રોમની સંધિ (1957) : સહિયારા બજાર અથવા જકાત મંડળની સ્થાપના માટે પશ્ચિમ યુરોપના છ દેશોએ 1957માં રોમ ખાતે કરેલી સંધિ. સ્થાપના વખતે તેમાં ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝેમ્બર્ગ – આ છ દેશો જોડાયા હતા. આ સંધિ હેઠળ 1 જાન્યુઆરી, 1958થી ‘યુરોપિયન આર્થિક સમુદાય’ (European Economic Community) નામનું આર્થિક સંગઠન કાર્યશીલ બનતાં તે વાસ્તવમાં અસ્તિત્વમાં આવ્યું, જે ‘યુરોપના સહિયારા બજાર’(European Common Market)ના નામથી વધુ જાણીતું બન્યું. સભ્ય દેશો વચ્ચે મુક્ત વ્યાપાર થઈ શકે; તેમની વચ્ચે વસ્તુઓ, સેવાઓ, મૂડી અને શ્રમની મુક્ત હેરફેરમાં નડતા અવરોધો દૂર થઈ શકે; સમાન વ્યાપારનીતિ ઘડી કાઢી તેનો અમલ થઈ શકે; સમાન કૃષિનીતિ અને સમાન વાહનવ્યવહારનીતિ અખત્યાર કરી શકાય – આવા વિવિધ હેતુઓથી આ સંધિ કરવામાં આવી હતી. 1967માં આ સંગઠન ‘યુરોપીય સમુદાય’ (European Community) અને ત્યારબાદ ‘યુરોપિયન યુનિયન’ (European Union) નામથી પ્રચલિત બન્યું. સમયાંતરે આ સંગઠનમાં જોડાયેલા આર્થિક રીતે પછાત પ્રદેશોમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બૅંક સ્થાપવામાં આવી અને તેના હસ્તક યુરોપિયન રિજનલ ડેવલપમેન્ટ ફંડ ઊભું કરવામાં આવ્યું છે, જે ઉપર્યુક્ત પછાત પ્રદેશોના વિકાસ માટે ધિરાણ કરી શકશે અથવા નાણાકીય સહાય પૂરી પાડી શકશે.
જાન્યુઆરી 1958થી આ સંગઠન કાર્યશીલ બનતાં સભ્ય દેશો વચ્ચેની અરસ-પરસની આંતરિક આયાત-જકાતો નાબૂદ કરવામાં આવી તથા 1 જુલાઈ, 1968થી બાહ્ય જકાતના સમાન દરો લાગુ પાડવામાં આવ્યા. તે જ વર્ષથી સભ્ય દેશો વચ્ચે સમાન કૃષિનીતિનો અમલ શરૂ થયો. આ સંધિ હેઠળ કામદારો અને તેમના પરિવારજનો સભ્ય દેશોના ભૌગોલિક વિસ્તારોમાં મુક્ત રીતે કોઈ પણ જાતના પરવાના (permit) વિના હેરફેર કરી શકે તેવી વ્યવસ્થા લાગુ પાડવામાં આવી. વળી, બધા જ કામદારો માટે સામાજિક સલામતીના તથા બધા નાગરિકો માટે કરવેરાનાં સમાન ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવ્યાં.
1957માં આ સંધિ થઈ ત્યારે જે છ સભ્ય દેશો તેમાં જોડાયા હતા તે ઉપરાંત ભવિષ્યમાં નવા સભ્યો લેવાની જોગવાઈ પણ સંધિના ખતપત્રમાં કરવામાં આવી હતી અને તે મુજબ 1 જાન્યુઆરી, 1973થી આયર્લૅન્ડનું પ્રજાસત્તાક, ઇંગ્લૅન્ડ અને ડેન્માર્ક – આ ત્રણ સભ્યો આ સંગઠનમાં જોડાયા. તેમના કિસ્સામાં 1 જાન્યુઆરી, 1977થી પરસ્પરના આંતરિક જકાતની નાબૂદી અને જકાતના સમાન બાહ્ય દરોનું ધોરણ અમલમાં મૂકવામાં આવ્યું. 1981માં ગ્રીસ, 1986માં સ્પેન અને પૉર્ટુગલ તેમજ 1995માં ઑસ્ટ્રિયા અને ફિનલૅન્ડ આ સંગઠનમાં જોડાયાં. પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થતાં 1990માં પૂર્વ જર્મનીનો પ્રદેશ પણ તેમાં સભ્ય તરીકે સમાવી લેવામાં આવ્યો.
મૅસ્ટ્રિચ (mastricht) અને ઍમસ્ટરડૅમની સંધિઓ હેઠળ રોમની મૂળ સંધિના ખતપત્રમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
1986માં યુરોપના બધા જ દેશોને સમાવી લેતું યુરોપનું સહિયારું બજાર અસ્તિત્વમાં આવ્યું અને તે માટે એક સમયબદ્ધ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો, જેના નેજા હેઠળ બધા જ પ્રકારના વિનિમય-અંકુશો તથા આંતરિક વાહનવ્યવહાર પરનાં તથા પરસ્પરની સરહદો પરનાં બધાં જ નિયંત્રણો નાબૂદ કરવામાં આવ્યાં.
મૅસ્ટ્રિચની સંધિ દ્વારા યુરોપીય મૉનિટરી યુનિયનની સ્થાપના કરવામાં આવી છે. આ જ સંધિ દ્વારા સમગ્ર યુરોપ માટે એક મધ્યસ્થ બૅંક અને સમાન ચલણ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો અમલ 1 જાન્યુઆરી 2003થી કરવામાં આવ્યો છે. આ સમાન ચલણને ‘યુરો કરન્સી’ નામ આપવામાં આવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે