લઘુગ્રહોનું ઉત્ખનન : પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિમાંથી મળતી કીમતી ધાતુઓનો જથ્થો ઝડપથી ખૂટતો જતો હોઈ, આ પરિસ્થિતિમાં લઘુગ્રહોનું ઉત્ખનન કરીને એવી ધાતુઓ મેળવવા અંગેની એક કાલ્પનિક યોજના. અંતરીક્ષમાં અથવા ચંદ્ર પર માનવ-વસાહત તૈયાર કરવા અંગે વૈજ્ઞાનિક અને ટૅકનિકલ દૃષ્ટિબિંદુઓને લક્ષમાં રાખીને કેટલીક કાલ્પનિક યોજનાઓ વિચારવામાં આવી છે. તેવી જ રીતે લઘુગ્રહોના ઉત્ખનન અંગે પણ એવી યોજનાઓ વિચારીને ઘણું કાર્ય કરવામાં આવ્યું છે.

બધા લઘુગ્રહો ખડકાળ પિંડના રૂપના હોય છે; જેમનાં કદ મીટર કે કિલોમીટરથી માંડીને સેંકડો કિમી. જેટલાં હોય છે. મોટા ભાગના લઘુગ્રહોનાં રાસાયણિક બંધારણ વિશે માહિતી ઉપલબ્ધ છે, જે પૃથ્વીના ઉપલા પડના બંધારણના જેવી જ છે. એટલે કે તેમાં સિલિકોન, લોખંડ, કૅલ્શિયમ ઑક્સાઇડ વગેરે હોય છે. 20 ટકા લઘુગ્રહો કાર્બોનેસિયસ કૉન્ડ્રાઇટ પ્રકારના હોય છે, જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, પાણી તથા અન્ય બાષ્પશીલ પદાર્થો હોય છે. અહીં એક રસપ્રદ હકીકતની નોંધ લેવી જોઈએ : અંતરીક્ષ-યુગ શરૂ થયો તેનાં લગભગ પચાસ વર્ષો પહેલાં અમેરિકાના રૉકેટ-નિષ્ણાત રૉબર્ટ ગૉડાર્ડે વિચાર્યું હતું કે અંતરીક્ષ-પ્રવાસ માટે લઘુગ્રહોમાંથી પાણી મેળવીને તેમાંના હાઇડ્રોજન અને ઑક્સિજનનો રૉકેટના બળતણ તરીકે ઉપયોગ કરી શકાય.

જે લઘુગ્રહોના બંધારણમાં મુખ્યત્વે લોખંડ છે, એવા લઘુગ્રહો કાચી ધાતુઓે મેળવવા માટે સૌથી મહત્વના ગણી શકાય. જોકે આવા લઘુગ્રહોનું પ્રમાણ ફક્ત ત્રણ ટકા જ છે, પરંતુ એવા લઘુગ્રહોની કુલ સંખ્યા ઘણી મોટી છે. આથી તેમાંથી પુષ્કળ પ્રમાણમાં લોખંડ, નિકલ તથા ક્રોમિયમ મળી શકે તથા અતિ મૂલ્યવાન સોનું તથા પ્લૅટિનમ પણ મળવાની સંભાવના છે. આવી ધાતુઓનું આર્થિક અને ટૅકનિકલ દૃષ્ટિએ ઘણું ઊંચું મૂલ્ય હોય છે; દા.ત., એક કિમી. કદના નાના લઘુગ્રહમાંથી લગભગ દસ અબજ ટન લોખંડ મળી શકે, જે બાર વર્ષના પૃથ્વી પરના કુલ ઉત્પાદન જેટલું છે. આ ઉપરાંત, એવા લઘુગ્રહમાંથી એક અબજ ટન નિકલ, એક લાખ ટન પ્લૅટિનમ તથા દસ હજાર ટન સોનું મળી શકે. વર્ષ 2000ના ભાવ પ્રમાણે આ ધાતુઓનું મૂલ્ય 1,000 અબજ ડૉલર જેટલું થાય છે.

બધા લઘુગ્રહોમાંથી મળતી આ પ્રકારની ધાતુઓનો કુલ જથ્થો એટલો બધો વિપુલ છે કે જો તેનું ઉત્ખનન શક્ય બને તો તેની કિંમતમાં ધરખમ ઘટાડો થાય તેવો સંભવ છે. આ ઉપરાંત, વિવિધ ટૅકનૉલૉજીનાં ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધે તેવી પણ શક્યતા રહેલી છે; દા.ત., ઉચ્ચ વિદ્યુત-વાહકતાને કારણે સોનાનો ઉપયોગ વિદ્યુત-ઉપકરણોમાં કરી શકાય.

ટૅકનૉલૉજીની દૃષ્ટિએ લઘુગ્રહોના મુખ્ય પટ્ટામાંના લઘુગ્રહો ઉપર પહોંચવું અઘરું છે, પરંતુ પૃથ્વીથી નજીકના લઘુગ્રહો (Near Earth Asteroids – NEA) ઉપર પહોંચવું પ્રમાણમાં વધારે સરળ છે. 17 ફેબ્રુઆરી, 1997ના દિવસે ‘નાસા’નું NEAR (Near Earth Asteroid Rendevouz) અંતરીક્ષયાન પૃથ્વીથી 30 કરોડ કિમી. દૂરના ઈરૉસ (Eros) લઘુગ્રહના અન્વેષણ માટે પ્રમોચિત કરવામાં આવ્યું હતું. આ અંતરીક્ષયાનના નામ સાથે પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી (સ્વ.) શૂમેકરનું નામ જોડીને તેને NEAR–Shoemaker નામ આપવામાં આવ્યું હતું.

NEAR–Shoemaker અંતરીક્ષયાનને ‘ઈરૉસ’ નામના લઘુગ્રહની સપાટી પર 14 ફેબ્રુઆરી, 2000ના રોજ ઉતારવામાં આવ્યું હતું. ‘ઈરૉસ’ પૃથ્વીથી નજીકનો એક નાનો લઘુગ્રહ છે, જેનું કદ 33 કિમી. × 13 કિમી. જેટલું છે.

પૃથ્વીથી નજીકના લઘુગ્રહોમાંનો કોઈ લઘુગ્રહ ભવિષ્યમાં પૃથ્વી સાથે ટકરાય એવી સંભાવના રહે છે. આથી એવા નજીકના લઘુગ્રહોનું ઉત્ખનન શક્ય બને તો પૃથ્વી સાથે તેના ટકરાવાની સંભવિતતા પણ ટાળી શકાય, જે એક આડકતરો લાભ ગણી શકાય.

ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતાં લઘુગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ ઘણું જ ઓછું હોય છે; આથી લઘુગ્રહોની સપાટી પરથી ઉત્ખનન દ્વારા મેળવાયેલી કાચી ધાતુ અંતરીક્ષમાં અન્ય સ્થાન ઉપર લઈ જવા માટે ઘણા ઓછા બળતણની જરૂર પડે – આ પણ એક વિશિષ્ટ લાભ ગણી શકાય.

લઘુગ્રહોની સપાટી જો બરડ હોય તો તેના ઉત્ખનનકાર્યમાં ઘણી મુશ્કેલી પડે એ સમજી શકાય તેમ છે. આ સંદર્ભમાં નોંધવું જોઈએ કે NEARS–hoemaker અંતરીક્ષયાન ‘ઈરૉસ’ લઘુગ્રહ પર સરળતાથી ઊતરી શક્યું હતું, જે બતાવે છે કે લઘુગ્રહની સપાટી કઠણ હોય છે. અંતમાં, લઘુગ્રહોના ઉત્ખનનકાર્યમાં માનવવિહીન રોબૉટનો ઉપયોગ ભવિષ્યમાં થાય એવી શક્યતા છે. અને એવું થશે તો તે એક મહત્વનું પગલું ગણાશે.

પરંતપ પાઠક