રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ) : આશરે 1750થી 1800 દરમિયાન પશ્ચિમ યુરોપની પ્રભાવક કલાશૈલી. રોકોકોની પુરોગામી બરોક કલાશૈલીમાં વેવલી (insipid) કોમળતા, ઠઠારા અને વૈભવપ્રદર્શનનો અતિરેક થતાં બરોક કલાનું સૌષ્ઠવ નંદવાયું અને રોકોકો કલાનો જન્મ થયો. ફ્રેન્ચ શબ્દ રોકોકોનો અર્થ છે : શંખ-અલંકરણ (shell-decoration). શંખમાં જોવા મળતા અંતર્ગોળ અને બહિર્ગોળ આકારોનું બાહુલ્ય રોકોકો શણગારમાં જોવા મળતું હોવાથી સમકાલીન વિવેચકો દ્વારા આ નામાભિધાન થયું.
રોકોકો કલાપ્રવાહનું મુખ્ય લક્ષણ કલાકૃતિઓમાં અંકિત થયેલાં ઉલ્લાસ, રતિશૃંગાર, કામક્રીડા અને દુન્યવી વૈભવોને ભોગવવાના ઉન્માદને ગણી શકાય. ચિત્રોમાં ઠઠારાવાળા પોશાકોમાં સજ્જ થયેલી માનવઆકૃતિઓ સુંદર બગીચા અને સુશોભનથી અલંકૃત ભવ્ય મહાલયોની પશ્ચાદભૂમાં ઉજાણી કરતી, ટોળટપ્પાં અને મજાક કરતી તથા પ્રેમક્રીડા કરતી ચીતરાય છે. તેમાં ઉલ્લાસ, રતિશૃંગાર, કામક્રીડા અને આનંદનો એવો તો અતિરેક જોવા મળે છે કે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઊતરી આવ્યું ન હોય ! હળવાશભર્યા વાસંતી વાતાવરણમાં ચીતરાયેલા યુવાની અને રૂપથી તરબતર ચહેરા, સોનેરી પ્રકાશ અને પંખીનાં પીંછાં જેવા લીસા પર્ણગુચ્છોવાળી વનરાજિ તત્કાલીન જીવન પાછળ રહેલી કરુણતાને ઢાંકી શકતી નથી. હકીકતમાં સ્થૂળ વૈભવ માટે સમાજમાં જાગેલી આસક્તિ અહીં વ્યક્ત થાય છે.
ચિત્ર : ટોચના રોકોકો ચિત્રકારોમાં ત્યોપોલો, બુશર, ફ્રેગોનાર્દ, વાતુ, સર જોશુઆ રેનોલ્ડ્ઝ, ગેઇન્સ્બરો વાન ડાઇક, હાન્સ હોલ્બીન શાર્દાં, હોગાર્થ, કેનેલેત્તો, જ્યાકિન્તો અને પિરાનેસી સ્થાન પામે છે. ઇટાલિયન ચિત્રકાર ત્યોપોલો ખંડની ભીંતો અને છત પર એવી ચિત્રણા કરતો કે દર્શકને બહારની પ્રકૃતિ ભીંત ઓગાળીને ખંડમાં પ્રવેશતી લાગે. ફ્રેન્ચ ચિત્રકારો બુશર અને ફ્રેગોનાર્ડનાં ચિત્રોમાં નવયૌવનાઓનું રતિભાવથી છલોછલ આલેખન જોવા મળે છે. ફ્રેન્ચ ચિત્રકાર વાતુનાં ચિત્રોમાં પ્રકૃતિમાં યુવાનોની ઉજાણીનાં નયનરમ્ય આલેખનો જોવા મળે છે. બ્રિટિશ ચિત્રકાર ટૉમસ ગેઇન્સ્બરોએ ચીતરેલાં બ્રિટિશ ઉમરાવો અને ઉમરાવણોનાં એકલ કે સામૂહિક વ્યક્તિચિત્રોમાં પશ્ચાદભૂમાં તેમની માલિકીની આખી જાગીર – વાડીવજીફા, મહાલયો, ક્ષિતિજ સુધી પથરાયેલાં ખેતરો, ઘોડાગાડી ઇત્યાદિ અને ખાસ તો આ બધી સંપત્તિ ધરાવવા માટે તે વ્યક્તિના મુખ પર ગર્વ ને ખુમારીનો ભાવ જોવા મળે છે. બ્રિટિશ ચિત્રકાર સર જોશુઆ રેનોલ્ડ્ઝનાં ચિત્રોમાં પણ બ્રિટિશ ધનિકોનું