રોઝેલિનો, બર્નાર્ડો

January, 2004

રોઝેલિનો, બર્નાર્ડો (જ. 1409, ઇટાલી; અ. 1464, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. કબર પર પથ્થરમાં કોતરકામ દ્વારા શણગાર કરી તે શિલ્પ સર્જતો.

ફ્લૉરેન્સમાં આવેલી લિયોનાર્દો બ્રુનીની કબર રોઝેલિનોનું શ્રેષ્ઠ સર્જન મનાય છે. કબર પર તેણે બ્રુનીના જીવનના કેટલાક પ્રસંગો અર્ધમૂર્ત (relief) રીતે કોતરીને પ્રાચીન રોમન દર્શનના સિંહાવલોકી (retrospective) અભિગમ સાથે બ્રુનીના આત્માની મરણોત્તર ગતિની કલ્પનાઓ કોતરીને ખ્રિસ્તી દર્શનની મરણોત્તર જીવન અને મુક્તિ માટેની અભિલાષાનો યોગ કર્યો છે.

ભૌતિકવાદી રોમન દર્શન તથા મરણોત્તર જીવન અને આત્મામાં  વિશ્વાસ ધરાવનાર ખ્રિસ્તી દર્શનનો સમન્વય એના શિલ્પમાં થયો છે.

બે તદ્દન ભિન્ન દર્શનનો યોગ રોઝેલિનોની વિશિષ્ટ સિદ્ધિ ગણાય છે.

અમિતાભ મડિયા