લક્ષ્મીનારાયણ રસ : એક આયુર્વેદિક ઔષધિ. યોગરત્નાકર, રસતંત્રસાર અને સિદ્ધયોગસંગ્રહમાં તેની નિર્માણવિધિનું નિરૂપણ છે. ઔષધઘટકો : શુદ્ધ હિંગળોક, અભ્રકભસ્મ, શુદ્ધ ગંધક, ફુલાવેલ ટંકણખાર, શુદ્ધ વછનાગ, નગોડનાં બીજ, અતિવિષ, લીંડીપીપર, સિંધાલૂણ અને કડાછાલ – આ 10 દ્રવ્યો સમભાગે લેવાય છે. પ્રથમ ખરલમાં હિંગળોક અને ગંધકને બારીક રીતે ઘૂંટવામાં આવે છે. વછનાગને બીજા ખરલમાં પાણી નાંખી ઘૂંટાય છે. પછી તે બંનેને સાથે મેળવી ખરલ કરીને અન્ય ઔષધોનું બારીક ચૂર્ણ તેમાં મેળવી ફરીથી ખરલમાં ખૂબ ઘૂંટાઈ કરવામાં આવે છે. તે પછી તેને દંતીમૂળ અને ત્રિફળાના ઉકાળાની વારાફરતી 3–3 ભાવનાઓ અપાય છે. પછી પાછી ખૂબ ઘૂંટીને તેની 1–1 રતી (ચણોઠીભાર, 113 મિગ્રા.ની) ગોળીઓ બનાવી શીશીમાં ભરી લેવાય છે.
દર્દના પ્રકાર અને દોષ તથા બળ અનુસાર જરૂર પડ્યે વયસ્ક્ધો 1થી 2 ગોળી ગરમ પાણી, દૂધ કે આદુના રસ અથવા તુલસીના રસ સાથે અને મધ સાથે અપાય છે.
ઉપયોગ : વાયુનાં દર્દોમાં ખૂબ પ્રભાવશાળી રીતે વપરાતી, વૈદ્યોની આ એક ખાસ પ્રિય ઔષધિ છે. તે રસદુષ્ટ જ્વર, સન્નિપાત તાવ, વિષૂચિકા (કૉલેરા), વિષમજ્વર (મલેરિયાના તાવો), ઝાડા, સંગ્રહણી, રક્તાતિસાર, પ્રમેહ, શૂળ, સૂતિકારોગ, વાતવ્યાધિઓ અને બાળકોના ધનુર્વાત (ટીટનસ) રોગનો નાશ કરનાર શક્તિશાળી દવા છે.
આ રસાયન ઔષધિમાં તાવનાશક, પરસેવો લાવનાર, ઝાડાનાશક અને વાયુ તથા કફદોષનાશક ખાસ ગુણો છે. આ ઔષધિ સૂક્ષ્મ કીટાણુ(બૅક્ટેરિયા)નાશક પણ છે. અનુભવી વૈદ્યો તેનો દુષ્ટજ્વર, ગ્રહણી, વિષમજ્વર, સન્તત જ્વર, શૂળ અને સન્નિપાતજ (ત્રિદોષજ) તાવમાં કે પ્રલાપની સ્થિતિમાં ખાસ ઉપયોગ કરે છે. તે ઉપરાંત સ્ત્રીઓને પ્રસૂતિ આવ્યા પછી આવતા સૂતિકાજ્વરનો તે અવશ્ય નાશ કરે છે. આ રસ આમ-વિષ તથા વાત-કફજ શૂળનો પણ નાશ કરે છે. નબળા હૃદયવાળા દર્દીને આ દવા સાવધાનીથી અપાવી જોઈએ. ધનુર્વા, આંચકી, તાણ જેવા વાયુના રોગોની શાંતિ માટે તથા અનિયમિત અને ફરી ફરી આવતા તાવમાં તેનો ઉપયોગ પિત્તશાંતિ માટે થાય છે. આ ઔષધિ ગ્રહણી, સોજા, ખાંસી, શ્વાસ, ઉગ્રતાપ (ગરમી), ઉદરશૂળ, ફેફસાંનો સોજો, ન્યુમોનિયા (શ્વસન-જ્વર), ફ્લૂ (વાત-કફજ્વર) અને પ્રસૂતાના સનેપાતમાં ખાસ લાભ કરે છે. આ રસ હૃદયનું રક્ષણ કરે છે અને ટાઇફૉઇડ(આંત્રિક જ્વર)ના પ્રથમ સપ્તાહમાં પ્રવાલપિષ્ટિ સાથે તે લેવાથી લાભ થાય છે. ટાઇફૉઇડ તાવના બીજા-ત્રીજા સપ્તાહમાં દુર્ગંધ મારતા ઝાડા સાથે, તાવ 104 થી 105 ડિગ્રી સુધી વધી જાય ત્યારે આ દવા મધુરાંતક વટી તથા પ્રવાલપિષ્ટિ સાથે મધ સાથે દિનમાં 3 વાર આપવાથી લાભ થાય છે. વારંવાર થોડા થોડા દિવસે અનિયમિત આવનારા પરિવર્તન તાવમાં જો પિત્ત(ગરમીના)દોષની પ્રધાનતા જણાતી હોય (કે જેમાં શરૂઆતમાં એકદમ ઠંડી લાગી તાવ આવે અને તે સાથે તરસ, બેચેની, દાહ, માથામાં દર્દ જેવા ઉપદ્રવો હોય) ત્યારે લક્ષ્મીનારાયણ રસ ઉત્તમ ફાયદો કરે છે. તીવ્ર (ભારે) તાવ પછી સંગ્રહણી થાય ત્યારે તેની પર આ રસની સાથે કનકસુંદર રસ આપવાથી લાભ થાય છે. સંક્ષેપમાં, લક્ષ્મીનારાયણ રસથી ખાસ કરીને આંતરડાં, યકૃત (લિવર) અને બરોળ પર તથા રસ, રક્ત, માંસ અને ત્વચાના સ્વેદપિંડો પર સારી અસર થાય છે. પિત્તદોષની તીવ્રતાના શમન માટે આ રસ ઉપયોગી છે.
બળદેવપ્રસાદ પનારા