રોશન રાજેશ (24 મે 1955, મુંબઈ) : હિન્દી ફિલ્મજગતનાં સફળ સંગીતકાર અને સંગીતનિર્દેશક.
રાજેશ રોશનનો જન્મ સંગીતમય કુટુંબમાં જ થયો છે. તેમના પિતા રોશનલાલ નાગરથ એક જાણીતા સંગીતકાર હતા. તેમની માતા ઈરા રોશન પણ વ્યવસાયિક ધોરણે ગાતાં હતાં. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ફૈયાઝ અહેમદ ખાંસાહેબ પાસેથી લીધી. નાનપણમાં સાહિર લુધિયાનવી, આનંદ બક્ષી જેવા ગીતકારોની તેમનાં ઘરમાં અવરજવર રહેતી. આ વાતાવરણની તેમનાં મનોજગત પર ઊંડી અસર પડી. લક્ષ્મીકાંત પ્યારેલાલ સ્કૂલ ઑફ મ્યુઝિકમાંથી તાલીમ લીધા બાદ તેમને ‘કુંવારા બાપ’ ફિલ્મનાં સંગીતની જવાબદારી સોંપાઈ, જે તેમનાં જીવનનો અગત્યનો વળાંક બની રહ્યો. ‘કુંવારા બાપ’ પછી ‘જુલી’ ફિલ્મનાં સંગીતે તેમને ઘણી પ્રસિદ્ધિ અપાવી. સફળતાનાં એક પછી એક સોપાનો સર કરતાં કરતાં તેમણે ચાર દાયકામાં લગભગ 100 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમણે તેમની રચનાઓમાં પાશ્ચાત્ય વાજિંત્રોનો બખૂબી ઉપયોગ કર્યો. સંગીતકાર લક્ષ્મીકાંતે તેમને ‘લાસ્ટ ઑફ ધ ઓરિજિનલ્સ’ (સ્વયંસ્ફૂર્ત સંગીતકાર) કહીને નવાજ્યા હતા. ‘જુલી’ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ સંગીતકારનો ઍવૉર્ડ મળ્યો. તેમણે ‘મેરે પાસ આઓ મેરે દોસ્તો….’ ગીત અમિતાભ બચ્ચનનાં અવાજમાં ડૈનીની શૈલીમાં ગવડાવ્યું અને પાછું ‘સ્વામી’માં યશુદાસના કંઠે ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનની ઠૂમરી ‘કા કરું સજની…’ ગવડાવ્યું. ગીત-સંગીતનો અર્થપૂર્ણ સમન્વય તેમના સંગીતમાં છલકાયો છે. 2001માં રાજેશ રોશનને ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ના ગીત-સંગીત માટે ‘ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકૅડેમી’ ઍવૉર્ડ મળ્યો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલ ફિલ્મ ‘વેલી ઑફ ફ્લાવર’માં તેમણે ‘જાને તમન્ના…’ ગીત તૈયાર કર્યું હતું, જે ઘણું લોકપ્રિય થયું. ફિલ્મસંગીતક્ષેત્રે અવનવા પ્રયોગ કરીને રાજેશ રોશન આજ દિન સુધી સક્રિય છે.
બીજલ બુટાલા
