રૉરિક, નિકોલસ (જ. 10 ઑક્ટોબર 1874, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 13 ડિસેમ્બર 1947, કુલુ, ભારત) : હિમાલયના નિસર્ગને ચીતરવા માટે ખ્યાતિ પામનાર રશિયન ચિત્રકાર. પિતા ફ્યોદોર ઇવાનોવિચ મૂળ આઇસલૅન્ડિક વાઇકિંગ(ચાંચિયા)ના વંશજ હતા. માતાનું નામ મારિયા વાસિલિયેના કાલાશ્નિકોવા. 1883માં સેન્ટ પીટર્સબર્ગની કૉલેજ ઑવ્ કે. માઈમાં કાયદાનો અભ્યાસ કરવા નિકોલસ દાખલ થયા.
ભારત અને હિમાલય પ્રત્યેના આજીવન આકર્ષણનાં બીજ બાળપણમાં જ રોપાયાં. પિતાની જાગીરનું નામ ‘ઈશ્વર’ હતું અને ઘરમાં હિમાલયના શિખર કાંચનજંઘાનું ચિત્ર લટકતું હતું.
પ્રકૃતિ, ધર્મ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ તરફના લગાવને કારણે નિકોલસ કાયદાનો અભ્યાસ પડતો મૂકી 1893માં સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1897માં તેમના દ્વારા ચિત્રિત ચિત્ર ‘ગોનેત્સ’ (સંદેશવાહક) રશિયામાં પ્રશંસા પામ્યું અને તેઓ રશિયામાં ચિત્રકાર તરીકે સ્વીકૃતિ પામ્યા. 1898માં નિકોલસે પૅરિસ જઈ કલાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1901માં સેન્ટ પીટર્સબર્ગની આર્ટ્સ એન્કરેજમેન્ટ સોસાયટીની મંત્રિણી (secretary) હેલેના ઈવાનોવ્ના શૈપોશ્નિકોવા સાથે તેમણે લગ્ન કર્યું. 1902થી 1905 સુધી નિકોલસે સેન્ટ પીટર્સબર્ગ, મૉસ્કો તથા પશ્ચિમ યુરોપ અને અમેરિકાનાં કેટલાંક શહેરોમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં.
નિકોલસ રૉરિક
1905થી ભારતીય સંસ્કૃતિ તરફનું આકર્ષણ વધતું ગયું. ‘ઇન્ડિયન પાથ’ અને ‘ગાયત્રી’ જેવા અનેક લેખો લખવા ઉપરાંત નિકોલસે ભારતીય વિષયો પર કેટલાંક ચિત્રો સર્જ્યાં. તેમાં ‘દેવશ્રી’, ‘લક્ષ્મી’, ‘શ્રીકૃષ્ણ’, ‘દમયંતી’ અને ચિત્રશ્રેણી ‘ભારતનાં સ્વપ્ન’ ખાસ નોંધપાત્ર છે.
1906માં આર્ટ્સ એન્કરેજમેન્ટ સોસાયટીના નિયામકપદે નિકોલસની નિયુક્તિ થઈ. એ જ વર્ષે પૅરિસના ‘પૅરિસ ઑટમલ સલોં’ના અને 1909માં રશિયન આર્ટ એકૅડેમીના સભ્ય તરીકે તેઓ નિમાયા.
1912માં વિશ્વવિખ્યાત સંગીતકાર આઇગોર સ્ટ્રાવિન્સ્કીના વિખ્યાત બૅલે ‘ધ રાઇટ ઑવ્ સ્પ્રિન્ગ’ માટે કલાશણગાર(Art decor)નું કાર્ય કર્યું. આ માટે તેમણે બૅકડ્રૉપ્સ (પિછવાઈ) અને પડદા પણ ચીતર્યાં.
1916માં તબિયત કથળતાં સપરિવાર તેમણે સેન્ટ પીટર્સબર્ગની ઉત્તર-પશ્ચિમે આવેલા કેરેલિયા (જે તે સમયે ફિનલૅન્ડનો હિસ્સો હતો) ગયા. 1919માં ત્યાંથી ફિનલૅન્ડ થઈ લંડન પહોંચ્યા. અહીં તેમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ, જે પછી આજીવન મૈત્રીમાં પરિણમી.
1920થી 1922 દરમિયાન અમેરિકામાં ઘણાં શહેરોમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનોનું આયોજન થયું. કલાને પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રોત્સાહન આપતી ઘણી સંસ્થાઓ સાથે નિકોલસ સંકળાયા.
1923માં નિકોલસ પત્ની હેલેના, ચિત્રકાર પુત્ર સ્વેતોસ્લાવ અને વૈજ્ઞાનિક તથા પુરાતત્વવેત્તા પુત્ર જ્યૉર્જેઝ સાથે ન્યૂયૉર્કથી ભારત આવ્યા. શરૂઆતમાં તેઓ પૂર્વ હિમાલયમાં દાર્જીલિંગ નજીક વસ્યા, પરંતુ પછી પશ્ચિમ હિમાલયની કુલુ ખીણમાં (જે હાલમાં હિમાચલ પ્રદેશમાં છે.) જઈ વસ્યા. ભારતમાં કાયમી વસવાટ કરવા માટે જવાહરલાલ નહેરુએ પણ તેમને ખાસ્સાં પ્રોત્સાહન અને મદદ પૂરાં પાડ્યાં. કુલુમાં ઉરુસ્વાતિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને હિમાલયને ચિત્રિત કરતી લાંબી ચિત્રશ્રેણી શરૂ કરી. આ ચિત્રશ્રેણીમાં હિમાલયની પ્રકૃતિ સાથે હિમાલયમાં વસતી લેપ્ચા, નેપાળી, ભૂટિયા, તિબેટી, લડાખી ઇત્યાદિ પ્રજાઓનાં સંસ્કૃતિ, ધર્મ, અધ્યાત્મ, ઇતિહાસ અને પુરાકથાઓને પણ સાંકળી લીધી.