ઠસ્સાદાર આલેખન જોવા મળે છે. ડચ ચિત્રકાર વાન ડાઇક અને જર્મન ચિત્રકાર હાન્સ હોલ્બાઇનનાં ચિત્રોમાં પણ તત્કાલીન સંપન્ન લોકોના વૈભવનું પ્રદર્શન જોવા મળે છે. માત્ર ફ્રેન્ચ ચિત્રકાર શાર્દાં જ આ બધાથી સાવ નોખો તરી આવે છે. તેનાં ચિત્રોમાં સ્વર્ગીય સુખની છાકમછોળને સ્થાને રોજિંદા વપરાશની ક્ષુલ્લક ચીજવસ્તુઓ અને રસોડાની શાકભાજી અને માછલી ભરેલી ટોપલી જેવી તુચ્છ સાધનસામગ્રી જોવા મળે છે. આ પદાર્થચિત્રોના તેના આલેખનમાં ચિત્રિત મામૂલી જણાતી ચીજવસ્તુઓના સંપર્કમાં રહેલ માનવજીવનની ઉષ્મા જોવા મળે છે. શાર્દાંનાં વ્યક્તિચિત્રો સાદા મધ્યમવર્ગીય માનવોને નિરૂપે છે. તેમાં તેમના રોજિંદા શ્રમને લગતી ક્ષુલ્લક જણાતી પ્રવૃત્તિઓનું ગૌરવપૂર્ણ આલેખન જોવા મળે છે. ‘રિટર્નિગ ફ્રૉમ ધ માર્કેટ’ અને ‘લેડી ડ્રિંકિંગ ટી’ તેના ઉત્તમ નમૂના છે.

ફ્રેગોનાર્ડનું ચિત્ર : ‘ધ સ્વીન્ગ’
બ્રિટિશ ચિત્રકાર વિલિયમ હોગાર્થનાં ચિત્રોમાં ધનિકોના વૈભવી જીવન પર મર્માળો કટાક્ષ જોવા મળે છે. ઇટાલિયન ચિત્રકાર કોરેડો જ્યાક્ધિતો(Corrado Giaquinto)નાં ચિત્રોમાં વાદળો ઉપર સવારી કરતી ફૂલગુલાબી પરીઓ અને અપ્સરાઓની સ્વપ્નસૃષ્ટિ છે. ઇટાલિયન ચિત્રકાર કેનેલેત્તો (Canaletto) નગરચિત્રણ- (cityscapes)માં નિપુણ હતો. તેણે આજીવન વેનિસ તથા જીવનના અંતસમયે લંડન એમ માત્ર બે જ નગરોનું ચિત્રણ કર્યું. ભૌતિક રીતે સત્યની એકદમ નજીક હોવા ઉપરાંત તેનાં નગરચિત્રોમાં નગરનું જાહેર જીવન તથા નાગરિકોની રોજિંદી જિંદગી પણ જોવા મળે છે. ઇટાલિયન ચિત્રકાર જિયોવાની બાતિસ્તા પિરાનેસી(Giovanni Battista Piranesi)નાં ચિત્રોમાં ભુલભુલામણીભરી અને ભેંકાર જેલોનું આલેખન છે. તેનાં ચિત્રો ‘પ્રિઝન કૅપ્રાઇસિસ’ (Prison Caprices) નામે જાણીતાં બન્યાં.
શિલ્પ : રોકોકો સમય દરમિયાન ખંડો અને ઓરડાના શણગારમાં દીવાલો પર પ્લાસ્ટરનાં તોરણો, છત પર ઝુમ્મરો, તળિયે ગાલીચા ઇત્યાદિ મૂકવામાં આવતાં હોવાથી શિલ્પની જગ્યા જ બચી નહિ અને તેથી તે સંકોડાઈ ગયું, જે પાછળથી ‘મિનિયેચર બરોક’ (લઘુ બરોક) નામે ઓળખાયું, કારણ કે કદ ઘટવા સિવાય તે બરોક કરતાં બીજી કોઈ રીતે જુદું પડ્યું નહિ. ફ્રાન્સમાં ક્લોદિયોં (Clodion) નામે ઓળખાતા ક્લૉ દ મિકેલ(Clau de Michel)ની શિલ્પકૃતિઓ બરોક શિલ્પી બર્નિનીનાં શિલ્પોની લઘુઆવૃત્તિ જેવી દેખાય છે. માત્ર જ્યાં બાપ્તિસ્તે પિગાલે(Jeau Baptiste Pigalle)નાં શિલ્પોમાં જાહેર સ્થળ માટેનું સાર્વજનિક (monumental) પરિમાણ જોવા મળે છે.
અમિતાભ મડિયા