લક્ષ્મીકાન્તમ્મા, ઉતુફુરી (જ. 1917) : તેલુગુનાં સર્વતોમુખી લેખિકા અને પ્રભાવક વક્તા. બાલસાહિત્યના ક્ષેત્રે અગ્રણી એવા તેમના પિતા નાલમ કૃષ્ણરાવ પાસેથી તેમને સાહિત્યનો વારસો મળ્યો હતો. બાળપણથી તેમણે સંગીત અને ચિત્રકામ જેવી લલિત કલાઓમાં ખૂબ રસ લીધો. તેમણે સંસ્કૃતમાં પ્રવીણતા મેળવી અને વિશેષ યોગ્યતા સાથે બંનેમાં ‘ભાષાપ્રવીણ’ની પરીક્ષા પાસ કરી.
યુવાન વયે તેઓ રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ અને શ્રી અરવિંદના તત્વજ્ઞાનથી પ્રભાવિત થયાં હતાં. તેમનાં લગ્ન 13મે વર્ષે સંસ્કારી પરિવારના ઍડ્વોકેટ હયગ્રીવ ગુપ્તા સાથે થયાં હતાં. તેમના લગ્નજીવન દરમિયાન તેમને તેમનાં કલાભિમુખતા, સાહિત્યિક પ્રતિભા અને ઉદાર દૃષ્ટિકોણને સંપૂર્ણ ઉત્તેજન મળી રહ્યું.
અત્યાર સુધીમાં તેમણે 12 ગ્રંથો આપ્યા છે. તેમણે ગદ્ય, પદ્ય અને નાટકો પર હાથ અજમાવ્યો છે. મહિલા અધિકારોનાં સમર્થક તરીકે અનેક ક્ષેત્રોમાં તેમણે યશસ્વી કામગીરી કરી. તેમણે આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિનાં સભ્ય તરીકે ફરજ બજાવી હતી અને લેખિકાઓને ખાસ ઍવૉર્ડ આપવાની અને મહિલાઓની પરિષદો રાખવાની યોજના અંગે જહેમત ઉઠાવી. કેટલાક પશ્ચિમના દેશોની મુલાકાત લઈ ત્યાં ભારતીય નારીત્વની કીર્તિ વધારી. 1953માં તેમના ગ્રંથ ‘પોએટેસિઝ ઑવ્ આંધ્ર’ને વ્યાપક માન્યતા મળી અને તેને તેલુગુ ભાષા સમિતિ, ચેન્નાઈ તરફથી ઇનામ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ તેમણે ભારતની લેખિકાઓ વિશે એક ગ્રંથ પણ પ્રગટ કર્યો.
બળદેવભાઈ કનીજિયા