રોમનેસ્ક કલા અને સ્થાપત્ય : રોમનેસ્ક કલાનો ઉદભવ કેરોલિન્જિયન યુગ દરમિયાન સમ્રાટ શાર્લમૅનના સમય(768–814)માં થયો હતો. લગભગ એક હજાર વર્ષ પછી સમગ્ર રોમન સામ્રાજ્યમાં ઇટાલી, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સમાં બાંધકામની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ થઈ હતી. વિશેષત: ફ્રાન્સમાં આનો પ્રારંભ થયો હતો. અગિયારમીબારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્યશૈલી રોમનેસ્ક શૈલી તરીકે ઓળખાય છે. રોમનેસ્ક સ્થપતિઓ મોટેભાગે પ્રારંભિક ખ્રિસ્તી બસિલિકાના લંબાકાર પ્લાનને અનુસરતા હતા. રોમનેસ્ક દેવળોમાં ચાપાકાર ભાગ(ઍપ્સ, apse)ને વધુ લાંબો બનાવવામાં આવ્યો. આનાથી ધર્મગુરુઓને વિધિ માટે વધુ જગ્યા પ્રાપ્ત થઈ. ચાપાકાર ભાગના વિસ્તરણને કારણે દેવળનો પ્લાન ક્રૉસાકારલૅટિન ક્રૉસના આકાર જેવો બન્યો. ઍપ્સને ફરતો પ્રદક્ષિણાપથ અને તેને સંલગ્ન ચૅપલ્સ (નાનાં દેવળો) બહારની દીવાલમાં બાંધવામાં આવ્યાં. આ વિભાગ શવે (chevet) તરીકે ઓળખાય છે. ફ્રાન્સમાં સેંટ માર્ટિન ઑવ્ ટૉઅર્સના દેવળમાં આ પ્રકારની રચના જોવા મળે છે. બાંધકામમાં જુદી જુદી ખાણના પથ્થરોના વપરાશને કારણે સ્થાપત્યમાં વૈવિધ્ય જણાય છે. મકાનોની છત શરૂઆતમાં લાકડામાંથી બનાવાતી. ચણતરી છત માટે બૅરલ (barrel) કે ટનેલ (tunnel), ગ્રૉઇન (groin) કે ક્રૉસ (cross) છતની પદ્ધતિ વાપરવામાં આવી છે. બાયઝેન્ટાઇન કલાની અસર હેઠળ ક્યાંક ઘુમ્મટ(dome)નો પ્રયોગ પણ કર્યો છે. છતના આંતર અને બાહ્ય દબાણ સામે ટકી રહેવા દીવાલો પ્રમાણમાં વધુ જાડી અને બારીઓ નાના કદની રાખતા. દેવળના મધ્યમંડપ (nave) સાંકડા અને વૉલ્ટ (છત) નીચી રાખવામાં આવતાં.
ઇટાલીમાં મિલાનના સેંટ ઍમ્બ્રોજિયોના દેવળમાં ગૉથિક અસર જોવા મળે છે. આ દેવળ લૉમ્બાર્ડ લોકોએ બંધાવ્યું હતું. પ્રારંભિક ખ્રિસ્તી બસિલિકાના જેવો પ્લાન તે ધરાવે છે. રોમનેસ્ક સ્થાપત્યનું નોંધપાત્ર લક્ષણ એ છે કે તેમાં વર્તુલાકાર કમાનનો વધુ પડતો ઉપયોગ થયો છે. કેન્દ્રવર્તી કમાનાકાર દરવાજા (splayed doors), જોડિયા-બારી (twin windows), ચક્રાકાર બારીઓ (rose or wheel windows), પોલાણ વિનાની કમાનોની શ્રેણી (blind arcade) વગેરેનો ઉપયોગ પણ રોમનેસ્ક સ્થાપત્યમાં જોવા મળે છે. દરવાજાની સન્મુખે નિર્ગમિત (projected) પ્રવેશચૉકી–મુખભાગ(porch)ની રચના કરવામાં આવતી. મુખભાગના આગળના બે સ્તંભોની નીચેનો ભાગ છલંગ મારવાને ઉત્સુક હોય તે રીતે બેઠેલા (crouching) સિંહોનાં શિલ્પોથી સુશોભિત હોય છે. સ્તંભની ઉપર છત ટેકવેલી હોય છે. આવો મુખભાગ ‘લૉમ્બાર્ડ પૉર્ચ’ તરીકે ઓળખાય છે. પીસામાં ઇટાલિયન રોમનેસ્ક સ્થાપત્યનો રસપ્રદ સમૂહ આવેલો છે. ત્યાંના કથીડ્રલના મુખભાગમાં ઢળતા મિનારાના આઠ મજલા પોલાણ વિનાની કમાનશ્રેણી (blind arcades) વડે અલંકૃત છે. ફ્લૉરેન્સના સૅન મિનિયાટોના દેવળના મુખભાગમાં શ્ર્વેત અને શ્યામ આરસનું જડતરકામ (inlay) સુંદર છે.
