લક્ષર : અપર ઇજિપ્તમાં નાઇલ નદીની પૂર્વમાં આવેલું નગર. તે પ્રાચીન થીબ્ઝના સ્થાને આવેલું છે. તેની નજીકમાં ભવ્ય મંદિરો તથા કબરો આવેલાં હોવાથી તે મહત્વનું પ્રવાસનું કેન્દ્ર બન્યું છે. ફેરોનું કબ્રસ્તાન ‘વેલી ઑવ્ ધ ટૉમ્બ્સ ઑવ્ ધ કિંગ્ઝ’ તરીકે જાણીતું છે. તેમાંની સૌથી મોટી તુતનખામનની કબર 1922માં શોધવામાં આવી હતી.
ઇજિપ્તમાં બે સૌથી જાણીતાં મંદિરો લક્ષર અને કર્ણાકનાં છે. લક્ષરનું મંદિર એમનહોટપ ત્રીજાએ બંધાવ્યું હતું. તેને શણગારવાનું કાર્ય તુતનખામને પૂરું કરાવ્યું હતું અને રામસેસ બીજાએ તેમાં કેટલીક સગવડો વધારી હતી. ઈ. સ. 1883માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. એમનહોટપે લક્ષરમાં બીજાં ત્રણ મંદિરો પણ બંધાવ્યાં હતાં. લક્ષરનું મંદિર સ્તંભોની લાંબી હારવાળું અને સ્થાપત્યકલાના શ્રેષ્ઠ નમૂનારૂપ હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી