્રદેશ 101.81 789.42 218.9 7.7 215
આસામ 27.74 136.40 1,417.4 4.9 510
બિહાર 131.79 473.63 810.5 3.6 60
દિલ્હી 130.22 1,171.96 2,604.0 8.9 198
ગોવા 5.49 36.73 184.2 6.7 336
ગુજરાત 156.73 862.93 5,511.9 5.4 347
હરિયાણા 87.22 490.43 1,478.3 5.6 169
હિમાચલ પ્રદેશ 26.38 110.11 518.8 4.2 197
જમ્મુ અને કાશ્મીર 24.69 107.31 1,336.4 4.3 541
કર્ણાટક 173.75 939.44 3,188.8 5.4 182
કેરળ 157.64 747.65 2,328.2 4.7 147
મધ્ય પ્રદેશ 266.99 629.63 1,205.1 2.3 45
મહારાષ્ટ્ર 234.94 1562.60 22,601.6 6.6 962
મણિપુર 5.96 29.88 32.5 5.0 55
મેઘાલય 3.01 17.26 22.5 5.7 74
નાગાલૅન્ડ 0.78 3.90 NA 5.0 NA
મિઝોરમ 3.43 19.76 34.2 5.8 100
ઓરિસા 32.44 214.07 870.2 6.6 268
પોંડિચેરી 3.99 31.41 142.3 7.9 356
પંજાબ 195.40 834.19 2,855.0 4.3 146
રાજસ્થાન 85.45 366.10 2,094.5 4.3 245
સિક્કિમ 0.30 2.90 161 9.7 542
તામિલનાડુ 295.00 2,802.54 7,139.1 9.2 236
ત્રિપુરા 1.70 8.50 NA 5.0 NA
ઉત્તરપ્રદેશ 327.83 1,394.83 3,089.0 4.1 93
પશ્ચિમ બંગાળ 165.93 606.38 NA 3.7 NA
આંદામાન- નિકોબાર ટાપુઓ 1.01 4.32 7.3 4.3 73
દમણ-દીવ 0.80 4.00 NA 5.0 NA
દાદરાનગર હવેલી 0.50 2.50 NA 5.0 NA
લક્ષદ્વીપ 0.30 1.50 NA 5.0 NA
ચંડીગઢ 2.93 23.92 NA 8.2 NA

કુલ      2,652.15                   14,426.20    59,706.8

(રાજ્યો અંદાજ મુજબ)

લઘુ ઉદ્યોગ  3,014.00                 16,720.00

નિયામક મુજબ

તફાવત   361.85                                    2,293.80

NA = અપ્રાપ્ય

પ્રાપ્ય : વિવિધ રાજ્ય ઉદ્યોગ નિયામકોની કચેરીઓ

ઉપરની વિગતો દર્શાવે છે કે ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ પંજાબમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો સ્થપાયેલ હતા; જ્યારે આ ઉદ્યોગમાં સૌથી વધુ મૂડીરોકાણ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી તેમજ કર્ણાટક રાજ્યોમાં થયું હતું. સૌથી વધુ કામદારોને રોજગારી તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને કર્ણાટક રાજ્યોમાં પૂરી પડાઈ હતી.

દરેક રાજ્યની કાચા માલની લભ્યતા, કારીગરોની કુશળતા, બજાર વગેરે આગવી વિશિષ્ટતાઓને લઈને ઉદ્યોગોમાં પ્રાથમિકતા દર્શાવાય છે. તેનો અભ્યાસ દર્શાવે છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ અને દમણ વીજ સિવાયની યંત્રસામગ્રીમાં; દિલ્હી અને સિક્કિમ વીજસામગ્રીમાં; ગુજરાત અને મહારાષ્ટ્ર રસાયણ તેમજ દવાઉદ્યોગમાં; ચંદીગઢ પ્લાસ્ટિક અને રબરની વસ્તુઓ તેમજ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરળ તથા ઉત્તર-પૂર્વનાં રાજ્યો કાષ્ઠની વસ્તુઓના ઉત્પાદનમાં અગ્રતા ધરાવે છે.

બિનસંગઠિત લઘુ ઉદ્યોગો જેવા કે યંત્રસાળો, હાથસાળો, હસ્તકલા, રેશમ, કાથી તેમજ ખાદી અને ગ્રામોદ્યોગની 199798માં એકત્ર કરેલ માહિતી સંક્ષેપમાં નીચે આપી છે :

યંત્રસાળો : 21 ડિસેમ્બર 1997ના દિવસે કેન્દ્ર સરકારના કાપડ વિભાગ અનુસાર 15.23 લાખ યંત્રસાળોએ 70.8 લાખ કામદારોને રોજી પૂરી પાડી હતી. તેનું ઉત્પાદન આશરે 1,000 કરોડ ચોરસમીટર હતું, જે દેશના કુલ કાપડ-ઉત્પાદનનો 54 % હિસ્સો ધરાવે છે. વસ્ત્રો તથા યંત્રસાળ-કાપડની નિકાસમાં અવકાશને ધ્યાનમાં લઈને સરકારે તેના નિર્યાત હિસ્સામાં વૃદ્ધિ કરવાનો નિર્ણય લીધો છે.

હાથસાળો : હાથસાળમાં વણાયેલ કાપડ ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક તેમજ તેની કળા અને સમૃદ્ધિ પ્રદર્શિત કરે છે. આ ઉદ્યોગ સરેરાશ 30 લાખ કામદારોને પ્રત્યક્ષ અને 1.24 કરોડ કામદારોને પરોક્ષ રોજી પૂરી પાડે છે. 1997–98ના વર્ષ દરમિયાન આ ઉદ્યોગે 768 કરોડ ચોરસ-મીટર કાપડનું ઉત્પાદન કર્યું હતું, જે દેશના કુલ કાપડના ઉત્પાદનનો 23 ટકા હિસ્સો ગણી શકાય.

હસ્તકલાઉદ્યોગ : આ ઉદ્યોગ જરીકામ, ભરતગૂંથણ, હાથછાપનું કાપડ, જાજમો, ધાતુકામ, કાષ્ઠ, હાથીદાંત વગેરેની કારીગરી, નેતર તેમજ વાંસની વસ્તુઓ, ધાતુ-પથ્થરનાં શિલ્પો વગેરે બનાવે છે. તેનું સંચાલન અખિલ ભારતીય હસ્તકલા મંડળ કરે છે; જ્યારે હાથસાળ અને હસ્તકલા નિર્યાત પ્રોત્સાહન સંસ્થા દ્વારા તેની નિર્યાત થાય છે. આ ઉદ્યોગની જવાબદારી મુખ્યત્વે રાજ્ય સરકારોની હોય છે. પરંતુ કેન્દ્રીય હસ્તકલા કમિશનર તેના વિકાસ માટે વિવિધ યોજનાઓ તૈયાર કરે છે. 1997–98ના વર્ષ દરમિયાન આશરે રૂ. 6,458 કરોડની કિંમતની હસ્તકલા-ઉદ્યોગની વસ્તુઓની નિર્યાત થઈ હતી. આ ઉદ્યોગ સરેરાશ 76 લાખ કારીગરોને રોજી પૂરી પાડે છે.

રેશમઉદ્યોગ : વિશ્વમાં ચીન પછી રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતો બીજો દેશ ભારત છે. ફક્ત ભારત જ મલબેરી (91.7 ટકા), એરી (6.1 ટકા), ટસર (1.6 ટકા) અને મુગા (6.6 ટકા) – એ ચારેય પ્રકારના રેશમનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યાનકૃષિ-ઉદ્યોગ કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઓરિસા અને આસામના પ્રદેશોમાં વિકાસ પામ્યો છે; પરંતુ મુખ્ય કેન્દ્ર કર્ણાટક રાજ્ય ગણી શકાય. 1997–98માં કુલ 15,061 ટન રેશમ કાપડના ઉત્પાદનમાંથી રૂ. 927 કરોડની કિંમતના રેશમની નિર્યાત કરવામાં આવી હતી. આ ઉદ્યોગ આશરે 60 લાખ કામદારોને મુખ્યત્વે પછાત વિસ્તારોમાં રોજગારી પૂરી પાડે છે.

કાથીઉદ્યોગ : નાળિયેરની છાલ સૂકવીને મેળવેલ કાથી સફેદ તેમજ તપખીરિયા રંગમાં ઉપલબ્ધ હોય છે. તેમાંથી મુખ્યત્વે દોરડાં, સાદડીઓ, પગલુછણિયાં, રબરમિશ્રિત ગાદલાં તથા કલાકારીગરીની વસ્તુઓ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગ દરિયાકાંઠાનાં રાજ્યો કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસા તેમજ પશ્ચિમ બંગાળમાં વિકાસ પામ્યો છે. દેશના કુલ 6,531 એકમોમાંથી એકલા કેરળમાં જ 5,124 એકમો છે. 1996–97ના વર્ષમાં કાથીની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન 2.76 લાખ ટન થયું હતું. તેમાંથી રૂ. 213 કરોડની કિંમતની વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી.

ખાદી અને ગ્રામોદ્યોગ : હાથે કાંતેલ તારમાંથી હાથસાળ પર વણાયેલ કાપડ ખાદી તરીકે પ્રચલિત છે. 1996–97માં દેશમાં 12.5 કરોડ ચોરસ-મીટર ખાદીનું ઉત્પાદન થયું હતું. ગ્રામોદ્યોગો મુખ્યત્વે અથાણાં, મરી-મસાલા, પાપડ, વિવિધ તેલો, મુખવાસ, વનાધારિત વનસ્પતિઓ, કાષ્ઠની કારીગરી, ચંદન, મધ, મહુડા, લીંબોળી વગેરેનું પ્રક્રમણ કરી વેચાણ કરે છે. 1996–97માં આ ઉદ્યોગે 60 લાખ કામદારોને રોજગારી પૂરી પાડી રૂ. 4,120 કરોડની કિંમતની વસ્તુઓનું ઉત્પાદન કર્યું હતું.

લઘુ ઉદ્યોગોએ નાણાકીય સહાય, વળતર, છૂટછાટ, ધિરાણ વગેરે સવલતો મેળવવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર અથવા તેમની વિવિધ સંસ્થાઓમાં નોંધણી કરાવવી આવશ્યક છે. કેન્દ્રીય આંકડાકીય સંસ્થાએ 1994–95માં વિવિધ સંસ્થાઓ સાથે નોંધેલ એકમોની વિગતો નીચેની સારણી 7માં આપી છે.

સારણી 7 : વિવિધ સંસ્થાઓ સાથે નોંધાયેલ લઘુ એકમો

સંસ્થા ગ્રામીણ વિસ્તાર (000માં) શહેરી વિસ્તાર (000માં) કુલ ટકામાં
ફૅક્ટરી, બીડી તેમજ સિગારેટ

કાયદા મુજબ

7.50 9.01 16.51 0.11
રાજ્ય ઉદ્યોગ વિભાગ 68.25 108.56 176.81 1.22
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન 87.93 2.38 90.31 0.62
હસ્તકલાવિકાસ કમિશન 0.69 0.90 1.59 0.01
હાથશાળ વિકાસ કમિશન 12.45 1.35 13.80 0.10
યંત્રશાળ કાપડ કમિશન 2.31 11.52 13.83 0.10
કાથી બૉર્ડ 5.85 0.19 6.04 0.04
રેશમ બૉર્ડ 0.44 0.03 0.47 0.00
શણ-કમિશનર 0.00 0.00 0.00 0.00
અન્ય 442.35 821.98 1,264.33 8.71
સંસ્થા વિના 9,821.12 2,992.69 12,813.81 88.35
બહુવિધ સંસ્થાઓ 32.93 52.25 85.18 0.59
બિનસૂચિત 15.26 6.17 21.43 0.15
કુલ 10,497.08 4,007.03 14,504.11 100.00
ટકાવારી 72.37 27.63 100.00

પ્રાપ્ય : કેન્દ્રીય આંકડાકીય સંસ્થા-ઉત્પાદકોનું સર્વેક્ષણ, 1994-95

1987–88માં અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ નિયામકની મોજણી અનુસાર 81.03 ટકા એકમો સ્વમાલિકીના, 17.24 ટકા ભાગીદારીમાં અને 1.73 ટકા લિમિટેડ કંપનીઓ હતી. જ્યારે કેન્દ્રીય આંકડાકીય સંખ્યાએ 1994–95માં કરેલ સર્વેક્ષણ મુજબ 97.65 ટકા એકમો સ્વમાલિકીના અને 1.86 ટકા ભાગીદારીમાં સ્થપાયા હતા, જેની વિગતો નીચેની સારણી 8માં દર્શાવી છે. બીજા સર્વેક્ષણ મુજબ આશરે 72 ટકા લઘુ ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારમાં અને 28 ટકા શહેરી વિસ્તારમાં હતા.

સારણી 8 : લઘુએકમો માલિકીનું વર્ગીકરણ 1994–95

માલિકીનો પ્રકાર ગ્રામીણ (કરોડમાં)

 

શહેરી (કરોડમાં) કુલ ટકામાં સીડો  એકમો* (કરોડમાં) ટકામાં
સ્વમાલિકી 1.034 0.381 1.415 97.65 0.047 81.03
ભાગીદારી 0.011 0.016 0.027 1.86 0.01 17.24
સરકારી 00 00 00 0.00 00 0.00
જાહેરક્ષેત્ર 00 00 00 0.00 0.001 0.00
લિમિટેડ કંપની 00 00 00 0.00 00 1.73
અન્ય 00 00 00 0.00 00 0.00
બિન સૂચિત 0.004 0.003 0.007 0.49 00 0.00
કુલ 1.049 0.400 1.449 100.00 0.058 100.00

* ફૅક્ટરી કાયદા નીચે નોંધાયેલ એકમો સહિત

પ્રાપ્ય : કેન્દ્રીય આંકડીય સંસ્થા. ઉત્પાદક એકમોનું સર્વેક્ષણ, 1994–95

લઘુ ઉદ્યોગ નિયામક : બીજી અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ મોજણી

લઘુ ઉદ્યોગો સામાન્ય રીતે સાનુકૂળ વાતાવરણ, કાચા માલની ઉપલભ્યતા, કારીગરોની કુશળતા, બજાર, આંતરમાળખાકીય સવલતો, સ્થાનિક પ્રોત્સાહનો વગેરેને અનુલક્ષીને પોતાના વિસ્તાર નક્કી કરે છે. લઘુ ઉદ્યોગ નિયામકે 1987–88માં કરેલી મોજણી અને કેન્દ્રીય આંકડાકીય સંસ્થા દ્વારા 1994–95માં કરવામાં આવેલ સર્વેક્ષણની માહિતી નીચેની સારણી 9માં આપી છે.

સારણી  9  : લઘુ ઉદ્યોગઔદ્યોગિક વર્ગીકરણ

ઉત્પાદક ઉદ્યોગો : સર્વેક્ષણ 1994–95 બીજી અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ મોજણી 1987–98
ઉદ્યોગ એકમો (000માં) ટકાવારી સીડો એકમો (000માં) ટકાવારી
1   2   3   4   5
ખાદ્ય વસ્તુઓ 2,394.32 16.50 96.12 16.50
પીણાં, તમાકુ અને તમાકુની બનાવટો 1,426.56 9.84 3.67 0.63
કાપડ 818.51 5.64 1.45 0.25
ઊન રેશમ તથા સંશ્લેષિત રેસા 340.19 2.35 1.16 0.20
શણ વગેરે બનાવટો 95.00 0.65 0.22 0.04
ગંજીફરાક, મોજાં તથા વસ્ત્રો 1,093.60 7.54 39.78 6.83
કાષ્ઠની વસ્તુઓ 2,872.71 19.81 54.97 9.44
કાગળ તથા છાપકામ 174.93 1.21 33.32 5.72
ચર્મની વસ્તુઓ 211.31 1.46 24.03 4.13
રબર અને પ્લાસ્ટિકની વસ્તુઓ 143.32 0.99 25.82 4.43
રસાયણો તથા રાસાયણિક વસ્તુઓ 84.64 0.58 25.94 4.45
બિનધાતુ અને ખનિજવસ્તુઓ 853.15 5.88 31.59 5.42
મૂળભૂત ધાતુ ઉદ્યોગ 34.12 0.24 14.94 2.57
ધાતુની વસ્તુઓ 449.66 3.10 65.87 11.31
વીજ વગરની યંત્રસામગ્રી 95.03 0.66 40.80 7.01
વીજમશીનરી અને તેના ભાગો 28.89 0.20 12.28 2.11
પરિવહન સાધનો 28.23 0.19 11.33 1.95
વિવિધ વસ્તુઓ બનાવતા ઉદ્યોગો 1,159.41 7.99 8.85 1.52
બીજી સમારકામ સેવાઓ 358.08 2.47 9.21 1.58
સમારકામ 1,828.77 12.61 80.41 13.81
અન્ય સેવાઓ 13.68 0.09 0.61 0.10
કુલ 14,504.11 100.00 582.37 100.00

પ્રાપ્ય : કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, ઉત્પાદક એકમોનું સર્વેક્ષણ 1994-95 લઘુ ઉદ્યોગ નિયામક : બીજી અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ મોજણી

ઉપરની માહિતી દર્શાવે છે કે લઘુ ઉદ્યોગમાં સૌથી વધુ એકમો કાષ્ઠકર્મમાં (19.81 ટકા) જોડાયેલા હતા. બીજો ક્રમ ખાદ્યવસ્તુઓનો (16.50 ટકા) અને ત્રીજો સમારકામ (12.61 ટકા) કરતા એકમોનો જણાય છે. ત્યારબાદ પીણાં, તમાકુ વગેરે (9.84 ટકા), વસ્ત્રો (7.54 ટકા) અને કાપડ (5.64 ટકા)નો ક્રમ આવે છે.

સારણી 10 : વ્યાવસાયિક સેવાએકમોનું વર્ગીકરણ

વર્ગ ગ્રામીણ વિસ્તાર (હજારમાં) શહેરી વિસ્તાર (હજારમાં) કુલ (હજારમાં) ટકામાં
oસ્વમાલિકી 3,192.20 1,121.60 4,313.80 82.98
+બિનોંધાયેલ 347.70 377.60 725.30 13.95
⊗ નોંધાયેલ 77.70 81.90 159.60 3.07
કુલ 3,617.60 1,581.10 5,198.70 100.00
ટકાવારી 69.59 30.41 100.00

કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, વ્યવસાયિક ઉદ્યોગ સર્વેક્ષણ રિપૉર્ટ 1991-92

o OAE – સ્વમાલિકી ઉદ્યોગ (વિના કામદાર)

+ NDE – બિનનોંધાયેલ સ્વમાલિકી ઉદ્યોગ, 1થી 5 મદદગાર, 1 કામદાર

⊗ DE – નોંધાયેલ ઉદ્યોગ, 5થી 10 મદદગાર, 1 કામદાર

મહત્તમ લઘુ ઉદ્યોગો વસ્તુના વેચાણ સાથે સમારકામ તથા બીજી સેવાઓ પણ આપે છે. પરંતુ તે ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં ફક્ત સેવાઓ પ્રદાન કરતા એકમો પણ કાર્યરત હોય છે. 1991માં કેન્દ્ર સરકારના ઉદ્યોગ વિકાસ વિભાગે સેવા-એકમોને સ્થાને યંત્રસામગ્રીમાં રૂ. 5 લાખની મૂડીરોકાણ-મર્યાદા ધરાવતા વ્યાવસાયિક સેવા-એકમોને માન્યતા આપી હતી. તેમને લઘુ ઉદ્યોગોના સઘળા લાભો માટે યોગ્ય ગણ્યા હતા. તેમાં વિજ્ઞાપન, કમ્પ્યૂટર માહિતી પ્રક્રમણ, ઔદ્યોગિક પરામર્શન, ઔદ્યોગિક સંશોધન અને વિકાસ, પ્રયોગશાળા, સૉફ્ટવેર વિકાસ, છાપકામ, એક્સ-રે વગેરેને સમાવી લેવામાં આવ્યા હતા. 1991–92માં કેન્દ્રીય આંકડાકીય સંસ્થાના સર્વેક્ષણ મુજબ વ્યાવસાયિક સેવા-એકમોનું વિભાગીય વર્ગીકરણ નીચેની સારણી 10 અને 11માં જોઈ શકાય છે.

સારણી 11 : વ્યાવસાયિક સેવાએકમોનું ક્ષેત્રીય વર્ગીકરણ (હજારમાં)

વિભાગ ગ્રામીણ વિસ્તાર શહેરી વિસ્તાર કુલ કામદારો કુલ મૂલ્યવૃદ્ધિ
શિક્ષણ 216.40 106.40 322.80 825.00 2,518.00
તબીબી 336.30 160.20 496.50 821.00 8,367.30
સામાજિક અને સાંસ્કૃતિક 613.90 141.70 755.60 1907.90 3,233.70
બીજી સેવાઓ 2,451.00 1,172.80 3,623.80 6,398.00 36,955.10
કુલ 3,617.60 1,581.10 5,198.70 9,951.90 51,074.10

પ્રાપ્ય : કેન્દ્રીય આંકડાકીય સંસ્થા વ્યાવસાયિક સેવા-ઉદ્યોગોના સર્વેક્ષણ રિપૉર્ટ, 1991–92

ઉપરની સારણી દર્શાવે છે કે કુલ 51.99 લાખ વ્યાવસાયિક સેવા-એકમોમાંથી આશરે 70 ટકા ગ્રામવિસ્તારમાં અને આશરે 30 ટકા શહેરી વિસ્તારમાં કાર્યરત હતા. તેમણે આશરે રૂ. 5,107 કરોડની મૂલ્યવૃદ્ધિ કરી હતી. જેમાં શિક્ષણ-એકમોનો હિસ્સો રૂ. 252 કરોડ (4.93 ટકા), તબીબી એકમોનો રૂ. 837 કરોડ (16.38 ટકા), સમાજસેવા અને સાંસ્કૃતિક સેવાનો રૂ. 323 કરોડ (6.32 ટકા) અને બીજા વ્યાવસાયિક એકમોનો રૂ. 3,695 કરોડ (72.3 ટકા) જેટલો હતો. તેમાંથી 82.98 ટકા એકમો સ્વમાલિકીના અને કામદાર વગરના, 13.95 ટકા 5 થી 10 કામદારોને રોજી પૂરી પાડતા, જ્યારે ફક્ત 3.07 ટકા 10થી વધુ કામદારોને રોજી પૂરી આપતા જિલ્લા કક્ષાએ નોંધાયેલ એકમો હતા.