જર્મનીમાં રહાઇન ખીણના પ્રદેશમાં સમ્રાટ શાર્લમૅન અને તે પછીના સમયમાં પણ બાંધકામની પ્રવૃત્તિ મોટે પાયે થઈ હતી. રોમનેસ્ક સ્થાપત્યની કલાના સમય દરમિયાન પણ અહીં કેરોલિન્જિયન અથવા આદ્ય-રોમનેસ્ક પરંપરા વિલંબિત થતી જણાય છે. અહીંનાં દેવળોમાં મધ્યમંડપ (nave) લાંબો રાખવામાં આવતો અને તેના બંને છેડે ઍપ્સ (ચાપાકાર ભાગ) રચવામાં આવતો. હિલ્ડેશેમનું સેંટ માઇકલનું દેવળ પ્રારંભિક રોમનેસ્ક કલાનું ઉમદા ઉદાહરણ છે. મેઇન્ઝ, વૉમર્સ સ્પેઇર, બેમ્બર્જ વગેરે સ્થળનાં કથીડ્રલ પણ આ શૈલીના નોંધપાત્ર દાખલા છે. ફ્રાન્સમાં વિશેષ કરીને પ્રૉવિન્સમાં આ શૈલીમાં નિર્મિત અનેક ઇમારતો આવેલી છે. એર્લેસમાં સેંટ ટ્રોફાઇમનું દેવળ ઉલ્લેખનીય છે. પેરિગુએક્સનું સેંટ ફ્રન્ટનું દેવળ ગ્રીક ક્રૉસાકારનો પ્લાન ધરાવે છે. તેની છત પર પાંચ ઘુમ્મટ આવેલા છે. તે વેનિસના સેંટ માર્કસના દેવળની નકલ સમાન લાગે છે. બર્ગન્ડીમાં કલની અને સિટેઑક્સના સ્થળે સંન્યાસીઓના મઠ સાથે સંકળાયેલાં દેવળો (= મઠનું દેવળ–abbey) આવેલાં છે. કલનીનું ઍબે ચર્ચ ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન સંપૂર્ણ નાશ પામ્યું હતું. તે સમયનું આ સૌથી મોટું દેવળ હતું. તે 196 મીટર લાંબું હતું. ઉત્તર ફ્રાન્સમાં નૉર્મન્ડીમાં મુખભાગે બે ટાવર અને મંડપના ક્રૉસાકાર ભાગે દીવાલ માટેના ટાવર ધરાવતી મજબૂત ઇમારતો બાંધવામાં આવી હતી. નૉર્મન લોકોએ ઇંગ્લૅન્ડ પાસેથી શૈલી અપનાવી હતી. દુર્હમ કથીડ્રલ આ શૈલીનો નોંધપાત્ર નમૂનો છે. નૉર્મનો પર લૉમ્બાર્ડ લોકોની સ્થાપત્યશૈલીનો પ્રભાવ પડ્યો છે. બર્ગન્ડીમાં કાએનના ઍબે-યોઝ-ઓમ (સટ એટીએને) અને ઍબે-ઓ-ફમ(સેંટ ટ્રિનિટી)નાં દેવળો આ પ્રકારના સ્થાપત્યનાં વિકસિત ઉદાહરણો છે.
શિલ્પ : રોમનેસ્ક કલામાં અનેક સંસ્કૃતિઓના અભિગમો ઘૂંટાયા છે. અગિયારમી સદી પછી પથ્થરમાં કોતરણી વડે કરેલું સુશોભનીય ભાતો જેવું અલંકરણ સ્થાપત્યના મુખ્ય ભાગો પર વિસ્તરેલું જે ધીમે ધીમે અર્ધમૂર્ત (relief) શિલ્પમાં પરિણમતું. આ શિલ્પમાં ખ્રિસ્તી કથાઓની સાથે સાથે ‘આરણ્યક’ જાતિઓની આકૃતિઓ (motifs) અને કથાઓ, પેગન (pagan) રોમન અને ગ્રીક કથાઓ, સાસાનિયન (Sassanian) અને સિથિયન (Scythian) પુરાકથાઓ અભિવ્યક્ત થતી. યુરોપના સ્થાપત્યના ઇતિહાસમાં છઠ્ઠી સદી પછી છેક છસો વર્ષ પછી રોમનેસ્ક કાળમાં બારમી સદીના પ્રારંભથી સ્થાપત્યનિર્ભર (architectural) શિલ્પ ફરી અસ્તિત્વમાં આવ્યાં. એમાં સ્થાપત્યના ખાલી આકારોને શિલ્પ દ્વારા ભરવામાં આવતા. દાખલા તરીકે ફ્રાન્સમાં શાર્લિયુ દેવળમાં અર્ધવર્તુળાકાર કમાનને ભરવા માટે અર્ધવર્તુળાકારે ‘લાસ્ટ સપર’ વિષય પરનું શિલ્પ બનાવીને ગોઠવ્યું છે. ફ્રાન્સના મ્વાસ્સાક, વેઝલે અને ઓત્તોં ચર્ચોમાં આ જ અભિગમ જોવા મળે છે. આ ચર્ચોના મુખદ્વારની કમાનોમાં ભરપૂર આકૃતિઓવાળાં અર્ધમૂર્ત શિલ્પો જોવા મળે છે, જે સ્થાપત્યના આકાર અને માળખાને અનુરૂપ છે. આ શિલ્પોમાં પ્રાગૈતિહાસિક કલા જેવું બિનવાસ્તવદર્શી બળકટ આલેખન છે. મ્વાસ્સાકની કમાનમાં ‘લાસ્ટ જજમેન્ટ’ના સંત જ્હૉનનું કયામતનું દર્શન આલેખાયું છે. કેન્દ્રમાં ઈસુ ચાર ઇવૅન્જલિસ્ટ્સ(પ્રચારકો)નાં પ્રાણીપ્રતીકો સાથે દર્શાવાયા છે. ઓત્તોંની કમાનમાં ‘લાસ્ટ સપર’ના અર્ધમૂર્ત શિલ્પમાં હતભાગી માનવો અને વિકરાળ દૈત્યોનું આલેખન વેધક છે. ઓત્તોંના એક અન્ય શિલ્પ ‘ઈવના મોહ’ એ શિલ્પી ગિઝલબર્ટની કૃતિ ગણાય છે. તેમાંની નગ્ન માનવાકૃતિઓમાં અતિશય નમનીયતા જોવા મળે છે. જર્મનીના હિલ્ડેશાઇમ ચર્ચમાં અને ઇટલીના વેરોના નગરના સાન ઝેનો ચર્ચના દ્વારે જડેલાં કાંસાનાં (bronze) અર્ધમૂર્ત શિલ્પોના આકારોમાં પ્રબળ આવેગ જોઈ શકાય છે. વિષય અહીં ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ્સ છે. રોમનેસ્ક શિલ્પી પાસે કલ્પના અને અભિવ્યક્તિની અપાર ક્ષમતા હતી.
ચિત્ર : રોમનેસ્ક કલામાં ચિત્રકલા ગૌણ બની રહેલી. અમુક તબક્કે તો માત્ર રોજની વપરાશનાં પાત્રો પર જ તે પ્રચલિત હતી. કેટલાક સમર્થ શાસકોના સમયમાં ચિત્રો થયાં. દાખલા તરીકે શાર્લમાનના શાસનકાળમાં પોથીચિત્રોમાં વાસ્તવદર્શન અને ગતિશીલતાના અખતરા થયા. ‘સાલ્ટર’ (ગીતમાલા) અને ‘રૉયલ બાઇબલ’ એના ઉત્તમ નમૂના છે. આયર્લૅન્ડમાં ‘બુક ઑવ્ કૅલ્સ’માં અક્ષરાંકન સાથે સુશોભનીય ભાત સાંકળવામાં આવી હતી. ‘બાયુ ટૅપિસ્ટ્રિ’ના કપડાના લાંબા પટમાં ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેના યુદ્ધનું આલેખન ભરતગૂંથણમાં કરવામાં આવ્યું હતું. કેરોલિન્જિયન પોથીચિત્રોનાં પૂંઠાં પર હીરામાણેક જડવામાં આવ્યા હતા અને ચર્ચના ક્રિયાકાંડમાં વપરાતાં દંડ, થાળ, દારૂની પ્યાલી ઇત્યાદિ પાત્રો પર સોનું જડવામાં આવ્યું. આ બધાં અલંકરણમાં વપરાયેલી આકૃતિઓ મૂળ બર્બર કહેવાતી જંગલી જાતિઓની શિલ્પાકૃતિઓમાંથી અપનાવવામાં આવી હતી.
રોમનેસ્ક યુગમાં ખ્રિસ્તી મઠાધીશો અને રાજવીઓ વચ્ચે સત્તાના વિવાદ સર્જાયા હતા. સુધારાના હિમાયતીઓ પર અત્યાચારો થયા હતા. શહીદોની મોટી પરંપરા સર્જાઈ હતી. ઈસુએ આત્મબલિદાન વડે ચીંધેલા રસ્તે અનેક સંતો શહીદ થયા. ખ્રિસ્તી સમાજે જ આચરેલા આ નિર્મમ અત્યાચારોની ગાથા ઘણા મહેલોનાં ભીંતચિત્રોમાં વર્ણવાઈ હતી.
રોમનેસ્ક ચિત્રકલા મૂળભૂત રીતે દ્વિપરિમાણી છે. ત્રિપરિમાણ તથા પ્રકાશછાયાના એમાં કોઈ પ્રયત્નો કે પ્રયોગો જોવા મળતા નથી. સપાટ પૂરેલા ઘેરા રંગોમાં ચિત્રિત આકૃતિઓ કાળી ઘેરી બાહ્ય રેખાથી બંધાયેલી છે. ઉત્તમ પોથીચિત્રોમાં લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાં રહેલું. અગિયારમી સદીનું ‘સ્ટેપેલોટ બાઇબલ’, બારમી સદીમાં જર્મન ઇલસ્ટ્રેટર માસ્ટર હ્યૂગો દ્વારા ચિત્રિત અને હાલમાં સેંટ ગોટેહાર્ટ ચર્ચમાં રહેલું ‘બરી બાઇબલ’, બારમી સદીમાં બ્રિટનમાં ચિત્રિત ‘વિન્ચેસ્ટર બાઇબલ’ તથા પૅરિસના બિબ્લિયોથિક નૅશનાલેમાં રહેલું ‘પૅરિસ સાલ્ટર’ તથા બ્રસેલ્સના બિબ્લિયોથિક રૉયેલમાં રહેલ જર્મનીના કૉલોન નગરમાં તેરમી સદીમાં ચિત્રિત ‘ગૉસ્પેલ્સ ફ્રૉમ સેંટ માર્ટિન’નો સમાવેશ થાય છે. આ ચિત્રોમાં માનવઆકૃતિઓએ પહેરેલાં કપડાંની ગડ માત્ર આછી કે ઘેરી રેખા વડે એટલે કે રંગોની છાયા (tone) કે છટા (tint) વગર દ્વિપરિમાણથી સૂચવેલી છે. તેમાંના માનવ-ચહેરા લગભગ એકસરખા છે.
અમિતાભ મડિયા
થૉમસ પરમાર