લક્ષ્મીનરસિંહમુ, ચિલકમાર્તી

January, 2004

લક્ષ્મીનરસિંહમુ, ચિલકમાર્તી (જ. 1867, ખાંડવલ્લી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ; અ. 1946) : તેલુગુ અને સંસ્કૃત નાટ્યકાર તથા નવલકથાકાર. 1886માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. પછી દૃષ્ટિની અત્યંત ખામીને કારણે કૉલેજ-અભ્યાસ છોડવો પડ્યો; પરંતુ તેમની યાદશક્તિ અજબની હતી, જે તેમની મૂલ્યવાન સંપત્તિ પુરવાર થઈ. તેમણે લોકો મારફત બંને  તેલુગુ અને સંસ્કૃતના પ્રશિષ્ટ ગ્રંથો વંચાવ્યા અને થોડા વખતમાં વિદ્વાન તરીકે પ્રતિષ્ઠિત થયા.

નાટકના ઉત્સાહી ચાહક આઈ. હનુમંતરાવની પ્રેરણાથી તેમણે પ્રથમ ગદ્યનાટક ‘કીચકવધ’ રચ્યું. ત્યારબાદ ‘દ્રૌપદીપરિણયમ્’, ‘શ્રીરામજનનમ્’, ‘ગાયોપાખ્યાનમ્ પારિજાતપહરનમ્’ ‘નલચરિત્રમ્’, ‘સીતાકલ્યાણયનમ્’ જેવાં બીજાં ગદ્ય નાટકો આપ્યાં. તેમાં પાછળથી કાવ્યતત્વનો ઉમેરો કર્યો. તેમણે સંસ્કૃતમાંથી ‘પાર્વતીપરિણયમ્’ અને ભાસનાં 13 નાટકો અનૂદિત કર્યાં છે.

‘રામચંદ્રવિજયમ્’ નવલકથા માટે તેઓ સ્પર્ધામાં ઇનામને પાત્ર ઠરતાં તેઓ નવલકથા તરફ વળ્યા અને શ્રેણીબંધ નવલકથાઓ રચી; જેમ કે, ‘હેમલતા’, ‘અહલ્યાબાઈ’, ‘કર્પૂરમંજરી’, ‘સૌંદર્યતિલક’, ‘સુધા શરશ્ચન્દ્રમુ’, ‘કૃષ્ણવેણી’, ‘મણિમંજરી’ અને ‘ગણપતિ’. તેમાંની કેટલીક પૌરાણિક તો કેટલીક સામાજિક છે. સર વૉલ્ટર સ્કૉટ તેમનો આદર્શ હતો, તેથી તેઓ ‘આંધ્ર સ્કૉટ’ તરીકે ઓળખાવા લાગ્યા.

તેમણે ‘મનોરમા’, ‘દેશમાતા’ અને ‘સરસ્વતી’ – એ ત્રણ સામયિકોનું સંપાદન પણ સંભાળ્યું હતું. તેઓ ભારતમાં બ્રિટિશ શાસકોનાં ભયંકર દુષ્ટ કૃત્યોની નીડરપણે ટીકા કરતા હતા. તેમણે લખાણમાં ‘ગ્રંથિકા શૈલી’(પ્રશિષ્ટ શૈલી)ને ઉત્તેજન આપીને ‘રાજસ્થાન કથાવલી’, ‘મહાપુરુષુલા જીવિત-ચરિત્ર’ (‘લાઇવ્ઝ ઑવ્ ગ્રેટ મેન’) અને ‘ધર્મવિજયમુ’ જેવી કૃતિઓ રચી, આ ઉપરાંત તેમણે ઘણાં પ્રહસનો અને વિડંબનાત્મક કૃતિઓ પણ પ્રગટ કર્યાં. તેમણે ‘રાજા રામમોહન રાય’ નામથી નીચલા વર્ગો માટે મફત શિક્ષણ આપતી શાળા સ્થાપી, વળી અન્ય બે શાળાઓ શરૂ કરી. શિક્ષણશાસ્ત્રી તરીકે પણ તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

1922માં તેમણે તેલુગુમાં ઋગ્વેદનો એક મંડળ સુધી અનુવાદ કર્યો. 1928માં તેમની ષષ્ટિપૂર્તિ ઊજવાઈ ત્યારે તેમની કૃતિઓ 10 ગ્રંથોમાં પ્રગટ કરાઈ. ‘લૂલયશતકમ્’ (100 કાવ્યો) કાવ્યસંગ્રહમાં તેમનું વ્યક્તિત્વ અભિવ્યક્ત થાય છે. 1943માં આંધ્ર યુનિવર્સિટીએ તેમને ‘કલાપ્રપૂર્ણ’ની પદવી એનાયત કરી હતી. તેઓ તેમના માર્ગદર્શક વીરેશલિંગમની જેમ સ્ત્રીશિક્ષણના ભારે હિમાયતી હતા.

બળદેવભાઈ કનીજિયા