ર્દઢોતક (sclerenchyma) : સખત દીવાલ ધરાવતા કોષોની બનેલી વનસ્પતિપેશી. ગ્રીક શબ્દ ‘scleros’ = hard = સખત કે કઠણ ઉપરથી તેને sclerenchyma કે ર્દઢોતક કહે છે. આ પેશી જાડી દીવાલવાળા કોષોની બનેલી હોય છે. વૃદ્ધિ પૂર્ણ થયા પછી તેમની પ્રાથમિક દીવાલો પર દ્વિતીયિક દીવાલ બને છે. પ્રાથમિક અને દ્વિતીયિક દીવાલો મુખ્યત્વે સેલ્યુલોઝ – કાષ્ઠકની બનેલી હોય છે. મધ્ય સ્તર(middle lamella)માંથી લિગ્નિન જમા થવાનું શરૂ થાય છે, જે પ્રાથમિક દીવાલ સુધી પહોંચી છેવટે દ્વિતીય દીવાલ સુધી જમા થાય છે. સામાન્ય રીતે દીવાલોનું સ્થૂલન એકસરખું અને મજબૂત હોય છે તેથી કોષીય પોલાણ ઘટે છે. દ્વિતીયિક દીવાલો ર્દઢોતક પૂરતી જ મર્યાદિત હોતી નથી, પણ તે જલવાહક અને કેટલાક ર્દઢીકરણ પામતા મૃદૂતકો(parenchyma)માં પણ જોવા મળે છે. આથી ર્દઢોતકને આ પેશીઓથી જુદી પાડીને અલગ પેશી તરીકે વર્ણવવી મુશ્કેલ છે; કારણ કે તે બીજી પેશીઓ સાથે મિશ્ર થયેલી જોવા મળે છે.
સામાન્ય રીતે ર્દઢોતકના કોષો નિર્જીવ અને જીવરસ વગરના હોય છે. પણ કેટલીક વાર જીવરસ હોય ત્યારે તે મૃદૂતકોથી જુદા પાડવા મુશ્કેલ બને છે.
ર્દઢોતકના કોષો બે પ્રકારના હોય છે : (1) કઠકો (sclereids) અને (2) ર્દઢોતક તંતુઓ (fibres).
જોકે આ બે પ્રકારો વચ્ચે ચોક્કસ ભેદરેખા નથી. પરંતુ તંતુઓ લાંબા અને પાતળા કોષો તરીકે અને કઠકો અરીય સમરચનાથી લંબકોષો જેવી વિવિધતા બતાવે છે.
(1) ર્દઢોતક તંતુઓ : આ તંતુઓ ખૂબ લાંબા અને સાંકડા તથા બંને છેડે અણીદાર કોષો હોય છે. તેમની દીવાલો જાડી અને કોષકોટર સાંકડું થયેલું હોય છે. સામાન્ય રીતે પરિપક્વ કોષો મૃત હોય છે અને સ્થૂળ થયેલી દ્વિતીયિક દીવાલ ધરાવે છે, સમૂહમાં મળી આવતા તંતુઓ આર્થિક રીતે ઉપયોગી છે. સામાન્ય રીતે કોહવાટની પ્રક્રિયા દ્વારા તેમને બીજી પેશીઓથી જુદા પાડવામાં આવે છે. તંતુઓની દીવાલો ભીંજાતી નહિ હોવાથી તે સ્થૂલકોણક કરતાં સખત હોય છે અને આ કોષો તણાવ સહન કરી શકે છે.
તંતુઓ વનસ્પતિનાં અંગોને આધાર આપવાનું કાર્ય કરે છે. દીવાલોમાં લિગ્નીભવનમાં વિવિધતા જોવા મળે છે. જો છિદ્રો હોય તો ફાટ જેવાં હોય છે.
તંતુઓ વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળે છે, પણ તે મુખ્યત્વે વાહકપેશીમાં જોવા મળે છે.
એકદળીમાં તંતુઓ વાહીપૂલને સંપૂર્ણ આવરી લે છે તેને પૂલકંચુક (bundle sheath) કહે છે. અથવા તે વાહીપૂલની એક અથવા બંને બાજુએ સમૂહો બનાવે છે તેને બંડલ ટોપી કહે છે. તેમના સ્થાન પ્રમાણે તંતુઓને બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે : (1) કાષ્ઠતંતુઓ (wood fibres), (2) રસવાહિનીના તંતુઓ (bast fibres).
(1) કાષ્ઠતંતુઓ : તે સ્થૂલ થયેલી દ્વિતીયિક દીવાલવાળા લાંબા કોષો હોય છે, જે તે જ કાષ્ઠની જલવાહિનિકી (tracheid) કરતાં જાડા હોય છે. કોષનો આકાર તથા તંતુઓની લંબાઈ અને દીવાલની જાડાઈમાં વિવિધતા જોવા મળે છે. આ તંતુઓ જલવાહક પેશીનો એક ભાગ છે, તે લાંબા, પાતળા, બંને છેડે અણીદાર, મૃત અને ર્દઢોતકીય કોષો હોય છે. જલવાહક પેશીના બહારના તંતુઓ અંદરના તંતુઓના પ્રમાણમાં લાંબા હોય છે.
દીવાલની જાડાઈ, છિદ્રોના પ્રકાર અને સંખ્યાને આધારે તંતુઓના બે મુખ્ય પ્રકાર પડે છે : (1) પોષવાહરૂપ તંતુઓ (libriform), (2) ટ્રેકીડ્ઝ તંતુઓ.
(1) પોષવાહરૂપ તંતુઓ : તે ખૂબ જાડી દીવાલ અને સાદા ગર્ત ધરાવે છે. આ પ્રકાર કાષ્ઠીય વનસ્પતિઓમાં જોવા મળે છે, ખાસ કરીને ફેબેસી કુળમાં જોવા મળે છે.
(2) ટ્રેકીડ્ઝ તંતુઓ : તે પોષવાહરૂપથી ઓછી પણ જલવાહિનિકીથી વધારે જાડાઈ ધરાવે છે. તે પરિવેશિતગર્ત (bordered pitted) પ્રકારનાં છિદ્રવાળા હોય છે. છિદ્રીય કોટર જલવાહિનીના પરિવેશિતગર્ત કરતાં નાનું હોય છે. આવા કેટલાક તંતુઓમાં જીવરસ અનુપ્રસ્થ પડદાથી વિભાજાય છે. આવા તંતુઓને ટ્રેકીડ્ઝ કે પટ્ટીય તંતુઓ કહે છે. પડદાનું લિગ્નીભવન થતું નથી. તે ક્ષુપ અને નાના કાષ્ઠીય છોડોમાં જોવા મળે છે.
દ્વિદળીઓની દ્વિતીયિક જલવાહિનીઓમાં શ્લેષ્મીય તંતુઓ જોવા મળે છે. આ તંતુઓની દ્વિતીય દીવાલનું અંદરનું સ્તર પુષ્કળ પ્રમાણમાં a-સેલ્યુલોઝ ધરાવે છે, પણ લિગ્નીન અલ્પ હોય છે. આ સ્તર ખૂબ પાણી શોષીને ફૂલી જાય છે અને તંતુની ગુહાને પૂરી દે છે.
રસવાહિનીતંતુઓ : તે ઘણી વનસ્પતિઓના પ્રકાંડમાં મળી આવે છે. તે કેટલીક વાર વાહક પેશીની બહારની બાજુએ બહુકોષીય જાડા તંતુઓના પટ્ટાનું નિર્માણ કરે છે. આ તંતુઓ અન્નવાહક પેશીના શરૂઆતના ભાગમાં ઉત્પન્ન થાય છે (દા. ત., અળસીના તંતુઓ) અથવા તેઓ અન્નવાહકની બહાર ઉત્પન્ન થાય છે. આને પરિચક્રીય તંતુઓ કહે છે. કેટલીક વાર તંતુઓ અન્નવાહક પેશીની ફરતે જોવા મળે છે. આને પ્રાથમિક તંતુઓ કહે છે. જ્યારે તે દ્વિતીયક અન્નવાહક પેશીમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે દ્વિતીયક રસવાહિનીતંતુઓ બનાવે છે.
આર્થિક અગત્યના તંતુઓ : દ્વિદળીઓમાં રસવાહિનીતંતુઓ આર્થિક રીતે ઉપયોગી તંતુઓનું નિર્માણ કરે છે. મૃદુ અને સ્થિતિસ્થાપક હોવાથી તેમને મૃદુ તંતુઓ કહે છે; દા. ત., ભાંગ, શણ, અળસી. તેમનો દોરડાં, કાપડ અને કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે.
એકદળીઓમાં પર્ણતંતુઓ મળી આવે છે. તેમને કઠિનતંતુઓ કહે છે; કારણ કે તે ખૂબ લિગ્નીભવન પામેલા, સખત અને કડક હોય છે; દા. ત., મનીલા હેમ્પ (Musa textilis), સેન્સીવીએરા, રામબાણ અને શેરડી. તે દોરડાં બનાવવામાં અને કાગળ-ઉદ્યોગમાં વપરાય છે.
કઠકો : તેમને સ્ટોનકોષો પણ કહે છે. તે વનસ્પતિદેહમાં વિવિધ જગાએ આવેલા હોય છે અને મૃદૂતકીય કોષોમાંથી ઉત્પન્ન થાય છે. તેમનાં કદ અને આકારમાં વિવિધતા હોય છે. સામાન્ય રીતે તે ઘણી જાડી લિગ્નીભવન પામેલી દ્વિતીયિક દીવાલ અને સાદા ગર્ત ધરાવે છે અને કોષગુહા ખૂબ જ નાની બને છે.
કઠકોનું તેમની રચના અનુસાર નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે :
(1) સમવ્યાસી કઠક (brachysclereids) : તે ઘણુંખરું સમવ્યાસી હોય છે.
(2) મહાકઠકો (macrosclereids) : તે દંડાકાર કે સ્તંભાકાર હોય છે.
(3) અસ્થિકઠકો (osteosclereids) : તે સ્તંભાકાર છતાં પહોળા છેડાવાળા હોય છે.
(4) તારાકાર કઠકો (asterosclereids) : તે તારાકાર હોય છે.
(5) રોમાકાર કઠકો (trichosclereids) : તે શાખિત રોમ જેવા હોય છે.
(6) તંતુમય કઠકો (filiform sclereids) : તે લાંબા તંતુ જેવા હોય છે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર