રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન (જ. 1916) : આર્થિક વિકાસના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે જાણીતા બનેલા અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ યેલ તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીઓમાં લીધું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં રહોડ્ઝ સ્કૉલર તરીકે દાખલ થયેલા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના ગાળામાં વ્યૂહાત્મક સેવાઓ (strategic services) પૂરી પાડતા યુદ્ધ વિષયક કાર્યાલયમાં અને ત્યારબાદ 1945–46 વર્ષ દરમિયાન અમેરિકાના વિદેશ ખાતામાં જર્મન-ઑસ્ટ્રિયન આર્થિક બાબતોની શાખામાં સેવાઓ આપી. 1949–50ના ગાળામાં અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘પિટ પ્રોફેસર ઑવ્ અમેરિકન હિસ્ટ્રી’ના પદ પર કામ કર્યું. 1950–65 દરમિયાન મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (MIT) સંસ્થામાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવાઓ આપી. 1969માં ટેક્સાસ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. તે દરમિયાન 1966માં અમેરિકાના પ્રમુખના વિશેષ મદદનીશ સલાહકાર તરીકે તેમની વરણી થઈ હતી.
તેમના વિશ્લેષણ મુજબ દરેક દેશ આર્થિક વિકાસના પાંચ તબક્કાઓમાંથી પસાર થાય છે : (1) પ્રાથમિક અવસ્થા; (2) હરણફાળ માટેની પૂર્વશરતોનો ગાળો; (3) હરણફાળનો ગાળો જેમાં દેશના અર્થતંત્રમાં આર્થિક વિકાસની પ્રક્રિયા સામાન્ય ઘટના બની જાય છે; (4) અર્થતંત્રની પરિપક્વતા તરફની ઝુંબેશનો ગાળો, અને (5) પરિવપક્વતાનો ગાળો જેમાં સમાજમાં વપરાશનું સ્તર વ્યાપક પ્રમાણમાં ઘણું ઊંચું હોય છે.
તેમણે લખેલા ગ્રંથોમાં : ‘ધ પ્રોસેસિઝ ઑવ્ ઇકોનૉમિક ગ્રોથ’ (1952); ‘સ્ટેજિઝ ઑવ્ ઇકોનૉમિક ગ્રોથ’ (1960), ‘પોલિટિક્સ ઍન્ડ ધ સ્ટેજિઝ ઑવ્ ગ્રોથ’ (1971), ‘હાઉ ઇટ ઑલ બિગૅન : ઓરિજિન્સ ઑવ્ મૉડર્ન ઇકૉનોમી’ (1975) અને ‘વ્હાય ધ પૂઅર ગેટ રિચર ઍન્ડ ધ રિચ સ્લો ડાઉન’(1980)નો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે