લક્ષણા : ભારતીય શાસ્ત્રગ્રંથોમાં માનવામાં આવેલી શબ્દની શક્તિ. શબ્દ સાથે જોડાયેલા અર્થને બતાવનારી પ્રક્રિયાને શબ્દશક્તિ કહે છે. શબ્દકોશમાં આપેલો શબ્દનો વૃદ્ધવ્યવહારથી સંકેત કરાયેલો અર્થ બતાવનારી શબ્દશક્તિને અભિધા કે મુખ્યા એવાં નામોથી ઓળખવામાં આવે છે. અભિધા શબ્દશક્તિ ભાષાના સઘળા શબ્દોને લાગે છે. શબ્દ પર અભિધાની પ્રક્રિયા થતાં તે જે અર્થ બતાવે છે તેને શક્યાર્થ, વાચ્યાર્થ, મુખ્યાર્થ કે સંકેતિતાર્થ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. મુખ્યાર્થ કે વાચ્યાર્થ આપે ત્યારે શબ્દને વાચક શબ્દ કહે છે. અભિધા શબ્દશક્તિનો સ્વીકાર પ્રત્યેક શાસ્ત્રમાં થયો છે.
એ પછી આવતી બીજી શબ્દશક્તિ લક્ષણાનો સ્વીકાર પણ સઘળાં શાસ્ત્રોમાં થયો છે. લક્ષણાને અમુખ્યા, ગૌણી અથવા ઉપચાર વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
આ લક્ષણા શબ્દશક્તિ ભાષાના બધા શબ્દોને લાગતી નથી તેથી તે ગૌણ છે. લક્ષણા કરવા માટે ચોક્કસ ત્રણ શરતો પાળવી પડે છે : (1) મુખ્યાર્થબાધ, (2) તદ્યોગ, (3) રૂઢિ કે પ્રયોજન. મુખ્યાર્થબાધ એટલે અભિધાથી મળતો વાચ્યાર્થ કે મુખ્યાર્થ બંધ-બેસતો ન હોય તો જ લક્ષણા લઈ શકાય એ લક્ષણાની પહેલી શરત છે. બીજી શરત તદ્યોગની છે. લક્ષણા વડે મળતો લક્ષ્યાર્થ શબ્દના બાધિત થતા વાચ્યાર્થ સાથે (1) સાદૃશ્ય, (2) સામીપ્ય (3) સમવાય (4) વૈપરીત્ય અને (5) ક્રિયાયોગ એ પાંચમાંથી કોઈ એક સંબંધ ધરાવતો હોવો જોઈએ. તે સિવાયના સંબંધથી લક્ષણા લઈ ન શકાય. અહીં સાદૃશ્ય વગેરે આરોપનાં નિમિત્તો છે તેથી લક્ષણા આરોપિતા ક્રિયા છે. લક્ષણાની ત્રીજી શરત રૂઢિ કે પ્રયોજનની છે. આવી લક્ષણા લેવાની કાં તો રૂઢિ કે પરંપરા ચાલી આવતી હોવી જોઈએ. એવી પરંપરા ન હોય તો એ લક્ષણા કરવાનું પ્રયોજન બતાવવું જોઈએ. આ ત્રણે શરતો પાળવામાં આવે તો જ લક્ષણા લઈ શકાય; દા.ત., ‘સુરેશ ગધેડો છે’ એમ કોઈ કહે ત્યારે ‘ગધેડો’ શબ્દનો અભિધાથી મળતો મુખ્ય અર્થ ચોક્કસ આકાર ધરાવતું ચોપગું પ્રાણી છે. સુરેશ ગધેડા જેવો દેખાવ ધરાવતો નથી તેથી મુખ્યાર્થનો બાધ થાય છે. એ પછી ‘ચોપગું પ્રાણી’ એ મુખ્યાર્થ સાથે મૂર્ખતાનો સાદૃશ્ય-સંબંધ ‘મૂર્ખ’ એવો લક્ષ્યાર્થ ધરાવે છે. આવો અર્થ લેવાનું પ્રયોજન સુરેશમાં બુદ્ધિનો અભાવ બતાવવાનો છે. માટે એ મૂર્ખ એવો અર્થ આપતી ગૌણ શબ્દશક્તિ લક્ષણા છે. લક્ષણાનાં રૂઢિ, પ્રયોજનવતી, શુદ્ધા, ગૌણી, જહત્સ્વાર્થા, અજહત્સ્વાર્થા, જહદજહત્સ્વાર્થા, સારોપા, સાધ્યવસાના, લક્ષિતા વગેરે અનેક પ્રકારો વિભિન્ન લેખકોએ ગણાવ્યા છે.
પ્ર. ઉ. શાસ્ત્રી