લંબન (parallax) : અવલોકનકર્તાના વિસ્થાપનને કારણે થતું વસ્તુનું દિશા-પરિવર્તન અથવા વસ્તુના દેખીતા સ્થાનમાં થતું પરિવર્તન. ખગોળશાસ્ત્રના સંદર્ભમાં લંબનની વ્યાખ્યા આ પ્રમાણે છે : બે જુદી જુદી દિશાઓમાંથી અવકાશી પિંડ(તારા)નું અવલોકન લેતાં તેના સ્થાનમાં દેખાતું પરિવર્તન. લંબન કોણ(angle)માં માપવામાં આવે છે અને તે ઉપરથી તારાનું અંતર નક્કી કરી શકાય છે. નીચેની આકૃતિ દ્વારા લંબન વિશે સમજણ મેળવી શકાય છે :

પૃથ્વી જે કક્ષામાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે એ કક્ષાનાં બે બિંદુઓ (1, 2) પરથી નજીકના તારાનું અવલોકન લેવાથી એ તારા અને પૃથ્વીની કક્ષા–ત્રિજ્યા વચ્ચે બનતો કોણ (a) એ તારાના લંબનનું માપ છે. આ માપ અત્યંત નાનું હોય છે અને ‘વિકળા’(arc second)માં મપાય છે.  લંબન જાણવાથી તારાનું અંતર જાણી શકાય છે. દા.ત., સૂર્યથી સૌથી નજીકના તારા નરાશ્વ(Alpha Centauri)નું લંબન 0.75 વિકળા છે અને એ તારાનું અંતર 1/0.75 પાર્સેક એટલે કે 1.33 પાર્સેક છે. 1 પાર્સેક = 3.26 પ્રકાશવર્ષ હોવાથી, એ તારાનું અંતર 4.3 પ્રકાશવર્ષ છે. ફક્ત નજીકના તારાનું અંતર લંબન દ્વારા માપી શકાય છે.

પરંતપ પાઠક