લક્ષદ્વીપ (ટાપુઓ)
ભૌગોલિક સ્થાન : તે આશરે 8થી 12 ઉ. અ. અને 71થી 74 45´ પૂ. રે. વચ્ચેનો આશરે 32.64 ચો.કિમી. ભૂમિવિસ્તાર આવરી લે છે. ભારતના નૈઋત્ય કિનારાથી દૂર અરબીસમુદ્રમાં આવેલા પરવાળાંના નાનામોટા કુલ 36 જેટલા ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ. આ ટાપુઓને વહીવટી દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ટાપુસમૂહની મધ્યમાં અમીનદીવ ટાપુ આવેલો છે. લક્ષદ્વીપ ટાપુઓ પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે લખદીવ સમુદ્ર વચ્ચે આવેલાં છે. ભારતના ભૂમિભાગથી (મલબાર તટ)તે આશરે 220થી 440 કિમી. દૂર જુદા જુદા અંતરે સ્થિત છે. આ ટાપુઓમાં ફક્ત 10 (અગાત્તી, અમીની, આન્દ્રોત, બિત્રા, ચેતલાત, કદમાત, કાલપેની, કવરાત્તી, કિલતાન અને મિનિકૉય) ટાપુઓ ઉપર જ વસ્તી વસવાટ કરે છે. આધારકાર્ડ મુજબ વસ્તી 71,218(2023) છે. આ ટાપુઓના કિનારાની લંબાઈ 120 કિમી. છે. લગૂન (ખાડી સરોવર) સાથે વિસ્તાર આશરે 4,200 ચો.કિમી. છે. ટાપુઓની હકૂમત હેઠળનો જળવિસ્તાર 20,000 ચો.કિમી. છે. ભારતનો ‘Economic Zone’નો જળવિસ્તાર 41,00,000 ચો.કિમી. છે. આ કેન્દ્રશાસિત પ્રદેશનો એક જ જિલ્લો છે. તેનું વહીવટી મથક કરાવતી છે.
ભૂપૃષ્ઠ : એમ કહેવાય છે કે રાજસ્થાન-ગુજરાતની અરવલ્લી રચનાની રેખીય વિસ્તરણ દિશામાં જ આ ટાપુઓ આવેલા છે. આ ટાપુઓના નિર્માણ માટે સમુદ્રશાસ્ત્રીઓ અસમંજસતા અનુભવે છે. તેમ છતાં ચાર્લ્સ ડાર્વિને 1842માં જણાવ્યું હતું કે ભૂતકાળમાં સમુદ્રના પેટાળમાં રહેલા જ્વાળામુખી પર્વતો ઊંચકાયા હશે અને તેના ઉપર પરવાળાં (પ્રવાલ) નિર્માણ પામ્યાં હશે અને તેઓ નાના નાના ટાપુઓ તરીકે આજે જોવા મળે છે. આ પરવાળાનાં નિર્માણમાં સમુદ્રની ‘પોલિપ’ સૂક્ષ્મ દરિયાઈ જીવોનો ફાળો મહત્વનો છે. તેણે દરિયાના પાણીમાં ભળેલો ચૂનો તારવીને પોતાના આવાસ બનાવવા આ લૂગદી બનાવી હશે. લાખો વર્ષો સુધી આ રચના થતી રહી હશે. તેના ઉપર પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા હશે, પવનને કારણે વનસ્પતિનાં બીજ નિક્ષેપિત થયાં હશે. સમય જતાં તે અંકુરિત પામ્યાં હશે તેને આપણે આજે ટાપુ તરીકે ઓળખીએ છીએ. આ ટાપુઓ 1.5થી 2 કિમી.થી વધુ પહોળાઈ ધરાવતા નથી. મોટા ભાગના ટાપુઓ ઊંધી મૂકેલી રકાબી જેવા છીછરા છે.
આ ટાપુસમૂહના કંકણાકાર પરવાળાંના દ્વીપો તેમના વિકાસની જુદી જુદી કક્ષાઓ દર્શાવે છે. ચેરિયાપાની, પેરુમલપાર અને સુહેલીના પરવાળાનાં દ્વીપો વિકાસની પ્રારંભિક કક્ષા, કાલપેની, કવરાત્તી, અગાત્તી અને કદમાતના પરવાળાંના દ્વીપો વિકાસની મધ્યમકક્ષા તથા ચેતલાત અને કિલતાનના પરવાળાંના દ્વીપો વિકાસની લગભગ પૂર્ણ કક્ષા દર્શાવે છે. પૂર્વ તરફના ટાપુઓનો વિકાસ કેટલાંક પરિબળોને કારણે અવરોધાયેલો હોય તેમ જણાય છે. અહીં કોઈ પણ પ્રકારનાં જંગલો આવેલાં નથી. અહીંના કંકણાકાર પરવાળાંના ટાપુઓ (Atolls) ફૉસ્ફેટ-નિક્ષેપોથી સમૃદ્ધ છે. તેમાંનું P2O5 કેટલાક ટાપુઓ પર 13.4 % જેટલું તો કેટલાક ટાપુઓ પર 11થી 21.5 % જેટલું છે. આ ટાપુસમૂહોમાં ફૉસ્ફેટનો કુલ અનામત જથ્થો આશરે 1.2 લાખ ટન જેટલો છે. આ ઉપરાંત ભારતીય સર્વેક્ષણ ખાતાએ કરેલી મોજણી મુજબ અહીંનાં લગૂન/ખાડી સરોવરોમાં CaCO3 (કેલ્શિયમ કાર્બોનેટ)ના વિપુલ જથ્થા પણ છે.
આ લક્ષદ્વીપની બીજી મહત્વની ભૌગોલિક લાક્ષણિકતા ‘લગૂન’/ખાડી-સરોવર છે. રેત તેમજ મૃત પરવાળાંથી સહેજ ઊંચી દીવાલ સ્વરૂપે રચાતી આડશને કારણે ભરતીનું પાણી જેમાં સંગ્રહ પામે છે તેવાં આ કુદરતી ખારા પાણીનાં સરોવર પણ જોવા મળે છે.
આબોહવા : આ ટાપુઓની આબોહવા અયનવૃત્તીય છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાનમાં વિશેષ તફાવત જોવા મળતો નથી. અહીંના ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 22 સે. થી 35 સે. અને 20 સે.થી 32 સે. જેટલાં રહે છે. ઑક્ટોબર-નવેમ્બર માસમાં ફૂંકાતા ઈશાની પવનો હળવાં માવઠાં આપી જાય છે અને ટાપુઓના હવામાનને ઠંડું પાડે છે. કેટલીક વાર અરબી સમુદ્ર ઉપર ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ઉદભવે છે ત્યારે આ ટાપુઓ ઉપર તેની અસર અનુભવાય છે.
વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : આ ટાપુઓ પર જંગલ નથી, પરંતુ 400 પ્રકારનાં ફૂલોના છોડ જોવા મળે છે. અહીં ત્રણ પ્રકારનાં સામુદ્રિક ઘાસ, સમુદ્રની ભાજી, બિલાડીના ટોપ (fungi), લીલ, શેવાળનું પ્રમાણ અધિક છે. નાળિયેરી જેવાં અનેક ‘પામ’ વૃક્ષો પણ છે.
સામુદ્રિક વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા
સામુદ્રિક પ્રાણીઓની વિવિધતા આ ટાપુઓના જળવિસ્તારમાં જોવા મળે છે. જેમાં વહેલનું પ્રમાણ અધિક છે. ખાસ કરીને પિગ્મી બ્લૂ (Pygmy blue), બ્રાઈડે (Bryde), સ્પર્મ (Sperm), ઓરકા (Orca) અને પાઇલટ વહેલ મુખ્ય છે. ડૉલ્ફિનમાં કૅટલ અને પૉલ્ટ્રી પણ છે. આ સિવાય સાર્ક, બોજાટોસ, ટયુના સ્નેપર્સ, ઊડતી માછલી (flying fish), માન્ટા રેપસ, ઑક્ટોપસ અને કાચબા પણ જોવા મળે છે
આ ટાપુઓ પર પક્ષીઓની 101 પ્રજાતિઓ પણ રહેલી છે જાણીતામાં બ્રાઉન નોડી (Brown noddy), સૂટી ટર્ન (Sooty tern) અને જળ પક્ષીઓમાં હેરોન્સ (Herons), ટેલ્સ અને ગુલ છે. આ દ્વીપસમૂહમાં આવેલો પીટી (Pitti) ટાપુને ‘પક્ષી અભયારણ’ તરીકે ઘોષિત કરેલ છે. મોટે ભાગે આ ટાપુનો કિનારો સામુદ્રિક કાચબાના સંવર્ધન માટે જાણીતો છે. બ્રાઉન નોડી પક્ષીઓનું પ્રમાણ અહીં વધુ છે.
અર્થતંત્ર : ખેતી અને ખેતી સાથે સંકળાયેલ ગૃહઉદ્યોગો, માછીમારી અને પ્રવાસન મુખ્ય છે. 2013ના વર્ષમાં 72 જેટલા કુટિરઉદ્યોગો, નાના અને મધ્યમ કક્ષાની ઇન્ડસ્ટ્રીઝ સ્થાપાયેલી હતી. જેમાં ખાસ કરીને ખાદ્ય પ્રકમણ અને ફર્નિચર બનાવવાના એકમો છે. અહીંથી કોપરાં, કાથીની અનેકવિધ પેદાશો અને મત્સ્યની નિકાસ થાય છે. આ સિવાય અહીંની ખેતીકીય પેદાશોમાં નાળિયેરી, સરગવાની શિંગ, કેળાં, અળવી, મરચાં (કૅપ્સિકમ), કાકડી, ટૅપિઑકા, મરી, ટમેટાં, પપૈયાં અને જામફળ પણ છે.
પ્રવાલદ્વીપોના ખવાણ-ઘસારાને કારણે ઉદભવેલી રેતાળ જમીન હોવાથી ઘાસના અભાવે પશુપાલન મોંઘું પડે છે. સરકારના પ્રયાસોથી ડેરી-એકમ, પશુચિકિત્સાલયો, મરઘાં-બતકાં પાલનના એકમો શરૂ થયા છે.
માછીમારી એ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. દર વર્ષે આશરે 21,000 ટન મત્સ્યનું ઉત્પાદન થાય છે. જેમાં 60 % જેટલું ટ્યુના મત્સ્ય છે. વ્યાપારિક ધોરણે મત્સ્ય પકડવાની પ્રવૃત્તિ 11 જેટલાં ટાપુઓ ઉપર થાય છે. આ મત્સ્ય પકડવા માટે યાંત્રિક બોટ અને પારંપરિક હોડીઓનો ઉપયોગ થાય છે. ટ્યુના મત્સ્યને હવાચુસ્ત ડબ્બામાં પૅકિંગ કરવાની ફૅક્ટરી જે સરકાર હસ્તક છે. મત્સ્યને લાંબા સમય સુધી સાચવી શકાય તે માટે શીતકેન્દ્રો પણ સ્થપાયા છે.
પ્રવાસન : લક્ષદ્વીપ ટાપુઓની સફર માણવી એ એક લ્હાવો છે. આ ટાપુઓનું કુદરતી સૌંદર્ય એટલું બધું આકર્ષક છે કે તેને અનેરા પર્યટન સ્થળ તરીકે માન્યતા મળી છે.
અહીંના જુદા જુદા ટાપુઓ પર મુસ્લિમ સંતો–ઓલિયાઓની કબરો આવેલી છે. આ પૈકી કલ્પેની ખાતેની 200 વર્ષ જૂની એહમદ ઓલિયાની કબર, 120 વર્ષ જૂની ચના-કા-કોજાની કબર, 200 વર્ષ જૂની અબૂસ અલીના પુત્ર કાયઇનહોની તથા 450 વર્ષ જૂની કોયાકુટ્ટી અલી ઉલ્લાની કબરો; આંદ્રોટ ખાતેની 300 વર્ષ જૂની સંત ઉબૈદુલ્લા(ર. અ.)ની અને 100 વર્ષ જૂની સંત સૈયદ મોહમ્મદ જલાલુદ્દીન બુખારીની કબરો તથા કવરાતી ખાતેની 300 વર્ષ જૂની સૈયદ મોહમ્મદ કાસિમની અને કવરાતી નજીકના નિર્જન ટાપુ સુહેલી (ચેરિયાકારા) પરની સૈયદ અબુબકર સીદી ઓલિયાના પુત્રની કબરો વધુ જાણીતી છે.
લક્ષદ્વીપ સમૂહના મોટાભાગના ટાપુઓ પરના પ્રવાલદ્વીપો નાળિયેરીનાં વૃક્ષોથી ઢંકાયેલા રહે છે. તેમાં ખાડી-સરોવરો છે. સૂર્યપ્રકાશમાં તેમાંથી ઊછળતાં રહેતાં પાણી અરબી સમુદ્રનાં ભૂરાં જળથી અલગ તરી આવે છે અને હીરાની જેમ ચમકે છે. આ ચમકનું અનેરું દૃશ્ય પ્રવાસીઓને આનંદ આપે છે. અહીં આવતા પ્રવાસીઓ તરવાની, ખાડી-સરોવરોમાં નૌકાસફર કરવાની, કાચના તળવાળી નૌકાઓમાં બેસીને જળ નીચેની પ્રવાલસૃષ્ટિ જોવાની મોજ માણે છે. અહીંનાં નિર્મળ જળ જોવા ભારતના અને વિદેશના ઘણા પ્રવાસીઓની અવરજવર રહે છે. અહીંના રેતીના રમણીય કંઠારપટ, તાડનાં ઝુંડ, દરિયાની રંગ બદલતી જળલહેરો અને જળશીકરોને કારણે લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. કવરાતીની કેટલીક મસ્જિદો સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન ગણાય છે. ઊજરા મસ્જિદની કાષ્ઠકોતરણી વિશેષ પ્રશંસનીય છે. પિત્તીનો ટાપુ પક્ષીઓના ટાપુ તરીકે જાણીતો છે. તેનો વિસ્તાર તો માત્ર 1.21 હેક્ટર જેટલો જ છે; તેમ છતાં અહીં હજારો પક્ષીઓ પ્રજનન માટે આવે છે. અહીં તેમના માળા હોતા નથી, પક્ષીઓ તેમનાં ઈંડાં રેતીમાં જ મૂકે છે અને ત્યાં જ સેવે છે. આ ટાપુ તદ્દન નિર્જન છે, ઘાસ પણ જોવા મળતું નથી. તેથી આ ટાપુ અભયારણ્ય સમાન ગણાય છે. કદમાતના ટાપુ પર એક વિશાળ ખાડી-સરોવર છે, તેનો ઉપયોગ તરવા માટે થાય છે. દૂર આવેલો મિનિકૉય ટાપુ બધા ટાપુઓમાં જુદો પડે છે. તેમાં નવાનક્કોર દેખાતા આવાસોમાં લાક્ષણિક રાચરચીલું જોવા મળે છે. મિનિકૉયની ભાષા માહલ (Mahl) પણ અલગ છે. અહીંનાં રંગબેરંગી પોશાકો, નૃત્યો, નૌકા-સ્પર્ધાઓ ખરેખર જોવા જેવાં હોય છે. ઐતિહાસિક દીવાદાંડી પણ આ ટાપુ પર જ છે.
2018ના વર્ષમાં 10,435 ભારતના પ્રવાસીઓએ અને 1,313 વિદેશી પ્રવાસીઓએ આ ટાપુઓની મુલાકાત લીધી હતી. બંગારામ અને કદમાત ટાપુઓ ઉપર પ્રવાસીઓ માટે વિવિધ સવલતો ઊભી કરવામાં આવી છે. કાચના તળિયાવાળી બોટ પણ ભાડે મળે છે. જેથી દરિયાઈ સૃષ્ટિને નરી આંખે નિહાળી શકાય. જેમાં રમતગમત પ્રવૃત્તિઓ જેવી કે સ્કુબા ડાઇવિંગ, પવન-સર્ફિંગ, સર્ફિંગ, ક્યાકિંગ, જળસ્કિઇંગ, કેનોઇંગ, સ્પૉર્ટ ફિશિંગ અને રાત્રિ દરમિયાન દરિયાઈ સહેલની સગવડતા પણ રહેલી છે. આ સુવિધાઓની સાથે અદ્યતન હોટેલ, કુટિરો પણ ઊભી કરવામાં આવી છે. જેમાં બૅંક, ચિકિત્સાલયો, માહિતી વિભાગ અને સંદેશાવ્યવહારની સગવડતા રાખવામાં આવી છે. વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ડીઝલ જનરેટરો અને સૂર્યઊર્જાના એકમો પણ સ્થપાયેલા છે. વિશ્વમાં સૌપ્રથમ પ્રયોગાત્મક સ્વરૂપે ‘low-temperature thermal desalination’ પ્રકલ્પ કવરાત્તી ટાપુ ઉપર સ્થાપવામાં આવ્યો છે. જેથી સમુદ્રના જળ દ્વારા વીજળી મેળવી શકાય. આ પ્રકલ્પ ‘National Institute of Ocean Technology’ દ્વારા કાર્યરત છે.
આ ટાપુઓ પર 2019 દરમિયાન 228 કિમી. લંબાઈ ધરાવતા માર્ગો નિર્માણ કરવામાં આવ્યા છે. 2023માં કોચીથી વિવિધ ટાપુઓ પર પહોંચવા સાત જહાજો સેવા આપે છે. 15 જેટલી દીવાદાંડીઓ આવેલી છે. 1885માં મિનિકૉય ટાપુ પર સૌપ્રથમ વાર અહીં દીવાદાંડી ઊભી કરવામાં આવી હતી, ભારતીય નૌકાદળનું ‘INS DWeeprakshak’ જહાજ પણ સેવા આપી રહ્યું છે. દરેક ટાપુઓ પર નાનાં બંદરો આવેલાં છે. અગાત્તી ટાપુ ઉપર આવેલું ‘અગાત્તી હવાઈ મથક’ હવાઈ સેવા માટે ઉપયોગમાં લેવાય છે. મુસાફરોની શારીરિક તકલીફ દરમિયાન ‘પવનહંસ’ હેલિકૉપ્ટર પણ સેવા આપે છે.
વસ્તી : લક્ષદ્વીપની વસ્તી 64,473 (2011) જેટલી છે. વસ્તી માત્ર દસ ટાપુઓ પર જ છે. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ 2001 મુજબ લગભગ સમાન (1000 : 947) છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા અનુક્રમે 31,118 અને 29,477 જેટલી છે. શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 1.25 : 1.00નું છે. વસ્તીવૃદ્ધિનો દર 1991થી 2001 દરમિયાન વાર્ષિક સરેરાશ 17 % જેટલો હતો, જ્યારે વસ્તીની ગીચતા અગાઉ જે દર ચોકિમી.દીઠ સરેરાશ 1,250 વ્યક્તિની હતી તે હવે દર ચોકિમી.દીઠ 1,899 જેટલી થઈ છે. વસ્તી પૈકીના કેટલાક લોકો મૂળ અરબ જાતિમાંથી ઊતરી આવેલા હોવાનું કહેવાય છે. મિનિકૉય ટાપુને બાદ કરતાં બાકીના બધા જ વસ્તીવાળા ટાપુઓમાં મલયાળમ ભાષા બોલાય છે, માત્ર મિનિકૉયમાં જ માહલ ભાષાનો ઉપયોગ થાય છે. આ માહલ (Mahl) ભાષા ઉર્દૂની જેમ જમણેથી ડાબે લખાય છે. પ્રવાસી માટે ભોમિયા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. અહીં હિન્દી ભાષાનો ઓછો ઉપયોગ થાય છે. સાતમી સદી સુધી અહીં હિન્દુઓ વસતા હતા, પરંતુ પછી પોર્ટુગીઝો અને ઇસ્લામી ધર્મપ્રચારકોના પ્રવેશ બાદ અહીંની લગભગ સો ટકા વસ્તી મુસ્લિમ છે. લક્ષદ્વીપના લગભગ બધા જ લોકો ઇસ્લામ ધર્મ પાળે છે, તેઓ સુન્ની મુસ્લિમો છે. અહેમદિયા અને વહાબીઓની વસ્તી તદ્દન અલ્પ સંખ્યામાં છે. ટાપુ પરના મુસ્લિમો તેમના રીતરિવાજો તથા પરંપરાઓ માટે રૂઢિચુસ્ત હોવા છતાં અન્ય લોકો પ્રત્યે ઉમદા વલણ ધરાવે છે. દરેક ટાપુ પર મસ્જિદો છે, પરંતુ તેમાં સ્ત્રીઓ માટે પ્રવેશનિષેધ છે. હિન્દુ, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધધર્મીઓની વસ્તી તેથી પણ ઓછી છે. આ ટાપુઓ પરના લોકો પ્રામાણિક હોઈ અહીં ગુનાઓનું પ્રમાણ નહિવત્ રહે છે. સ્ત્રીઓ અને બાળકો સુવર્ણના, મોતીના અલંકારો પહેરીને વિના ભય કે સંકોચ હરીફરી શકે છે. અહીંના લોકો તેમના રોજિંદા ખોરાકમાં ચોખા, શાકભાજી તથા પૅક ડબાઓમાંની ખાદ્ય ચીજો લે છે. તેમની રોજની જરૂરિયાતો દુકાનોમાંથી મેળવે છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 87.5 %, તબીબી સગવડો 86 %, પીવાના પાણીની સુવિધા 100 %, તારટપાલસેવાની સગવડ 100 %, જળમાર્ગ દ્વારા અવરજવરની સગવડ 100 % તથા ઊર્જા-સુવિધા 100 % છે. સપ્ટેમ્બરથી મે દરમિયાન ભારતની મુખ્ય ભૂમિ (મુખ્યત્વે કોચીન) સાથે અવરજવરની પૂરતી સગવડ રહે છે. અવરજવરનાં સાધનોમાં નૌકાઓ, જહાજો, હવાઈ સેવા અને હેલિકૉપ્ટરનો ઉપયોગ થાય છે. ભારતના આ કેન્દ્રશાસિત પ્રદેશને 4 ઉપવિભાગો અને 9 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. 2023 મુજબ અહીં 50 શાળાઓ આવેલી હતી. તે દરમિયાન 8,350 વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું હતું. અહીં પાંચ સરકારી કૉલેજો આવેલી છે. જે પોંડિચેરી યુનિવર્સિટી અને કાલીકટ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે.
ઇતિહાસ : આ ટાપુઓનો પ્રાચીન ઇતિહાસ તો ઉપલબ્ધ નથી. સ્થાનિક પરંપરાગત ચાલી આવતી વાયકાઓ મુજબ નવમી સદીમાં રાજા ચેરામન પેરુમલને મક્કામાંથી લઈને આવતું જહાજ માર્ગમાં ભાંગી પડવાથી તેના મલયાળી ખલાસીઓ આ ટાપુઓ પર વસેલા. અહીંના આ મૂળ વસાહતીઓ હિન્દુ હતા. તેરમી સદીમાં અહીં આવેલા અરબી સંત હજરત ઉબૈદુલ્લાહે એ બધા જ નિવાસીઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી દીધેલો. કહેવાય છે કે હજરત મહમ્મદ પયગંબરે ઉબૈદુલ્લાહના સ્વપ્નમાં આવી દરિયાપારના દેશમાં ઇસ્લામનો પ્રચાર કરવાનો આદેશ આપેલો. ખૂબ મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યા પછી તેઓ આ કાર્યમાં સફળ થયેલા; તેમ છતાં જૂની સંસ્કૃતિના અંશો તેમની રહેણીકરણી વગેરેમાં જોવા મળે છે; હજી વ્યવસાય પ્રમાણે જમીનદારો, ખલાસીઓ અને ખેતશ્રમિકો જેવી જાતિપ્રથા અસ્તિત્વમાં છે. ધાર્મિક શિક્ષણ મદરેસામાં લે છે. વળી હજી ઘણા લોકો બે નામ ધરાવે છે. તેમની પરંપરાઓમાં જૂની સંસ્કૃતિના અંશો હજી જીવંત રહેલા દેખાય છે. આ અગાઉ 1153માં માલદીવના રાજા શ્રી બાવનદત્તને ધર્મપરિવર્તન કરાવવાનો વિધિ તારીઝના સંત શેખ યૂસુફ શૈનસુદ્દીને કરેલો, તે પરથી એવી ધારણા મુકાયેલી છે કે લક્ષદ્વીપના તત્કાલીન હિન્દુઓએ ધર્મપરિવર્તનનો પ્રતિકાર કરેલો.
1499માં અહીં સર્વપ્રથમ આવનાર યુરોપિયન સફરી વાસ્કો-ડી-ગામા હતો. પોર્ટુગીઝ, બ્રિટિશ અને અરબી ચાંચિયાઓ તેમની અવરજવર દરમિયાન માલદીવ ને લખદીવ ટાપુઓ પર આવતા અને નુકસાન કરી જતા.
1791 સુધી અલી રાજાનું શાસન હતું. પછીથી બ્રિટિશ લોકો દ્વારા કાનાનોર જીતી લેવાતાં આ ટાપુઓ બ્રિટિશ હસ્તક ગયા; તેમ છતાં કાનાનોરની ‘બીબી’ની આ ટાપુઓ પર પકડ હતી, કારણ કે તે આ પ્રદેશ માટે વાર્ષિક ખંડણી ભરતી હતી. 1875 સુધી આ વ્યવસ્થા રહેલી. 1877થી 1947 સુધી આ ટાપુઓ બ્રિટિશ શાસન હેઠળ રહેલા. ભારત સ્વતંત્ર થયા બાદ 1956ના નવેમ્બરમાં ભારત સરકારે લખદીવ, અમીનદીવ અને મિનિકૉય ટાપુસમૂહને કેન્દ્રશાસિત બનાવ્યા. તે વખતે તેનું વહીવટી મથક કોઝીકોડ (કાલીકટ) રાખેલું. 1964માં કવરાતી ટાપુને વહીવટી મથક બનાવ્યું છે; જોકે પરિવહન તેમજ કેટલાંક ક્ષેત્રોનું સંચાલન કોઝીકોડ ખાતેથી પણ થાય છે. 1973થી આ ટાપુઓને લક્ષદ્વીપ નામ અપાયું છે.
લક્ષદ્વીપના ટાપુઓ અતિસુંદર, હરિયાળા અને રમણીય હોવા છતાં ક્યારેક અહીંના કેટલાક ટાપુઓ પર પીવાના પાણીની અછત વરતાય છે, તે ક્યારેક અહીંના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં બાધારૂપ બની જાય છે. સરકારે અહીંના કવરાતી, કદમાત અને અગાત્તી ખાતે પ્રવાસી સુવિધાઓ ઊભી કરેલી છે. કલ્પેની અને મિનિકૉય ખાતે ખાનગી સાહસોએ પ્રવાસ-વિકાસનું કાર્ય આગળ ધપાવ્યું છે. કદમાત ખાતેની જળક્રીડા સંસ્થાએ વિવિધ સ્પર્ધાઓ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો જળવાઈ રહે એવાં અદ્યતન સાધનો વસાવ્યાં છે. પ્રવાસીઓના મનોરંજન માટે લોકનૃત્ય(‘લૅવાનૃત્ય’)ની વ્યવસ્થા કરેલી છે, તદુપરાંત પ્રવાસીઓની રહેવાની, ખાનપાન કરવાની, ફરવા જવાની સગવડ પણ છે. કોચીનથી લક્ષદ્વીપ જવા-આવવાની સાધન-સેવા પણ ઉપલબ્ધ છે.
ટાપુઓ
(1) અમીની : ભૌગોલિક સ્થાન : 11° 07´ ઉ. અ. અને 72° 44´ પૂ. રે. વસ્તી : 7,340. વિસ્તાર : 2.6 ચોકિમી.. છેડાથી છેડાની મહત્તમ લંબાઈ : 2,892 મીટર, મહત્તમ પહોળાઈ : 1,250 મીટર. આકાર : લંબગોળ. ટાપુ કંકણાકાર પ્રવાલદ્વીપથી બનેલો છે, વચ્ચે છીછરું, સાંકડું સરોવર છે. ભૂમિ પ્રવાલખડકના ઘસારાથી ઉદભવેલી ઝીણી કરચોથી બનેલા રેતીખડક જેવી છે. આ પથ્થરોને તોડીને સ્થાનિક બાંધકામના ઉપયોગમાં લેવાય છે. આબોહવા મલબાર કાંઠા જેવી છે. અમીની અથવા અમીનદીવી નજીકના કદમાત, ચેતલાત, કિલતાન અને બિત્રા ટાપુજૂથનું તાલુકામથક છે. અરબી શબ્દ ‘અમીન’ પરથી આ નામ પડ્યું છે. આ ટાપુ પર હુન્નરકળાના કુશળ કસબીઓ રહે છે. તેઓ કાચબાની ઢાલ અને નાળિયેરની કાચલીમાંથી ચાલવાની લાકડી (છડી) બનાવે છે. અહીંના પથ્થરો પર કોતરણી અને સુંદર નકશી-કામ કરીને ફૂલદાની બનાવે છે. આ ટાપુના નિવાસીઓ પરંપરાથી ચાલી આવતાં તેમનાં લોકગીતો અને નૌકાગીતો માટે જાણીતા છે.
(2) અગાતી : ભૌગોલિક સ્થાન : 10° 55´ ઉ. અ. અને 72° 12´ પૂ. રે. લક્ષદ્વીપના બધા જ ટાપુઓમાં વધુમાં વધુ પશ્ચિમ તરફ આવેલો ટાપુ. વસ્તી : 7,072. વિસ્તાર : 2.7 ચોકિમી.; લંબાઈ : 7,576 મીટર, મહત્તમ પહોળાઈ 578 મીટર. ટાપુના ઉત્તર ભાગમાં પશ્ચિમ બાજુએ સુંદર ખાડી-સરોવર. અહીં વિવિધ પ્રવાલ-પ્રકારો અને રંગબેરંગી માછલીઓ જોવા મળે છે. આબોહવા : ગરમ. નાળિયેરી અને માછીમારી અહીંના નિવાસીઓના જીવનનિર્વાહનો મુખ્ય આધાર છે. આ ટાપુ પર ઇસ્લામ ધર્મના વહાબી પંથીઓની વસ્તી વધુ છે. આ ટાપુ ખાતે હવાઈ મથક બાંધવામાં આવેલું છે, તેથી તે લક્ષદ્વીપનું પ્રવેશદ્વાર ગણાય છે.
(3) આન્દ્રોટ : ભૌગોલિક સ્થાન : 10° 49´ ઉ. અ. અને 73° 41´ પૂ. રે. લક્ષદ્વીપ વિસ્તાર : 4.8 ચોકિમી.; વસ્તી : 10,720; લંબાઈ : 4,656 મીટર; પહોળાઈ : 1,430 મીટર. તે પૂર્વ-પશ્ચિમ લંબાયેલો છે. તે કવરાતીથી 119 કિમી. અને કોચીનથી 293 કિમી. દૂર છે. આ ટાપુની ખાસિયત એ છે કે તેમાં કોઈ ખાડી-સરોવર નથી. અહીં નાળિયેરીનાં પુષ્કળ વૃક્ષો ઉછેરવામાં આવે છે. તેમનાં કોપરાં ઊંચી ગુણવત્તાવાળાં હોય છે. અહીંની જુમા મસ્જિદમાં 300 વર્ષ જૂની અરબી સંત ઉબૈદુલ્લાહ(ર. અ.)ની કબર આવેલી છે. તેમણે અહીં ઇસ્લામ ધર્મનો પ્રચાર કરેલો અને તેરમી સદીમાં લક્ષદ્વીપની બધી જ વસ્તીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવેલો. તેઓ આ ટાપુ પર જ મૃત્યુ પામેલા. આંદ્રોટમાં સંત સૈયદ મોહમ્મદ જલાલુદ્દીન બુખારીની 100 વર્ષ જેટલી જૂની કબર પણ આવેલી છે.
(4) બંગારમ્ : ભૌગોલિક સ્થાન : 10° 56´ ઉ. અ. અને 72° 17´ પૂ. રે. કવરાતી અને અગાતીથી ઉત્તર તરફ આવેલા આંસુના ટીપાના આકારવાળા આ નિર્જન ટાપુ પર તાડવૃક્ષોનાં પુષ્કળ ઝુંડ આવેલાં છે. ટાપુની બધી બાજુએ ક્રીમ રંગનો રેતપટ પથરાયેલો છે તથા નાળિયેરીનાં ઝુંડ શીતળતા અર્પે છે, તેથી લક્ષદ્વીપ ખાતેનું ભારતનું આ સારામાં સારું પ્રવાસ-મથક ગણાય છે. તેની પૂર્વમાં આશરે 2.5 કિમી.ને અંતરે તિન્નાકારા અને ત્યાંથી વધુ પૂર્વમાં પરાલી I અને પરાલી II ટાપુઓ આવેલા છે. પરાલીના આ બંને ટાપુઓ સૂકી મોસમમાં સમુદ્રજળસપાટી નીચી જવાથી જોડાઈ જાય છે. દિવસ દરમિયાન લટાર મારવા માટે આ ટાપુઓ જાણીતા બનેલા છે. બંગારમ્ ખાતેનું આ મોટું, ઊંડું, ભૂરા રંગના જળવાળું ખાડી-સરોવર સૂર્યાસ્ત ટાણે ખીલતી કિરમજી રંગની સંધ્યાના પ્રકાશપરાવર્તનથી રમણીય રંગછાયાવાળું બની રહે છે. અહીં આવેલો પ્રત્યેક પ્રવાસી મુગ્ધ થઈ ફરીથી આવવાની કલ્પના સાથે પાછો ફરતો હોય છે. શહેરના વ્યસ્ત જીવનથી થાકેલા શાંતિપ્રિય પ્રવાસીઓ માટે આ ટાપુ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અગાતીના લોકો અહીં કાચબાનો શિકાર અને માછીમારી કરવા આવે છે. આ ટાપુના પૂર્વ છેડે અર્ધગોળાકાર અખાત આવેલો છે, તે રાષ્ટ્રીય તરણહોજ તરીકે ઉપયોગમાં લેવાય છે.
(5) બિત્રા : ભૌગોલિક સ્થાન : 11° 36´ ઉ. અ. અને 72° 10´ પૂ. રે.. કવરાતીથી વધુમાં વધુ ઉત્તરે આવેલો, વસ્તી ધરાવતો નાનામાં નાનો ટાપુ. વિસ્તાર : 10.52 હેક્ટર. વસ્તી : 181. લંબાઈ : 570 મીટર અને મહત્તમ પહોળાઈ 274 મીટર. સર વિલિયમ રૉબિન્સને નોંધેલું છે કે ઓગણીસમી સદીના મધ્યકાળ સુધી તો આ ટાપુ દરિયાઈ પક્ષીઓનું પ્રજનનસ્થળ માત્ર હતો, તેમજ અન્ય ટાપુવાસીઓ માટેનું શિકારનું સ્થળ હતો. અહીં કાચબા અને માછલાં ધરાવતું વિશાળ ખાડી-સરોવર આવેલું છે.
(6) ચેતલાત : ભૌગોલિક સ્થાન : 11° 41´ ઉ. અ. અને 71° 43´ પૂ. રે.. તે અમીનીથી ઉત્તરે 56 કિમી. અંતરે આવેલો છે. વારંવાર આવતાં વાવાઝોડાંને કારણે આ ટાપુની પૂર્વ બાજુએ પ્રવાલખડકોનું ઘસારાદ્રવ્ય તૈયાર થયેલું છે, તેનાથી બનેલી પટ્ટી ઉત્તર તરફ પહોળી છે અને દક્ષિણ છેડા સુધી વિસ્તરેલી છે.
આ ટાપુનો કુલ વિસ્તાર 1.04 ચોકિમી. જેટલો છે. તેની લંબાઈ 2,680 મીટર અને મહત્તમ પહોળાઈ 584 મીટર જેટલી છે. અમીની ટાપુ પરથી પણ કેટલાક લોકો અહીં આવીને વસ્યા છે. સોળમી સદી સુધી આ ટાપુના લોકોને પોર્ટુગીઝો દ્વારા ખૂબ સહન કરવું પડેલું. અહીંના લોકો ખૂબ ગરીબ છે, તેથી કાથીકામ કરીને અને માછીમારી કરીને જીવનનિર્વાહ કરે છે.
પુરુષો હોડીઓ લઈને દૂર દરિયામાં માછલાં પકડવા જાય છે. સ્ત્રીઓ દિવસે કાથીમાંથી ચીજ-વસ્તુઓ બનાવે છે, સાંજે રેતપટ પર જઈ તાપણાં સળગાવી પુરુષોની વાટ જોતી બેસે છે. હુન્નરકળામાં અહીંના લોકો પાવરધા છે. નાળિયેરીનાં કુમળાં પાનમાંથી તેઓ માથા પર પહેરવાની હૅટ વણે છે. આવી હૅટની ઘણી માંગ રહે છે. આ ટાપુ પર જૂના વખતની કેટલીક કબરો પણ છે.
(7) કદમાત : ભૌગોલિક સ્થાન : 11° 13´ ઉ. અ. અને 72° 47´ પૂ. રે.. અમીનીથી 10 કિમી. ઉત્તર તરફ આવેલા આ ટાપુની લંબાઈ 9,064 મીટર અને મહત્તમ પહોળાઈ 550 મીટર છે. તેની પશ્ચિમ બાજુએ મોટું અને પૂર્વ બાજુએ નાનું ખાડી-સરોવર છે. અહીંનું ખાડી-સરોવર ઊંડાઈવાળું હોવાથી તરવા માટે ઉપયોગમાં લેવાય છે, તથા ટાપુનો કંઠારપટ આકર્ષક હોવાથી પ્રવાસનું સ્થળ બનેલો છે. પ્રવાસીઓ માટે અહીં વાતાનુકૂલિત કુટિરોની તેમજ તંબુઓની સુવિધા રાખી છે. અહીંનાં નાળિયેરીનાં ઝુંડ એટલાં બધાં ગીચ છે કે ઉનાળાના પ્રખર તાપમાં પણ તેની નીચેના ભાગો શીતળ રહે છે. આ ટાપુ પર પ્રવાસીઓને જળક્રીડાની સુવિધા પૂરી પાડતી સંસ્થા પણ છે. આ ઉપરાંત અહીં મધુરજની માણવા આવતાં પ્રવાસી યુગલો માટે પણ સગવડો છે.