લઘુ ઉદ્યોગ અનૌપચારિક ક્ષેત્રનું એક અગત્યનું પાસું છે. તેને કામદારોની ઉત્પાદનક્ષમતા દ્વારા ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ મેળવવાનો એક મહત્વનો સુયોગ ગણી શકાય. તેથી જ લઘુ ઉદ્યોગને પંચવર્ષીય યોજનાઓની ઔદ્યોગિકીકરણની નીતિમાં ટૂંકા મૂડીરોકાણમાં વધુ ઉત્પાદન તેમજ રોજગારીમાં વૃદ્ધિ કરનાર અંગ તરીકે ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં અપૂરતાં સાધનોમાંથી મહત્તમ આર્થિક વિકાસ સાધવો આવશ્યક છે ત્યાં લઘુ ઉદ્યોગોની ક્ષમતા વિશાળ સંગઠિત ઉદ્યોગોની સમકક્ષ હોવી જરૂરી છે. લઘુ ઉદ્યોગોને મહત્વ આપવાનાં કારણોમાં તે વધુ રોજગારી પૂરી પાડે છે અને મૂડીરોકાણના પ્રમાણમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે તેને ગણી શકાય. અત્યાર સુધીના લઘુ ઉદ્યોગોને સરકારનાં પ્રોત્સાહનો અને સહાયનો તેમજ છૂટછાટની નીતિનો લાભ મળતો રહ્યો છે; પરંતુ હાલના નિયંત્રણ-નાબૂદીના વાતાવરણમાં તેણે વિશાળ સંગઠિત ઉદ્યોગો સાથે સરકારી સહાય કે છૂટછાટ વિના સ્પર્ધાત્મકતા કેળવવી આવશ્યક બની રહેશે. નિયંત્રણમુક્તિના સમયમાં તેની કાર્યકુશળતા જ તેના અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયરૂપ બની શકે તેમ છે. કેન્દ્રીય આંકડાકીય સંસ્થાએ 1990–95ના ગાળામાં લઘુ ઉદ્યોગનું ઉત્પાદન કુલ મૂલ્યવૃદ્ધિ, રોજગારી અને મૂડીરોકાણની વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ દ્વારા એકત્ર કરેલ માહિતી નીચેની સારણી 12માં આપી છે.

સારણી 12 : લઘુ ઉદ્યોગોનો ફાળો (ટકાવારીમાં)

વર્ષ ઉત્પાદન કુલ મૂલ્યવૃદ્ધિ રોજગારી મૂડીરોકાણ
1990–91 19     13   35    7
1991–92 24     18   40   15
1992–93 21     27   39    8
1993–94 20     16   39    8
1994–95 18     13   37    7

પ્રાપ્ય : કેન્દ્રીય આંકડાકીય સંસ્થા વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ, 1994–95

આ માહિતી દર્શાવે છે કે લઘુ ઉદ્યોગોએ ફક્ત 7થી 15 ટકાના મૂડીરોકાણથી, કુલ ઉત્પાદનમાં 20 ટકા અને 13થી 27 ટકાની કુલ મૂલ્યવૃદ્ધિ હાંસલ કરી હતી. કુલ રોજગારીમાં તેનો હિસ્સો 35થી 40 ટકા જેટલો માતબર રહ્યો હતો. ઉત્પાદન અને મૂલ્યવૃદ્ધિનો ફાળો રોજગારી કરતાં ઓછો હોવા છતાં પણ અર્થતંત્રના વિકાસ પર તેની ગણનાપાત્ર અસર નજરઅંદાજ થઈ શકે તેમ નથી.

આવો જ એક બીજો અભ્યાસ કેન્દ્રીય આંકડાકીય સંસ્થાએ 1980 અને 1994ના ગાળા દરમિયાન લઘુ ઉદ્યોગ અને સંગઠિત ઉદ્યોગોનાં ઉત્પાદન, મૂલ્યવૃદ્ધિ, રોજગારી, મૂડીજથ્થો, મૂડી અને કામદાર-ઉત્પાદન વચ્ચે તુલનાત્મક મૂલ્યાંકન કરવા ચક્રવર્તી વાર્ષિક વૃદ્ધિદર પ્રમાણે તૈયાર કર્યો હતો. તેને માટે 1980ને પાયાનું વર્ષ ગણીને ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં તથા મૂડી-ઉત્પાદકતામાં તુલનાત્મક ઘટાડો કરવામાં આવ્યો હતો; જેની માહિતી નીચેની સારણી 13માં આપી છે.

સારણી 13 : વાર્ષિક વૃદ્ધિદર લઘુ અને વિશાળ ઉદ્યોગો (ટકાવારીમાં)

લઘુ ઉદ્યોગ વિશાળ ઉદ્યોગ
ફૅક્ટરીની સંખ્યા 1.3 7.7
ઉત્પાદન 7.0 9.0
કુલ મૂલ્યવૃદ્ધિ 8.8 8.7
કામદારોની સંખ્યા 1.0 0.6
કુલ રોજગારી 1.3 0.9
મૂડી (સ્થાયી + ઉત્પાદક) 3.9 6.6
મૂડી-ઉત્પાદક 2.4 2.2
કામદાર-ઉત્પાદકતા 7.6 8.1

પ્રાપ્ય : કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ, 1994-95

સૂચકાંક : 1980 = 100

ઉપરની માહિતી દર્શાવે છે કે 1980થી 1994 દરમિયાન કુલ મૂડીવૃદ્ધિનો દર લઘુ ઉદ્યોગ (8.8 ટકા) અને સંગઠિત ઉદ્યોગ (8.7 ટકા) વચ્ચે લગભગ સરખો રહ્યો હતો. જ્યારે તે જ સમયગાળામાં લઘુ ઉદ્યોગની ઉત્પાદકતા-વૃદ્ધિ (7 ટકા) સાથે સંગઠિત ઉદ્યોગનો વૃદ્ધિદર 9 ટકા હતો. લઘુ ઉદ્યોગનો વાર્ષિક રોજગારી વૃદ્ધિદર 1.3 ટકાની સરખામણીમાં સંગઠિત ઉદ્યોગોનો 0.9 ટકા રહ્યો હતો, જે લઘુ ઉદ્યોગની વધુ રોજગારી પૂરી પાડવાની ક્ષમતા દર્શાવે છે. મૂડીરોકાણમાં લઘુ ઉદ્યોગની 3.4 ટકાની સરખામણીમાં સંગઠિત ઉદ્યોગે 6.6 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો હતો. લઘુ ઉદ્યોગની મૂડી-ઉત્પાદકતાનો વૃદ્ધિદર 2.4 ટકાની સામે સંગઠિત ઉદ્યોગોનો 2.2 ટકા હતો, જે લઘુ ઉદ્યોગની મૂડીરોકાણના પ્રમાણમાં વધુ ઉત્પાદકક્ષમતા દર્શાવે છે. તેવી જ રીતે કામદાર-ઉત્પાદકતામાં સંગઠિત ઉદ્યોગોનો વૃદ્ધિદર 8.1 ટકાએ લઘુ ઉદ્યોગના 7.6 ટકા કરતાં ઊંચો રહ્યો હતો, જે સંગઠિત ઉદ્યોગમાં કામદારોની વધુ ઉત્પાદકક્ષમતા દર્શાવે છે. છેલ્લે લઘુ ઉદ્યોગના 1.3 ટકાના કારખાનાના વૃદ્ધિદરની સરખામણીમાં સંગઠિત ઉદ્યોગોનો વૃદ્ધિદર ઠીક ઠીક ઊંચો (7.7 ટકા) હતો. તેનું શ્રેય લઘુ ઉદ્યોગોનું સંગઠિત ઉદ્યોગોમાં પરિવર્તન તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધુ કારખાનાંની સ્થાપનાને આપી શકાય. આ અભ્યાસ દર્શાવે છે કે લઘુ ઉદ્યોગ મૂડીરોકાણના પ્રમાણમાં વધુ રોજગારી પૂરી પાડી વધુ ઉત્પાદકક્ષમતા મેળવી આપે છે. ભવિષ્યની આયોજનનીતિ ઘડતી વેળા આ હકીકતો ખ્યાલમાં રાખવી દેશના અર્થતંત્રના વિકાસના હિતમાં રહેશે; પરંતુ વૈશ્વિકીકરણના સંદર્ભમાં અને અંકુશમુક્ત વાતાવરણમાં લઘુ ઉદ્યોગો સહાય કે છૂટછાટ વગર સંગઠિત ઉદ્યોગો તેમજ આયાત કરેલ માલની સામે સફળતાપૂર્વક સ્પર્ધા કરી શકશે કે કેમ અને તેને સ્પર્ધા માટે સક્ષમ બનાવવા શું પગલાં લેવાં જોઈએ તે ઊંડી વિચારણા માગી લે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લઘુ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય સહાય, વેરામાં છૂટછાટ, ખરીદીમાં પ્રાથમિકતા વગેરે લાભો આપવાનું આયોજન કરે છે; પરંતુ તેની કાર્યવિધિ, કાયદા, અમલદારશાહી, નિયમોની આંટીઘૂંટી વગેરે તેને નિરુત્સાહિત કરે છે. હાલમાં લઘુ ઉદ્યોગ-સાહસિકોને વિવિધ 28 સરકારી વિભાગો પાસે મંજૂરી મેળવવી પડે છે. તેની આંટીઘૂંટીમાં પોતાનો ધંધો સફળતાપૂર્વક ચલાવવા માટે મૂંઝવણ અનુભવે છે. તેમાંથી રસ્તો કાઢવા તેમને અનૈતિક ઉકેલો શોધવાની ફરજ પડે છે. અંતે સંસ્થાઓનો લઘુ ઉદ્યોગ-સાહસિકો પરનો ભરોસો નબળો પુરવાર થાય છે. આ સંયોગોમાં આવશ્યકતા છે સરળ કાયદા અને નિયમનોની તેમજ માનવતાભર્યા અભિગમની તેને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જરૂર છે વિશ્વસનીય સમયસર માહિતીની ઉપલબ્ધિની; અમલદારશાહી તેમજ બિનજરૂરી નિયંત્રણોની નાબૂદીની; સરળ કાર્યવહી, સંસ્થાઓની ધિરાણપદ્ધતિમાં એકસમાનતા અને ત્વરિત નિર્ણયની.

ઑલ ઇન્ડિયા મૅનેજમેન્ટ ઍસોસિયેશને 2003માં કરેલા લઘુ ઉદ્યોગના સર્વેક્ષણે તેનાં નબળાં પાસાંઓ પ્રતિ ધ્યાન દોર્યું છે. તેમાં અપૂરતું મૂડીરોકાણ, અદ્યતન તકનીકી માહિતીનો અભાવ, અપૂરતાં ધિરાણો અને તેમાં પણ ઢીલાશ, વ્યાપારને લગતી તેમજ બજારની અધૂરી માહિતી, કામદારોમાં ક્ષમતાનો અભાવ, નબળી પ્રચારશક્તિ, ઇન્સ્પેક્ટરરાજ્ય અને અપૂરતી આંતરમાળખાકીય સવલતોને ખાસ મહત્વનાં ગણ્યાં છે. અંકુશમુક્તિ અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં લઘુ ઉદ્યોગોને સ્પર્ધાત્મક બનાવી અર્થક્ષમ કરવા માટે તેમના વિકાસની રુકાવટોને શક્ય તેટલી ઓછી કરવાની નીતિ જ તેને દેશના ઔદ્યોગિક વિકાસમાં ગણનાપાત્ર ફાળો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી શકશે. સર્વેક્ષણ દરમિયાન લઘુ એકમોનાં મંતવ્યો અનુસાર તેમની મુશ્કેલીઓમાં 70 % બજાર-આધારિત, 25 % નાણાકીય, 12.78 % સરકારની નીતિઓ, 13.2 % કારીગરોની ઉદાસીનતા, 14 % ઊર્જા, 14.6 % તકનીકી તેમજ આંતરમાળખાકીય સવલતોને લગતી હતી. અભ્યાસ દર્શાવે છે કે લઘુ ઉદ્યોગ ઠીક ઠીક વિકાસ કરી રહ્યો છે તેવી પ્રચલિત માન્યતા વિરુદ્ધ છેલ્લાં 5 વર્ષોમાં તેમાં ઘટાડો થયો છે. તેમાં દક્ષિણ વિભાગે થોડી વૃદ્ધિ મેળવી છે ખરી, પરંતુ પશ્ચિમ વિભાગે નજીવો વિકાસ કર્યો છે. જ્યારે ઉત્તર અને પૂર્વ વિભાગોએ ગણનાપાત્ર ખોટ અનુભવી છે. લઘુ ઉદ્યોગોને સ્પર્ધાત્મક અને અર્થક્ષમ કરવા માટે નવીન તકનીકી, મોટા ઉદ્યોગોના સહાયક એકમો તરીકેની કામગીરી અને આરક્ષણને બદલે ગ્રાહકોની માગ અનુસાર ઉત્પાદન દેશ તેમજ વિદેશમાં સહાયરૂપ થઈ શકશે.

છેલ્લાં પચાસ વર્ષોમાં લઘુ ઉદ્યોગોએ ખાસ કરીને પારંપરિક ઉદ્યોગોએ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી હોય તેમ જાણવા મળતું નથી. લઘુ ઉદ્યોગ-સાહસિકોએ વસ્તુઓની ગુણવત્તામાં સુધારો કરી ઉત્પાદનવૃદ્ધિ મેળવી એકમોને અર્થક્ષમ બનાવી સ્વનિર્ભર થવાની આવશ્યકતા છે.

જિગીશ દેરાસરી