રોનોક ટાપુ (Roanoke Island or Lost Colony)
January, 2004
રોનોક ટાપુ (Roanoke Island or Lost Colony) : યુ.એસ.ના ઉત્તર કૅરોલિના રાજ્યના કિનારાથી દૂર રોનોક ટાપુ પર 1587માં સ્થપાયેલી અંગ્રેજ વસાહત માટે અપાયેલું નામ. આ વસાહતને વિશેષે કરીને ‘Lost Colony’(ગુમ થયેલી વસાહત)ના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં વસાવેલા લોકો ક્યાં ગયા તથા તેમનું શું થયું તેની કોઈ માહિતી તે પછીથી મળી શકી નથી. ઉત્તર અમેરિકા ખાતે વસાવાયેલી આ બીજી વસાહત હતી, 1585માં આ ટાપુ પર જ પ્રથમ વસાહત વસાવવામાં આવી હતી.
એક અંગ્રેજ સૈનિક તથા અભિયંતા સર વૉલ્ટર રેલે દ્વારા અહીં પહેલી વસાહત સ્થાપવાનો મુખ્ય હેતુ એ હતો કે પછીની વસાહતોને જરૂરી પુરવઠો પૂરો પાડી શકાય તથા ત્યાં અવરજવર કરતાં રહેતાં અંગ્રેજ જહાજોનું સમારકામ કરવું પડે તો કરી શકાય; પરંતુ અહીં બે વર્ષથી રહેતા જૂના વસાહતીઓએ અનુભવ્યું હતું કે ટાપુ આસપાસનો સમુદ્રભાગ છીછરો હોવાથી જહાજો અહીં થોભી શકતાં નથી. વળી ટાપુ પર ઇન્ડિયનો પણ વસે છે અને ટાપુની ભૂમિ પર વસાહતીઓ તેમજ ઇન્ડિયનો – બધાંને માટે પૂરતા કૃષિપાકો લઈ શકાય અને નભી શકાય એવી ઉપજાઉ જમીનો પણ નથી. આ કારણે અહીં આવેલા વસાહતીઓ છેવટે આ સ્થળ છોડીને પાછા ઇંગ્લૅન્ડ જતા રહ્યા.
વસાહતીઓના ટાપુ છોડ્યાના થોડાક જ દિવસો પછી રેલેએ ઇંગ્લૅન્ડથી મોકલેલું બીજા વસાહતીઓ અને અગાઉના વસાહતીઓ માટેની જરૂરિયાતોના પુરવઠાથી ભરેલાં જહાજોનું એક જૂથ આ ટાપુ પર આવી પહોંચ્યું, પરંતુ નવા વસાહતીઓએ જોયું કે અહીંના જૂના વસાહતીઓ ટાપુ છોડીને જતા રહ્યા છે. તેઓ પણ પાછા વળતા જહાજમાં બેસીને ઇંગ્લૅન્ડ જતા રહ્યા, માત્ર 15 સાહસિકો જ આ ટાપુ પર રોકાયા.
1587ના મે માસમાં, રેલેએ વળી પાછા બીજા વસાહતીઓને પ્રથમ વસાહતી-જૂથના એક સભ્ય જૉન વ્હાઇટની આગેવાની હેઠળ અહીં અમેરિકા ખાતે મોકલ્યા, જેથી તેઓ ચીઝપીક અખાતના કાંઠે જઈને વસે. આ વસાહતીઓ જ ગુમ થઈ ગયેલા વસાહતીઓ હતા. 1587ના જુલાઈમાં, નવા વસાહતીઓને લાવનાર જહાજોના કમાંડરે રોનોકના ટાપુથી વધુ આગળ જવાની ના પાડી અને સાથેના વસાહતીઓને ફરજિયાત રોનોક ટાપુ પર ઉતારી મૂક્યા. જ્યારે વસાહતીઓ ઊતર્યા ત્યારે 91 પુરુષો, 17 સ્ત્રીઓ અને 9 બાળકો મળી કુલ 117 લોકો હતાં. તે પછીના 27 દિવસો બાદ, 18મી ઑગસ્ટે, જૉન વ્હાઇટની પુત્રી એલિનૉરે આ ટાપુ પર બાળકીને જન્મ આપ્યો. અમેરિકી ધરતી પર સર્વપ્રથમ જન્મનાર આ અંગ્રેજ બાળકીનું નામ વર્જિનિયા ડૅર (Virginia Dare) પાડવામાં આવ્યું. તેના પિતા ઍનાનિયસ ડૅર પણ એક વસાહતી તરીકે આવેલા. પછીથી ઑગસ્ટમાં જ જૉન વ્હાઇટ બીજો પુરવઠો લેવા ઇંગ્લૅન્ડ ગયા.
1588માં સ્પૅનિશ નૌકાદળે ઇંગ્લૅન્ડ પર હુમલો કર્યો. સ્પેન–ઇંગ્લૅન્ડ વચ્ચેના આ યુદ્ધને કારણે જૉન વ્હાઇટથી 1590ના ઑગસ્ટ સુધી પુરવઠો લઈને જઈ શકાયું નહિ. ત્યારપછી તે જ્યારે પણ રોનોક પહોંચ્યો ત્યારે જૂની વસાહત ટાપુ છોડીને ચાલી ગઈ હતી. જતાં પહેલાં તેમણે એક વૃક્ષ પર CRO અને બીજા વૃક્ષ પર Croatoan અક્ષરો કોતરેલા હતા તે જોયા.
ક્રોઆટોઅન અથવા હાતીરસ (Hatteras) ઇન્ડિયનો આ ટાપુથી દક્ષિણે આવેલા બીજા એક ટાપુ પર રહેતા હતા, તેમની સાથે તો વસાહતીઓને મિત્રતાભર્યો મેળ હતો, કોઈ ખટરાગ ન હતો. અહીં લવાયેલા અંગ્રેજ વસાહતીઓને ખરેખર તો ચીઝપીક અખાત તરફ લઈ જવાની વાત હતી; તેમ છતાં વ્હાઇટે ક્રોઆટોઅન લોકો સાથે વસાહતીઓ રહેવા ગયા છે કે નહિ તેની ખાતરી કરી જોવાનો નિર્ણય કર્યો. પરંતુ વાવાઝોડાને કારણે તેમજ મોસમ પૂરી થઈ ગઈ હતી અને પાછા જવાનો સમય થઈ ગયો હતો, તેથી તપાસ કરવા જવાનું માંડી વાળ્યું. ગમે તેમ, રોનોક ટાપુ પર રહેવા આવેલા વસાહતીઓ તેમના પછી આવેલા કોઈ યુરોપિયનોને જોવા મળ્યા નહિ.
કેટલાક અર્વાચીન ઇતિહાસકારો એવું પણ વિચારે છે કે ગુમ થઈ ગયેલા મોટાભાગના વસાહતીઓ કદાચ ચીઝપીક અખાત ખાતે ગયા પણ હોય ! ત્યાંના ઇન્ડિયનો સાથેના સંઘર્ષોમાં માર્યા પણ ગયા હોય ! વર્જિનિયાવાસીઓની દંતકથાઓમાંથી એવો નિર્દેશ મળે છે કે ગુમ થયેલી વસાહતના સભ્યો કદાચ જુદી જુદી જગાઓ પર ઇન્ડિયનોની જુદી જુદી જાતિઓમાં ભળી પણ ગયા હોય ! ઉત્તર કૅરોલિનાના અગ્નિભાગમાં આજે વસતા લુમ્બી ઇન્ડિયનો પોતાને આ ગુમ થયેલા વસાહતીઓના વંશજો માને છે.
ગિરીશભાઈ પંડ્યા