રોપર નદી : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 14° 43´ દ. અ. અને 135° 27´ પૂ. રે.. આ નદી માતરંકાની પૂર્વમાં બૅઝવિક ખાડીમાં વહેતી ઘણી નદીઓના સંગમથી બને છે. તે અર્નહૅમ લૅન્ડ તરીકે ઓળખાતા અસમતળ વિસ્તારની દક્ષિણ સીમા રચે છે. 400 કિમી.ના અંતર સુધી વહીને તે કાર્પેન્ટરિયાના અખાત પરના લિમેન સમુદ્રી વિભાગમાં ઠલવાય છે. આ નદીરચનાથી તૈયાર થતું જળપરિવાહથાળું કુલ 60,860 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેમાં ઉનાળામાં પાણી આવતું હોવાથી તેટલા સમયગાળા પૂરતો તેનો વિસ્તાર વધે છે. તેની સહાયક નદીઓમાં સ્ટ્રેન્જવેઝ, હૉગસન, વિલ્ટન, એલ્સી તેમજ ફ્લાઇંગ ફૉક્સ ખાડી વિસ્તારનો સમાવેશ થાય છે. ઉત્તરકાંઠાને મળતી નદીઓ અર્નહેમ લૅન્ડ ઉચ્ચપ્રદેશના ઉગ્ર ઢોળાવવાળી ભૂમિમાંથી વહીને આવતી હોવાથી તે નદીઓએ ઊભાં કોતરો રચ્યાં છે.
આ નદી તેના મુખથી આશરે 160 કિમી. સુધી પશ્ચિમ તરફ નૌકાઅવરજવર (જળમાર્ગ) માટે ઉપયોગમાં લેવાય છે. 1845માં જર્મન અભિયંતા લુડવિગ લી શાર્ટે તેમાં સફર કરેલી. આ અભિયાનના એક સભ્યના નામ પરથી તેણે ‘રોપર’ નામ આપેલું. સ્ટુઅર્ટ હાઇવે અને નૉર્થ ઑસ્ટ્રેલિયા રેલવે તેના ઉપરવાસમાં 80 કિમી. સુધી સમાંતર ચાલી જાય છે. અખાતથી પશ્ચિમ તરફ નદીના ઉપરવાસમાં આશરે 100 કિમી.ના અંતરે તેના કાંઠા પર રોપર રીવર (1908) નામનું એક નગર આવેલું છે. તેમાં અહીંના આદિવાસીઓ માટે શાળા-શિક્ષણની વ્યવસ્થા છે. આ વિસ્તારમાં પશુપાલન થાય છે અને ખેતીના મિશ્રપાકો લેવાય છે. નદીમુખથી ઉત્તર તરફ અર્નહેમ લૅન્ડનું નષ્ટપ્રાય શહેર (ruined city) આવેલું છે. અહીંનો ભૂમિવિસ્તાર રેતીખડકોથી બનેલો છે. તેમાંથી બનાવેલાં મકાનો સમયની સાથે ઘસારો થવાથી ખંડિયેર હાલતમાં આવેલાં જોવા મળે છે.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા