લક્ષ્મી (જ. 1921, જિલ્લો તિરુચિરાપલ્લી, તામિલનાડુ; અ. 1987) : તમિળ ભાષાનાં નવલકથાકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ ત્રિપુરસુંદરી હતું. તેમનું શરૂઆતનું શિક્ષણ હોલી ક્રૉસ કૉલેજ ખાતે થયું. તે પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી તેમણે એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરી.
તેમને તેમની નવલકથા ‘ઓરુ કાવેરિયે પોલ’ માટે 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. માત્ર 14 વર્ષની વયે તેમણે ‘લક્ષ્મી’ ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખવી શરૂ કરી. પછી તેઓ નવલકથા તરફ વળ્યાં, અને ‘ભવાની’ નામક પ્રથમ નવલકથા પ્રગટ કરી. ડૉક્ટર તરીકેના તેમના અનુભવોના નિચોડ રૂપે તેમણે એક સર્જને અનુભવેલી આકસ્મિક ઘટનાઓને તેમાં વણી લીધી છે.
તેમણે આશરે 200 નવલકથાઓ અને 1,000 ટૂંકી વાર્તાઓ આપી છે. તે ઉપરાંત તબીબી ચિકિત્સાવિષયક કેટલાક નિબંધો પ્રગટ કર્યા છે. તેમની બે નવલકથાઓ પરથી ફિલ્મોનું નિર્માણ કરાયું હતું. તેમની નવલકથાઓમાં શરતચંદ્ર ચૅટરજીની નવલકથાઓનો પ્રભાવ જોવા મળે છે. તમિળ લેખક કલ્કિ તેમના ગુરુ અને વાર્તાઓના સર્જનમાં તેમના માર્ગદર્શક ગણાતા હતા. તેમની કેટલીક કૃતિઓના અનુવાદ અન્ય ભાષાઓમાં થયા છે.
તેમના 22 વર્ષના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન તેમણે ત્યાં વસતા ભારતીય સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાંની રંગભેદની નીતિના તેમને થયેલા અનુભવો તેમના સર્જનાત્મક વ્યક્તિત્વઘડતરનું એક પાસું બની ગયા લાગે છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ઓરુ કાવેરિયે પોલ’ તેમની નવીનતમ નવલકથા છે. તેમાં દક્ષિણ આફ્રિકામાં જન્મેલી ભારતીય કન્યાને ભારતના પ્રવાસ દરમિયાન માતૃભૂમિ માટે સેવેલાં સ્વપ્નોને રોળી નાખતા જે સંઘર્ષો સહન કરવા પડ્યા તેનું તાદૃશ ચિત્રાંકન છે. સ્ત્રીઓની યાતના પ્રત્યેની તેમની ઊંડી સહાનુભૂતિ જોવા મળે છે. વાસ્તવનિષ્ઠ વૃત્તાન્ત, ઓજસ્વી કથનશૈલી તથા દક્ષિણ આફ્રિકાના પ્રવાસી તમિળવાસીઓના જીવનના માર્મિક ચિત્રણના કારણે આ કૃતિ સમકાલીન તમિળ સાહિત્યમાં એક અનુપમ પ્રદાન મનાય છે.
બળદેવભાઈ કનીજિયા