રોવન બોનસ યોજના : ઉત્પાદન માટે પ્રમાણિત કરેલા સમય કરતાં ઓછા સમયમાં ઉત્પાદન કરવાથી થયેલા વધારાના નફામાંથી સમયની બચત કરનાર શ્રમિકને ભાગ આપવા માટે ડૅવિડ રોવને વિકસાવેલી પદ્ધતિ. આર્થિક પ્રવૃત્તિ ચલાવનારાઓને શ્રમની જરૂર હોય છે. બજારમાં શુદ્ધ સ્વરૂપે શ્રમ મળતો નથી. શ્રમ લેવા જતાં શ્રમિક મળે છે. ગુલામી પ્રથા અને બંધક પ્રથામાં શ્રમિકો ‘ખરીદી’ શકાતા હતા. વેઠિયા-પ્રથામાં પણ શ્રમિકની ‘ખરીદી’ના અંશો જોવા મળતા હતા. શ્રમિકને ખરીદવાની પ્રથા અમાનુષી પુરવાર થતાં તિરસ્કૃત બની. આ પ્રથાને ચાલુ રાખવા માટે સમાજની સંમતિ મળતી બંધ થઈ. બીજી બાજુ, શ્રમની જરૂરિયાત તો રહી જ. આથી શ્રમિકને વળતર આપીને શ્રમ મેળવવાનું શરૂ થયું. સમય જતાં, આર્થિક પ્રવૃત્તિઓમાં ખેતી ઉપરાંત ઉદ્યોગને પણ સ્થાન મળ્યું. ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં દ્રવ્ય, સમય, ઉત્પાદકતા વગેરે આદાનો(inputs)નાં પ્રમાણ (standard) નક્કી થઈ શક્યાં. શ્રમિક જો પ્રમાણિત સમયમાં પ્રમાણિત ઉત્પાદન કરે તો પ્રમાણિત પડતર સિદ્ધ થાય. જો એ પ્રમાણિત સમય કરતાં ઓછા સમયમાં પ્રમાણિત ઉત્પાદન કરે તો પડતર નીચી આવે, જેથી ધંધાદારીને વધારે નફાની ખાતરી થાય. શ્રમને મેળવવા માટે શ્રમિકની શક્તિ અને ઇચ્છા બન્નેની જરૂર છે. શ્રમિકની શક્તિ એનાં શારીરિક બળ અને કસબનો સરવાળો છે. શ્રમિકની ઇચ્છા શ્રમિકની બિલકુલ અંતર્ગત પરિસ્થિતિ છે. શ્રમિક પાસે શક્તિ છે કે કેમ તે વસ્તુલક્ષી માપદંડોથી માપી શકાય છે. એવી માપન-કસોટીમાંથી પાર ઊતરતા કામદારને સંતોષકારક વળતર આપીને શ્રમિકની શક્તિ મેળવી શકાય છે; પરંતુ એ જ કામદાર રોજેરોજ પ્રબળ ઇચ્છા પ્રગટાવી પ્રમાણિત સમયથી પણ ઓછા સમયમાં પ્રમાણિત કામ પૂરું કરે તેની ખાતરી મળતી નથી. તેથી પ્રમાણિત સમયથી ઓછા સમયમાં કામદાર પ્રમાણિત કામ પૂરું કરે તે માટે એની ઇચ્છાને ઉદ્દીપ્ત કરવી પડે છે. ઇચ્છા ઉદ્દીપ્ત કરવા માટે અનેક ઉપાયો વિચારવામાં આવ્યા છે અને રોજ નવા ઉપાયો વિચારાય છે. તેમાંનો એક ઉપાય તે વધારે કામના વધારાના વળતરનો છે, જે ‘બોનસ’ નામથી ઓળખાય છે. આમ, બોનસ એટલે પ્રમાણિત કાર્ય કરતાં વધારે કામ માટે વધારાનું વળતર. આ જ બાબતને સમયના પરિપ્રેક્ષ્યમાં એ રીતે મૂકી શકાય કે પ્રમાણિત સમય કરતાં ઓછા સમયમાં કામ પૂરું કરનારને સમય-બચત માટે અપાતું વધારાનું વળતર. આમ કરવાથી કામદારની ઇચ્છા ઉદ્દીપ્ત થાય છે. સમય-બચત કરનાર કામદાર વધારાના નફાને માટે કારણભૂત છે. આથી, વધારાના નફામાં એનો ભાગ આપવો તેમાં ન્યાય પણ છે.
બચાવેલા સમયનું કેટલું વળતર કામદારને આપવું તેની અનેકવિધ ગણતરીઓ જુદા જુદા વિચારકોએ આપી છે; એમાંની એક ગ્લાસગો શહેરના સ્કૉટિશ અને દરિયાઈ એન્જિનિયર ડૅવિડ રોવને આપેલી છે. એણે પોતાની ગણતરીમાં બચેલા સમયથી બચેલા ખર્ચાને કેન્દ્રમાં રાખી આ પ્રમાણેનું સૂત્ર આપ્યું :
આ સૂત્રને એક દાખલો લઈ આ રીતે સમજી શકાય :
ધારો કે એક કામદારને કલાકદીઠ રૂ. 20 આપવામાં આવે છે. પ્રમાણિત કામ એણે 6 કલાકમાં કરવાનું છે. એણે તે કામ 5 કલાકમાં પૂરું કર્યું. આ માહિતીને હવે સૂત્રમાં મૂકીએ તો :
આમ એને તે કામ માટે (રૂ. 20 પ્રતિ કલાક × કામનો સમય 5 કલાક =) રૂ. 100 મળવાને બદલે રૂ. 116.67 મળે. 5 કલાક પછી એ કામ કરવા માંગતો હોય તો તે કરી શકે છે. આથી એને જે કુલ રૂ. 120 વેતન મળવાનું હતું તેટલું કે તેનાથી વધારે બોનસ સહિતનું વેતન મળી શકે. જો કામદારે બચાવેલા 1 કલાક માટે વધારાનું કામ કરીને વધારે વેતન મેળવવાની તક તેને આપવામાં આવે નહિ તો સમાજમાં કામદારો ઉત્પાદકતા વધારશે નહિ; કારણ કે વાસ્તવમાં વધારે ઉત્પાદકતાનો બદલો આ કિસ્સામાં રૂ. 120 મળવાને બદલે રૂ. 116.67 મળે અને તેને રૂ. 3.33 જેટલા ઓછા વેતનની સજા મળે !
હવે, બીજા કિસ્સામાં આમ તો ઉપરના જેવી જ સરખી વિગતો છે, પણ એમાં એક ફેર એ છે કે કામદાર પ્રમાણિત કામ પૂરું કરવા માટે 8 કલાક લે છે. હવે આ માહિતી સૂત્રમાં આ રીતે મુકાશે :
આ કિસ્સામાં કામદારને પ્રમાણિત સમય પ્રમાણે રૂ. 120 અને લીધેલા સમય પ્રમાણે રૂ. 160 મળવા જોઈતા હતા, પરંતુ બિનકાર્યક્ષમતાની સજા તરીકે તેને ફક્ત રૂ. 106.67 મળશે.
આમ આ યોજના કાર્યક્ષમ કામદારને વધારે વળતર અને બિનકાર્યક્ષમને પ્રમાણમાં ઓછું વળતર આપે છે. અલબત્ત, આ પરિસ્થિતિ પેદા કરવા માટે કાચો માલ, યંત્રો, સાધનો, બળતણ વગેરે પ્રમાણિત હોવાં જોઈએ. એ પ્રમાણિત ધોરણે કામ આપતાં હોવાં જોઈએ. ભારતના ઉદ્યોગોમાં આ શરતનું બહુધા પાલન થતું નથી, તેથી રોવન બોનસ યોજના અમલમાં મૂકી શકાતી નથી.
સૂર્યકાન્ત શાહ