રોઝેલિની, રૉબર્ટો (જ. 8 મે 1906, રોમ, ઇટાલી; અ. 3 જૂન 1977, રોમ) : દિગ્દર્શક. પિતા : સ્થપતિ. નવયથાર્થવાદી ફિલ્મોના પ્રવર્તક ગણાતા અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલિયન ચિત્રોને નવજીવન આપનારા સર્જકોમાંના એક ગણાતા રોઝેલિનીએ ઓછા બજેટમાં અસરકારક ચિત્રો બનાવવાના સફળ પ્રયોગો કર્યા હતા. આવા પ્રયોગો માટે તેઓ કૅમેરા અને લેન્સમાં પોતાની જરૂરિયાત મુજબના ફેરફારો પણ કરતા રહેતા. 1938માં લઘુ ચિત્રોનું નિર્માણ કરીને તેમણે પ્રારંભ કર્યો હતો. રોમની નજીક તેમના પોતાના એક મકાનમાં એ માટે તેમણે સ્ટુડિયો ખડો કર્યો હતો. તેમણે બનાવેલું બીજું જ લઘુ ચિત્ર અશિષ્ટ છે તેમ જણાવીને ઇટાલિયન સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સમયગાળામાં ઇટાલીની ફાસીવાદી સરકાર ખાધેપીધે સુખી પરિવારના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય ચલચિત્ર-ઉદ્યોગ તરફ આકર્ષવાના પ્રયાસો કરતી હતી. રોઝેલિની તેમાં જોડાઈ ગયા અને પ્રચારાત્મક ચિત્રો બનાવતા દિગ્દર્શકોના સહાયક બની ગયા.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ યુદ્ધની વિભીષિકા દર્શાવતાં તેમનાં ચિત્રોએ દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો હતો. તેમનાં ચિત્રોમાંના નવવાસ્તવવાદે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. યુદ્ધચિત્રોમાં તેમણે કથાના નિરૂપણમાં જે સમાચાર-શૈલી અપનાવી હતી તે જોઈને અમેરિકા અને યુરોપના પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા. ખાસ કરીને બે ચિત્રો ‘રોમ : ઓપન સિટી’ (1945) અને ‘પેઇઝા’ (1946) નોંધપાત્ર છે. ‘જર્મન : યર ઝીરો’(1947)માં તેમણે યુવા-જર્મનો પર નાઝીવાદની શી અસર છે તેનું નિરૂપણ કર્યું હતું. આ ત્રણેય ચિત્રોનાં ચિત્રાંકનમાં વાસ્તવિક સ્થળો અને બિનધંધાદારી અભિનેતાઓનો તેમણે જે રીતે ઉપયોગ કર્યો હતો તે આજે બેમિસાલ ગણાય છે. તેમાં કથાચિત્રોની પ્રવાહિતા સાથે દસ્તાવેજી ચિત્રોના નક્કર વાસ્તવનો તેમણે સમન્વય કર્યો હતો. આ ચિત્રોએ તેમને નવયથાર્થવાદી ચિત્રોના સર્જક તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. 1950માં ખ્યાતનામ સ્વીડિશ અભિનેત્રી ઇન્ગ્રિડ બર્ગમૅન સાથે તેમણે લગ્ન કર્યાં હતાં અને જોડિયાં બાળકોના પિતા બન્યા હતા. આ બે પૈકી એક ઇઝાબેલા રોઝેલિની અભિનેત્રી અને મૉડેલ તરીકે ખ્યાતિ મેળવી ચૂકી છે.
બર્ગમૅન સાથેનાં લગ્ન પહેલાંના તેમના પ્રણયસંબંધે ખાસ્સો વિવાદ જગાવ્યો હતો અને તેને કારણે હૉલિવુડે ઇન્ગ્રિડ બર્ગમૅનનો બહિષ્કાર કર્યો હતો. બંનેએ સાથે જે ચિત્રો બનાવ્યાં તે પણ નોંધપાત્ર હતાં. જોકે સમીક્ષકોએ આ ચિત્રોમાં રોઝેલિનીની અસર ઓછી હોવાની ટીકા કરી હતી. તેમનાં બે ચિત્રો ‘સ્ટ્રૉમ્બોલી’ અને ‘યુરોપા 51’ એ સમયે પસંદ કરાયાં નહોતાં પણ તાજેતરનાં વર્ષોમાં તેનું પુનર્મૂલ્યાંકન કરાયું અને હવે તે રોઝેલિનીનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સ્થાન પામી ચૂક્યાં છે. 1957માં બર્ગમૅન સાથે છૂટાછેડા લીધા પછી તેમણે જે ચિત્રો બનાવ્યાં છે તે પણ ખૂબ વખણાયાં છે. ખાસ કરીને ‘જનરલ ડેલા રોવર’(1959)ને સફળતા મળી હતી. 1960 પછી તેમણે ઇટાલિયન અને ફ્રેન્ચ ટેલિવિઝન માટે કેટલાંક ઐતિહાસિક દસ્તાવેજી ચિત્રો બનાવ્યાં હતાં. 1958માં તેમણે એક દસ્તાવેજી ચિત્ર ‘ઇન્ડિયા’ બનાવ્યું હતું. એ જ વર્ષે મૉસ્કો ખાતેના આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં તે દર્શાવાયું હતું. ફિલ્મ-સમીક્ષકોએ આ ચિત્ર અંગે મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા.
નોંધપાત્ર ચિત્રો : ‘ઓપન સિટી’ (1945), ‘પાઈસા’ (1946), ‘જર્મની યર ઝીરો’ (1948), ‘સ્ટ્રૉમ્બોલી’ (1949), ‘યુરોપા’ (1951), ‘જનરલ ડેલા રોવેર’ (1959), ‘લુઇ-14 સીઝીસ પાવર’ (1966), ‘અલમેસિયા’ (1976) અને બીજાં ઘણાં.
હરસુખ થાનકી