1928માં નિકોલસે ‘ટાગોર ઍન્ડ ટૉલ્સ્ટૉય’ શીર્ષક હેઠળ લખેલા લેખમાં ટાગોર સાથેની પોતાની પ્રથમ મુલાકાત તેમજ મૈત્રીના વિકાસનું તબક્કાવાર વર્ણન કર્યું. તદુપરાંત મહાવિભૂતિઓ ટાગોર અને ટૉલ્સ્ટૉયના ધ્યેયોની એકાત્મતાને સ્પષ્ટ કરી.
1924માં નિકોલસે સિક્કિમ અને ભૂતાનમાં પર્વતારોહણ કર્યું. 1925થી 1928 દરમિયાન કિર્ગિઝિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, સાઇબીરિયા અને મૉંગોલિયાનો તથા 1929માં યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે રૉરિક પૅક્ટ યોજનાની રૂપરેખાનું પ્રકાશન કર્યું. 1931થી 1933 સુધી કુલુ, મનાલી અને કાંગડા ખીણોમાંથી હિમાલયનાં શિખરો પર પર્વતારોહણ કર્યું. 1934થી 1935 સુધી મંચુરિયા અને ચીનના કેટલાક પર્વતો પર આરોહણ કર્યું.
1936થી 1940 સુધી નિકોલસે કુલુમાં સ્થાયી થઈ વિજ્ઞાનના કલા સાથેના સંબંધને સ્પષ્ટ કરતું સંશોધન કર્યું. 1941થી 1944 સુધી સોવિયેત સંઘના ‘રેડ આર્મી’ના લાભાર્થે પ્રચારચિત્રો ચીતર્યાં તથા સોવિયેત સંઘ માટેના રાષ્ટ્રપ્રેમ સંબંધી લેખો લખી પ્રકાશિત કર્યા. 1944માં નિકોલસ અમેરિકન સોવિયેત કલ્ચરલ ઑર્ગેનાઇઝેશનના માનાર્હ અધ્યક્ષ નિમાયા. 1946માં તેઓ રશિયા જઈ વસ્યા અને સોવિયેત ચિત્રકારો સાથે ઘનિષ્ઠ પરિચય કેળવ્યો.
નિકોલસનાં ચિત્રો વિશાળ કૅન્વાસ પર તેજસ્વી તૈલરંગોમાં ચિત્રિત છે. ક્યારેક તેમાં દર્શકને ભડક પણ લાગે, કારણ કે નિકોલસની નેમ પ્રકૃતિનું આબેહૂબ અનુકરણ કરવાની નહિ પણ, પ્રકૃતિના જે તે ભાવ(mood)ને વધુ તીવ્રતા સાથે ઘૂંટીને રજૂ કરવાની રહી છે. આ ઉપરાંત કેટલાંક નિસર્ગચિત્રોમાં વિવિધ બૌદ્ધ અને ખ્રિસ્તી દેવદેવીઓ પણ નજરે પડે છે.
ભારતીય પત્રકારો અને સામયિકો નિકોલસ રૉરિકના તેમના ભારતનિવાસ અગાઉથી જ પ્રશંસક રહ્યાં છે. જેમાં પહેલ કરી છે 1921માં જૉસેફ ફિંગરે ‘ધ મૉડર્ન રિવ્યૂ’માં લેખ લખીને. આ પછી રવીન્દ્રનાથ ટાગોર, ઓ. સી. ગાંગુલી, વીરેશ્વર સેન, રવિશંકર રાવળ આદિએ પણ તેમની પ્રશંસા કરી છે.
નિકોલસનાં ચિત્રોનો શ્રેષ્ઠ સંગ્રહ વારાણસીના ‘ભારત કલાભવન’ પાસે છે. તે ઉપરાંત વડોદરાના મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરીમાં, દિલ્હીનાં નૅશનલ મ્યુઝિયમ તેમજ નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં, શાંતિનિકેતનના રવીન્દ્રનાથ કલેક્શનમાં, કોલકાતાની બોઝ ઇન્સ્ટિટ્યૂટમાં, ચેન્નાઈના એડ્યાર, ત્રાવણકોરના શ્રી ચિત્રાલયમ્, મૈસૂરના જગમોહન ચિત્રશાલા મ્યુઝિયમ તથા હૈદરાબાદના સલારજંગ મ્યુઝિયમમાં બૅંગાલુરુનાં સ્વેતોસ્લાવ રૉરિક કલેક્શન અને ન્યૂયૉર્કના નિકોલસ રૉરિક મ્યુઝિયમમાં પણ તેમનાં ચિત્રો કાયમી સંગ્રહ પામ્યાં છે.
1974માં કર્ણાટક રાજ્ય ચિત્રકલા પરિષદે બૅંગાલુરુમાં રૉરિક શતાબ્દી સમારોહનું આયોજન કરેલું. આ પછી 1989માં કર્ણાટક રાજ્ય ચિત્ર-કલા પરિષદે બૅંગાલુરુમાં રૉરિક સેન્ટર ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી છે.
અમિતાભ મડિયા