રોકડ પસંદગી (liquidity preference) : રોકડ નાણાં હાથ પર રાખવા માટેની લોકોની પસંદગી. રોકડ નાણાં હાથ પર રાખવાથી વ્યાજના રૂપમાં મળતી આવક જતી કરવી પડે છે, છતાં લોકો વત્તાઓછા પ્રમાણમાં રોકડ નાણાં હાથ પર રાખવાનું કેમ પસંદ કરે છે તેની સમજૂતી ઇંગ્લૅન્ડના અર્થશાસ્ત્રી કેઇન્સે આપી હતી. લોકોની રોકડ પસંદગી માટે તેમણે ત્રણ હેતુઓ દર્શાવ્યા હતા :
એક હેતુને વિનિમયનો હેતુ એવું નામ આપવામાં આવ્યું હતું. લોકોને આવક ચોક્કસ સમયના અંતરે મળે છે, પરંતુ તેમને ચીજવસ્તુઓની ખરીદી લગભગ રોજેરોજ કરવી પડે છે. નાણું વિનિમયનું માધ્યમ હોવાથી લોકો ચીજવસ્તુઓ ખરીદવાની સરળતા રહે તે માટે તેને હાથ પર રાખવાનું પસંદ કરે છે. વિનિમયના હેતુ માટે લોકો કેટલાં નાણાં હાથ પર રાખશે તેનો આધાર લોકોની આવક પર છે. વ્યક્તિઓની જેમ વેપારી-ઔદ્યોગિક પેઢીઓને પણ તેમની ખરીદી માટે રોકડ નાણાં હાથ પર રાખવાં પડતાં હોય છે.
રોકડ નાણાં હાથ પર રાખવાના બીજા હેતુને સાવચેતીનો હેતુ કહેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી પડનારા અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે લોકો કેટલાંક નાણાં હાથ પર રાખવાનું પસંદ કરે છે. આ હેતુ માટે વ્યક્તિ કેટલાં નાણાં હાથ પર રાખશે તેનો આધાર પણ વ્યક્તિની આવક પર રહેલો છે. એક મધ્યમ વર્ગની વ્યક્તિની તુલનામાં એક શ્રીમંત વ્યક્તિ સાવચેતીના હેતુ માટે વધુ નાણાં હાથ પર રાખી શકે તે સ્વાભાવિક છે.
રોકડ નાણાં હાથ પર રાખવાના ત્રીજા હેતુને કેઇન્સે સટ્ટાકીય હેતુ કહ્યો હતો. નાણું વિનિમયના માધ્યમની સાથે મૂલ્ય-સંચયનું સાધન પણ છે. એ હકીકતમાંથી આ ત્રીજો હેતુ ઉદભવ્યો છે. સાવ સાદી ભાષામાં કહીએ તો વ્યક્તિએ પોતાની બચત સોનું, શેર, બૉન્ડ જેવી અસ્કામતમાં રોકવી કે નાણાંના રૂપમાં રાખી મૂકવી તેની વચ્ચે પસંદગી કરવાની હોય છે. લોકોની આ પસંદગીનું વિશ્લેષણ નિશ્ચિત વ્યાજ આપતા બૉન્ડ(અથવા સરકારી જામીનગીરી)ના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું. બૉન્ડમાં નાણાં રોકવાથી મળનાર વળતરનો આધાર બે બાબતો પર છે : એક, વ્યાજનો દર; બીજું, બૉન્ડની બજારકિંમત. સટ્ટાકીય હેતુ માટે બૉન્ડનું આ બજારમૂલ્ય વધારે અગત્યનું છે; દા.ત., વ્યક્તિએ રૂ. 100ની કિંમતે બૉન્ડ ખરીદ્યું હોય અને વર્ષના અંતે ધારો કે વ્યક્તિ તેનું બૉન્ડ બજારમાં વેચે છે ત્યારે તેને રૂ. 90 ઊપજે છે. આ દાખલામાં વ્યક્તિને રૂ. 10નું મૂડી-નુકસાન થયું છે એમ કહેવામાં આવે છે. તેનાથી ઊલટું, ધારો કે વ્યક્તિ બૉન્ડ વેચે ત્યારે તેને 100 રૂપિયાની કિંમતના બૉન્ડના રૂ. 110 ઊપજે છે. આ દાખલામાં વ્યક્તિને રૂ. 10નો મૂડીલાભ થયો છે એમ કહેવામાં આવે છે.
બૉન્ડની બજારકિંમત અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બજારમાં વ્યાજનો દર વધે તો બૉન્ડની કિંમત ઘટે અને તેનાથી ઊલટું, વ્યાજનો દર ઘટે તો બજારમાં બૉન્ડની કિંમત વધે. તેથી સટ્ટાકીય હેતુ માટે વ્યાજના ભાવિ દર અંગેની અપેક્ષા ખૂબ મહત્વની બને છે. વ્યાજના ભાવિ દર અંગેની લોકોની ધારણા જુદી જુદી હોય છે; છતાં એમ કહી શકાય કે વ્યાજનો દર વર્તમાનમાં જો ઊંચી સપાટી પર હોય તો ભવિષ્યમાં તે ઘટશે એમ માનનારાઓની સંખ્યા મોટી હશે. ધારણા પ્રમાણે ભવિષ્યમાં વ્યાજનો દર ઘટે તો બૉન્ડની બજારકિંમત વધે અને બૉન્ડ-ધારકને મૂડીલાભ થાય. આમાંથી એક મહત્વનું તારણ નીકળે છે : વર્તમાનમાં વ્યાજનો દર ઊંચી સપાટી પર હશે તો મૂડીલાભની ગણતરીથી પ્રેરાઈને લોકો તેમની બચતો વધુ પ્રમાણમાં બૉન્ડમાં રોકવાનું અને ઓછા પ્રમાણમાં નાણાંરૂપે રાખવાનું પસંદ કરશે.
વર્તમાનમાં વ્યાજનો દર નીચી સપાટી પર હશે તો ભવિષ્યમાં તે વધશે એવી ધારણા પર ચાલનારાઓની સંખ્યા મોટી હશે. તેમની અપેક્ષા પ્રમાણે ભવિષ્યમાં વ્યાજનો દર વધે તો બૉન્ડનો ભાવ બજારમાં ઘટે. આ લોકો સંભવિત મૂડી-નુકસાનથી બચવા માટે બૉન્ડ ખરીદવાને બદલે રોકડ નાણાં હાથ પર રાખવાનું પસંદ કરશે. એમ પણ કહી શકાય કે બૉન્ડના ભવિષ્યના અપેક્ષિત નીચા ભાવનો લાભ લેવા માટે તેઓ રોકડ નાણાં હાથ પર રાખવાનું પસંદ કરશે; જેથી ભવિષ્યમાં નીચા ભાવે બૉન્ડ ખરીદી શકાય. આમ સટ્ટાકીય હેતુ માટે થતી રોકડ નાણાંની પસંદગી વ્યાજના દર પર અવલંબે છે.
શાંતિલાલ બ. મહેતા