આ ટાપુના લોકોનો મુખ્ય વ્યવસાય કાથીનાં દોરી-દોરડાં બનાવવાનો છે. બાંધકામ-હેતુઓ માટે અહીંના પથ્થરોનો ઉપયોગ થાય છે. પહેલી અને બીજી સદીના રોમન શહેનશાહોના સુવર્ણસિક્કા 1948માં અહીંથી મળી આવેલા. એમ જણાય છે કે અહીં વસવાટ શરૂ થયો તે અગાઉ પણ વિદેશીઓ આ ટાપુની મુલાકાત લેતા હતા. વ્યવસ્થિત અને કાયમી વસાહતોની શરૂઆત ઓગણીસમી સદીમાં થઈ છે.
(8) કલ્પેની : ભૌગોલિક સ્થાન : 10° 05´ ઉ. અ. અને 73° 39´ પૂ. રે.. કલ્પેની આન્દ્રોટથી આશરે 76 કિમી. દક્ષિણ તરફ આવેલો છે. આ ટાપુ તેના વિશાળ છીછરા ખાડી-સરોવરમાં આવેલા કોદિથલા, ચેરિયામ, તિલક્કમ્ અને પિત્તી નામના નાના ટાપુઓ સહિતનું એક જૂથ રચે છે. કલ્પેની ટાપુ પર ઘણા સમય અગાઉથી વસવાટ થયેલો છે. અરબી લખાણોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. અરબી લેખકોએ ‘કોલ્ફેની’ તરીકે તેને ઓળખાવેલો છે. આ ટાપુ પર ઘણી વાર વાવાઝોડાં આવે છે. તેના પૂર્વ અને અગ્નિકોણ તરફના કિનારે પ્રવાલખડકોનો તૂટેલો ભંગાર પડેલો નજરે પડે છે, આ તેનું એક વિશિષ્ટ લક્ષણ છે. કલ્પેનીમાં જોવાલાયક વસ્તુઓ ઓછી છે. તેના અગ્નિ અને પૂર્વ દિશાના દરિયાકાંઠા પર પરવાળાંના મૃત અવશેષો જોવાલાયક છે. અહીં ડાઇવિંગની અને તરવાની તેમજ પૅડલવાળી ‘ક્યાક’ નામની ફાઇબર ગ્લાસની હોડીની મજા માણી શકાય છે. આ ટાપુની આસપાસ સમુદ્રજળ એવી રીતે હિલોળા લે છે કે તેમાંથી ઊડતા અને ઊછળતા જળશીકરો એકસાથે રહેલાં લાખો રત્નોની જેમ ચમકે છે ! ટાપુ પર તરવા માટેની, જળક્રીડા માટેની અને પ્રવાલખડકો જોવાની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. અહીંના ખાડી-સરોવરમાં સમૃદ્ધ પરવાળાં વિકસ્યાં છે. કલ્પેની ખાતે ઘણી કબરો આવેલી છે. 200 વર્ષ પહેલાંની એહમદ ઓલિયાની કબર(મકબરા)ની રેતી જો આંખ કે પેટના દુખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો તે મટી જાય છે, એવી એક વાયકા અને શ્રદ્ધા પ્રવર્તે છે. ચના કા કોજા નામની કબરવાળા સંત કોજા ઇસ્લામના પ્રચાર માટે આન્દ્રોટ ખાતે આવેલા અને છેલ્લે કલ્પેની ખાતે રહેલા. એવું કહેવાય છે કે મરઘીઓ અને કૂકડાઓના એકધારા ઘોંઘાટથી દોડી આવેલા લોકોએ ત્યાં તેમને મૃત્યુ પામેલા જોયા. ત્યાં જ તેમને દફનાવાયા અને કબર બનાવી. અહીં મેળો ભરાય છે. શ્રદ્ધાળુઓ અહીંની કબરોને ભેટ-સોગાદો પણ ધરાવે છે. વસ્તી : 4,319.
(9) કવરાતી : લક્ષદ્વીપ ટાપુઓથી બનેલા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. વધુમાં વધુ વિકસિત ટાપુ. કવરાતી રાજકારણથી ધમધમતો મુખ્ય ટાપુ છે. તે કોચીનથી 404 કિમી. અંતરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 3.6 ચોકિમી. છે. મહત્તમ લંબાઈ 5,132 મીટર અને મહત્તમ પહોળાઈ 1,516 મીટર છે. તેના ઉત્તર છેડા પર એક નાનું સરોવર છે, જ્યારે પશ્ચિમ તરફ સુંદર, છીછરું, વિશાળ ખાડી-સરોવર પણ છે, તે તરવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીંની વસ્તી એક નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલી છે. મૂળ વસાહતીઓ ઉપરાંત બહારના લોકોનું પ્રમાણ અહીં વધુ છે. આવાસો નાનાં નાનાં જૂથમાં બાંધેલા છે. આ કેન્દ્રશાસિત પ્રદેશની બધી જ વહીવટી કચેરીઓ આ ટાપુ પર આવેલી છે. અગાઉના સમયમાં અહીં એક બીબીનું શાસન હતું, ત્યારે આ ટાપુના વચ્ચેના ભાગમાં દીવાલ હતી, ઉત્તર અને દક્ષિણના વિભાગ પડેલા હતા. દક્ષિણ વિભાગમાં જવા મંજૂરી મેળવવી પડતી હતી. આ ટાપુ પર ખૂબ જ સુંદર ઊજરા મસ્જિદ છે, તેની છતમાં બેનમૂન કાષ્ઠ-કોતરણી અને નકશીકામ જોવા મળે છે. આ મસ્જિદમાં ઔષધીય જળ ધરાવતો એક કૂવો પણ આવેલો છે. આ ઉપરાંત જૂમથ મસ્જિદની એક વિશાળ ઇમારત છે. તેમાં મોટું તળાવ છે. આ બંને મસ્જિદો જોવાલાયક છે. સૈયદ મોહમ્મદ કાસિમની 300 વર્ષ જૂની કબર તેમજ નજીકના સુહેલી ટાપુ પર સૈયદ અબુબકર સીદી ઓલિયાની પણ કબર છે. આ ટાપુ પર કુલ 52 મસ્જિદો છે. આ ટાપુ પર વિવિધ જાતિઓની માછલીઓ પ્રદર્શિત કરતું એક માછલીઘર આવેલું છે. પ્રવાસીઓ માટે અહીં સમુદ્રજળ નીચેની માછલીઓ, ઑક્ટોપસ તેમજ પરવાળાંની જીવસૃષ્ટિ નિહાળવા કાચના તળવાળી નૌકાઓ તથા જળક્રીડા માણવા માટેની નૌકાઓની પણ સુવિધા છે.
(10) કિલતાન : આ ટાપુ અમીનીથી ઈશાન તરફ 51 કિમી.ને અંતરે આવેલો છે. તે ઈરાની અખાત અને શ્રીલંકા વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપારી માર્ગ પર આવે છે. તેનો વિસ્તાર માત્ર 1.6 ચોકિમી. જેટલો જ છે. વસ્તી 3,664 જેટલી છે. તેની લંબાઈ 3,362 મીટર અને મહત્તમ પહોળાઈ 596 મીટર છે. તેના ઉત્તર અને દક્ષિણ છેડાઓ પર મોજાંઓની પછડાટ ખાતા દરિયાઈ કંઠારપટ આવેલા છે. આ ટાપુ ફળદ્રૂપ છે અને નાળિયેરી વગેરેની ખેતી માટે અનુકૂળ છે. અહીંના લોકો પરંપરાગત લોકનૃત્યો અને લોકગીતોમાં પ્રવીણ છે.
(11) મિનિકૉય : આ ટાપુ માલિક ટાપુ તરીકે પણ ઓળખાય છે. તે અહીંનો સૌથી જૂનો ટાપુ ગણાય છે. ઇબ્ન બતુઆ નામના આફ્રિકન પ્રવાસીએ તેની મુલાકાત લીધેલી. મિનિકૉય ટાપુની સંસ્કૃતિ અન્ય 35 ટાપુઓ કરતાં તદ્દન જુદી છે. તે લક્ષદ્વીપના ટાપુઓમાં વધુમાં વધુ દક્ષિણે આવેલો છે. તે કવરાતીથી 200 કિમી. અંતરે દક્ષિણ તરફ આવેલો છે, તથા માલદીવની ખૂબ નજીક છે. વિસ્તારની દૃષ્ટિએ તે બીજા ક્રમે (4.4 ચોકિમી.) આવે છે. અર્ધચંદ્રાકારે ગોઠવાયેલા આ ટાપુની લંબાઈ છેડાથી છેડા સુધી 10,656 કિમી. અને મહત્તમ પહોળાઈ 944 મીટર છે. આ ટાપુ પર એક વિશાળ ઊંડું ખાડી-સરોવર આવેલું છે. નાળિયેરીનાં વૃક્ષોનાં ઝુંડથી આ ટાપુ હરિયાળો બની રહેલો છે. આ ટાપુની દક્ષિણે તદ્દન નાનો વિરિંગિલી (બીજું નામ શીતળાનો ડાઘ) નામનો એક નિર્જન ટાપુ આવેલો છે. અહીંના લોકો દરિયાખેડુઓ છે. આ ટાપુ પર લોકો દ્વારા ચૂંટાયેલા એક એક સરદાર(સ્થાનિક નામ ‘મૂપન’)ની આગેવાની હેઠળ આવેલાં 10 જેટલાં ગામડાં (અથિરી) વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં નજરે પડે છે. આ ટાપુના નિવાસીઓ માણિકફન, થાકરુફન, થાકરુ અને રવેરી જેવાં જૂથોમાં વહેંચાયેલા છે. અહીંના આવાસો શેરીની આજુબાજુ રેખીય દિશાઓમાં ગોઠવાયેલા છે. ઘર ચોખ્ખાં હોય છે. દરેક ઘરમાં એક કે વધુ સુશોભિત રંગેલા અને શણગારેલા લાકડાના હીંચકા હોય છે. નૌકાઓની પ્રતિકૃતિઓ બનાવવાનો હુન્નર અહીં ચાલે છે. માહલ નામની અહીંની ભાષા, પોશાક તથા ખોરાકની વાનગીઓ અન્ય ટાપુઓથી અલગ છે. અહીંનું લૅવા નામનું લોકનૃત્ય ખૂબ જ જાણીતું બનેલું છે. મિનિકૉય એ જિલ્લાનું ટ્યૂના માછલીનું કેન્દ્ર ગણાય છે. અહીં નેતરની ચીજો બનાવવાનું એક કારખાનું આવેલું છે. નેતરના તરાપા તેમજ નૌકાઓ પણ બનાવાય છે. 1885માં બાંધેલી 50 મીટર ઊંચી દીવાદાંડી જોવાલાયક છે. પ્રવાસીઓ તેની ટોચ સુધી જઈ શકે છે. પ્રવાસીઓને રહેવા માટેની, ખાનગી ધોરણે ચલાવાતી કુટિરોની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.
(12) પિત્તી (Pitti) : માત્ર 1.21 હેક્ટરનો વિસ્તાર ધરાવતો આ નાનકડો ટાપુ કવરાતીથી વાયવ્યમાં 24 કિમી.ને અંતરે આવેલો છે. આ ટાપુ વસ્તીવિહીન તો છે જ, વળી અહીં ઘાસનું એક તણખલું પણ જોવા મળતું નથી; પરંતુ જાન્યુઆરીથી માર્ચ વચ્ચેની મોસમમાં અહીં ટર્ન જાતિજૂથનાં હજારો પક્ષીઓ પ્રજનન માટે આવે છે. તેઓ ટ્યૂના માછલીઓ પકડવા દરિયા પર 15થી 25 કિમી. અંતર સુધી ઊડતાં નજરે પડે છે. આ ટાપુને આ કારણે પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવાયો છે.
(13) ચેરિયાકારા અને વાલિયાકારા : કવરાતીથી નૈર્ઋત્યમાં 47 કિમી. અંતરે સુહેલી ટાપુ આવેલો છે. આ બે ટાપુઓ નિર્જન છે. આ બે ટાપુઓ ખાડી-સરોવરથી ઘેરાયેલા છે. આ ખાડી-સરોવરમાં માછલી પકડવા માટે કવરાતીથી અને ક્યારેક અગાતી તથા અમીનીથી લોકો આવે છે.
હિંદી મહાસાગરમાં ચીનના પગપેસારાને કારણે આ ટાપુઓનું ભૂ-રાજકીય મહત્વ વધતાં આ ટાપુઓનો વિકાસ કરવાનું ભારત સરકારે આયોજન કર્યું છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી