રોજા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : તમિળ. રંગીન. નિર્માણ-સંસ્થા : કવિતાલય પ્રોડક્શન્સ પ્રા. લિ. . દિગ્દર્શક : મણિરત્નમ્. છબિકલા : સંતોષ સિવન. સંગીત : એ. આર. રહેમાન. મુખ્ય કલાકારો : અરવિંદ, મધુ, પંકજ કપૂર, જનકરાજ, નઝર.

દેશની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ ફેંકતું અને પહેલી જ વાર કાશ્મીરી આતંકવાદના સીધા ઉલ્લેખ સાથે બનાવાયેલું આ ચિત્ર વીસમી સદીના અંતિમ દાયકામાં બનેલું ખૂબ જ નોંધપાત્ર બની રહ્યું. ચિત્રની કથા એવી છે કે એક ઋષિકુમાર કમ્પ્યૂટર-એન્જિનિયર છે. લગ્ન પછી તુરત તેને કાશ્મીરમાં એક સર્વેક્ષણ કરવા માટે સરકાર મોકલે છે. તેની પત્ની રોજા પણ તેની સાથે જાય છે. કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક ખતરનાક આતંકવાદી વસીમખાનને પકડ્યો હોય છે. આ વસીમખાનને છોડાવવા માટે આતંકવાદીઓ ઋષિકુમારનું અપહરણ કરે છે અને તેને મુક્ત કરવાના બદલામાં વસીમખાનને છોડી દેવાની માંગણી કરે છે. બીજી બાજુ રોજા પોતાના પતિને છોડાવવા માટે સરકારની એક કચેરીએથી બીજી કચેરીએ ફર્યા કરે છે. છેક સુધી તેના પ્રયાસ છોડતી નથી. બીજી બાજુ ઋષિકુમાર એવું નથી ઇચ્છતો કે પોતાના બદલામાં ખતરનાક આતંકવાદી છૂટી જાય. અપહરણ કરીને તેને ગોંધી રાખનાર જૂથના સરદાર લિયાકતને તે સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ રીતે નિર્દોષોનાં લોહી રેડીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકવાનો નથી. લિયાકત તેની વાતનો મર્મ તો સમજે છે, પણ કોઈ પણ રીતે પોતાનો મકસદ પાર પાડવા માટે અંધ બનેલો તે આવી કોઈ વાતની પરવા કરતો નથી. દરમિયાન રોજાના પ્રયાસોથી ઋષિકુમારને છોડાવવા માટે સરકાર વસીમખાનને છોડી દેવા તૈયાર થઈ જાય છે, પણ જે સ્થળે પ્રત્યાર્પણ કરવાનું નિર્ધારિત કરાયું છે ત્યાં ઋષિકુમાર પહોંચી શકતો નથી, કારણ કે તે આતંકવાદીઓની કેદમાંથી ભાગી છૂટ્યો હોય છે. તેનો પીછો કરીને લિયાકત તેને પકડી પાડે છે તેમ છતાં તેને રોજા પાસે જવા દે છે. એક આતંકવાદીના હૃદયમાં થઈ રહેલા સળવળાટને પણ દિગ્દર્શકે સાંકેતિક રીતે રજૂ કર્યો છે. ‘રોજા’ને રાષ્ટ્રીય એકતા પર બનેલા સર્વોત્તમ ચિત્ર માટેનો નરગીસ દત્ત પુરસ્કાર અપાયો હતો. આ ઉપરાંત પણ આ ચિત્રને બીજાં ઘણાં પારિતોષિકો મળ્યાં હતાં. આ ચિત્ર હિંદીમાં ડબ કરાયું હતું. પહેલી જ વાર દક્ષિણ ભારતીય ભાષામાંથી ડબ કરાયેલા ચિત્રને દેશભરમાં જબરદસ્ત આવકાર મળ્યો હતો. તેને કારણે દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચિત્રોને હિંદીમાં ડબ કરવાનો નવો પ્રવાહ શરૂ થયો હતો. હિંદી ‘રોજા’માં મૂળ તમિળમાં લખાયેલાં ગીતોની ગાયકી યથાવત્ રાખીને તે પ્રમાણે જ હિંદીમાં ગીતો લખવામાં આવ્યાં હતાં. આ પ્રયોગ પણ ખૂબ સફળ થયો હતો. હિંદીમાં ડબ કરાયેલા ચિત્ર ‘રોજા’નાં ગીતો ‘દિલ હૈ છોટા-સા… છોટી-સી આશા…’, ‘રુકમણિ રુકમણિ…’ તથા ‘રોજા જાનેમન….’ ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘રોજા’ની સફળતા સાથે ભારતીય ફિલ્મોમાં એક મેધાવી અને પ્રતિભાશાળી યુવાન સંગીતકાર એ. આર. રહેમાનનું આગમન થયું હતું. રહેમાનને આ ચિત્ર માટે શ્રેષ્ઠ સંગીતકારનું અને તમિળ ગીતકાર વેરમુથુને શ્રેષ્ઠ ગીતકારનું રાષ્ટ્રીય પારિતોષિક એનાયત કરાયાં હતાં. મણિરત્નમને શ્રેષ્ઠ દિગ્દર્શકનું તમિળ ચિત્રો માટેનું ‘ફિલ્મફેર’ પારિતોષિક મળ્યું હતું.

હરસુખ થાનકી