રૉશ મૂતૉની : હિમનદીના ઘસારાથી ઉદભવતું લક્ષણ. સૂતેલા ઘેટાના આકારમાં જોવા મળતા હિમનદીજન્ય ટેકરાઓ માટે વપરાતો ફ્રેન્ચ શબ્દ. આવા ટેકરા નાના-મોટા કદના તેમજ બે બાજુએ જુદા જુદા ઢાળવાળા હોય છે. હિમનદીની વહનદિશા તરફનો તેમનો ઘસારો પામેલો આછો ઢોળાવ લીસો હોય છે, જ્યારે પાછળનો ઢોળાવ ઉગ્ર અને ખરબચડો હોય છે. તળખડકો ઉપર લદાયેલા હિમજથ્થાના બોજના સરકવાથી ઢોળાવો લીસા બને છે, જ્યારે પાછળનો ઊલટી દિશાનો ઢોળાવ તેની ઉપરના હિમજથ્થાની વારંવાર પીછેહઠ થતી રહેવાથી તૂટી પડે છે અને તેમાં અસમતલતા ઉદભવે છે. આ પ્રકારનાં હિમનદીજન્ય ઘસારા-લક્ષણો મોટેભાગે જૂથમાં મળતાં હોય છે. તેમનાં જૂથ એકરેખીય દિશામાં ગોઠવાયેલાં હોય છે.
ગિરીશભાઈ પંડ્યા