રૉય, બિમલ (જ. 12 જુલાઈ 1909, સુજાપુર, હાલના બાંગલા દેશમાં ઢાકાની નજીક; અ. 8 જાન્યુઆરી 1966) : ચલચિત્રસર્જક. પિતા હેમચંદ્ર રૉય સુજાપુરના જમીનદાર હતા. ઢાકાની જગન્નાથ કૉલેજમાં તેઓ ઇન્ટરમીડિયેટમાં હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. તેમની જમીનદારીનો વહીવટ સંભાળતા મૅનેજરે એ બધી મિલકત પચાવી પાડતાં બિમલ રૉય તેમનાં માતા તથા ભાઈઓને લઈને કોલકાતા આવ્યા.

બિમલ રૉય

1930ના એ પ્રારંભનાં વર્ષોમાં કામની તલાશમાં ફરતા બિમલ રૉયની મુલાકાત નીતિન બોઝ સાથે થઈ. નીતિન બોઝ એ વખતે ન્યૂ થિયેટર્સમાં દિગ્દર્શક તરીકે સારી નામના ધરાવતા હતા. તેઓ એ વખતે ‘દેવદાસ’(1935)નું સર્જન કરી રહ્યા હતા. બિમલ રૉયને તેમણે પોતાના સહાયક બનાવ્યા. બિમલ રૉયને છબિકલાનો શોખ હતો. એ જોઈને પી. સી. બરુઆએ ‘મુક્તિ’(1937)માં બિમલ રૉયની આ આવડતનો ભરપૂર ઉપયોગ કર્યો. એક છબિકાર તરીકે આ પ્રથમ ચિત્રથી જ તેમની નામના થઈ ગઈ. 1943માં બંગાળમાં ભયાનક દુષ્કાળ પડ્યો હતો. તેના પર દસ્તાવેજી ચિત્ર બનાવવાનું કામ અંગ્રેજ સરકારે બિમલ રૉયને સોંપ્યું. જોકે તેમણે આ ચિત્રમાં દુષ્કાળની ભયાવહતા જે રીતે કચકડા પર કંડારી હતી તે અંગ્રેજ સરકારને ગમ્યું નહિ. સરકારે એ દસ્તાવેજી ચિત્રનો નાશ કર્યો હતો. એ દરમિયાન ન્યૂ થિયેટર્સના માલિક બી. એન. સરકારે બિમલ રૉયને સ્વતંત્રપણે દિગ્દર્શન કરવા દેવાનો નિર્ણય કરી લીધો હતો અને તેમને ‘ઉદયેર પાથે’નું દિગ્દર્શન કરવાની તક મળી. સાવ ઓછા ખર્ચે અને સાવ નવા કલાકારો લઈને બિમલ રૉયે આ ચિત્ર બનાવ્યું. ન્યૂ થિયેટર્સનાં અત્યંત સફળ ચિત્રોમાં આ ચિત્રની પણ ગણના થાય છે. આ જ ચિત્રનું હિંદી રૂપાંતર ‘હમ રાહી’ બે વર્ષ બાદ કરાયું હતું. બિમલ રૉયે ન્યૂ થિયેટર્સ માટે વધુ ત્રણ ચિત્રો બનાવ્યાં. એ પછી તેઓ કેટલાક સાથીદારો સાથે મુંબઈ આવ્યા અને હિંદી ચિત્ર-ઉદ્યોગમાં છવાઈ ગયા. હૉલિવુડના એક સફળ ચિત્ર પર આધારિત હિંદીમાં તેમણે ‘માં’ ચિત્ર બનાવ્યું. એ પછી શરદબાબુની કૃતિ પરથી ‘પરિણીતા’ બનાવ્યું. ગીત-સંગીત અને નવી કથનશૈલીને કારણે આ ચિત્ર ખૂબ વખણાયું. એ પછી તેમણે પોતાની નિર્માણ-સંસ્થા ‘બિમલ રૉય પ્રોડક્શન્સ’ની સ્થાપના કરીને ‘દો બીઘા જમીન’નું નિર્માણ કર્યું. ઇટાલિયન ચિત્રસર્જક વિટ્ટોરિયો દ સિકાના નવ અસ્તિત્વવાદથી પ્રેરાઈને બનાવેલા ‘દો બીઘા જમીન’ ચિત્રે બિમલ રૉયને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. અનેક આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવોમાં આ ચિત્રને પુરસ્કારો મળ્યા હતા. 1956માં બિમલ રૉયે શરદબાબુની વધુ એક કૃતિ પરથી ‘દેવદાસ’નું પુનર્નિર્માણ કર્યું. આ ચિત્રે પણ તેમની ખ્યાતિમાં અનેકગણો વધારો કર્યો અને આ ચિત્ર ભારતીય ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહન બની ગયું. ‘દેવદાસ’ને શ્રેષ્ઠ ચિત્રનું ભારત સરકારનું ‘મેરિટ સર્ટિફિકેટ’ એનાયત કરાયું હતું. દલિત યુવતી અને સવર્ણ યુવાનની પ્રણયકથા નિરૂપતું ‘સુજાતા’ તથા તેમનું આખરી ચિત્ર ‘બંદિની’ પણ કલાની દૃષ્ટિએ નોંધપાત્ર બની રહ્યાં. તેમના સાથીદાર રહી ચૂકેલા અને તેમની સાથે પોતાની કારકિર્દી શરૂ કરનાર અનેક કલાકારો અને કસબીઓ સમય જતાં ચિત્ર-ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શક્યા છે. બિમલ રૉયે બનાવેલાં લગભગ તમામ ચિત્રોને પારિતોષિકો મળ્યાં છે. ભારતીય ચિત્રોને નવી દિશા આપવામાં અને તેને ટૅકનિકની દૃષ્ટિએ સક્ષમ બનાવવામાં તેમણે ઘણું મોટું યોગદાન આપ્યું છે. ‘મધુમતી’ તેમનું સૌથી વધુ વ્યાવસાયિક ચિત્ર બની રહ્યું. આ ચિત્રે અનેક પારિતોષિકો તો મેળવ્યાં જ, તે સાથે બિમલ રૉયે એ પણ પુરવાર કરી આપ્યું કે તેઓ માત્ર કલાત્મક અને યથાર્થવાદી ચિત્રો જ બનાવી શકે છે તેવું નથી, વ્યાવસાયિક ચિત્ર પણ બનાવી શકે છે. ‘મધુમતી’એ પણ હિંદી ચિત્રોમાં એક નવો પ્રવાહ શરૂ કર્યો હતો. 1960ના દાયકાના પ્રારંભે મુંબઈના ચિત્ર-ઉદ્યોગમાં કાળાં નાણાંની બોલબાલા વધી ગઈ ત્યારે બિમલ રૉયે 11 પ્રતિષ્ઠિત નિર્માતાઓને સાથે લઈને ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ’ની સ્થાપના કરી હતી. આ સંસ્થાના નેજા હેઠળ આ સર્જકોએ કાળાં નાણાંનો ઉપયોગ કર્યા વિના ચિત્રો બનાવવાનો પ્રયાસ કરીને એક નવો ચીલો પાડવાનો પ્રયાસ કર્યો હતો. બિમલ રૉયને ‘દો બીઘા જમીન’, ‘પરિણીતા’, ‘બિરાજબહૂ’ માટે સતત ત્રણ વર્ષ શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે; ‘મધુમતી’, ‘સુજાતા’ અને ‘પરખ’ માટે પણ વધુ એક વાર શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સતત ત્રણ વર્ષ તથા ‘બંદિની’ માટે પણ શ્રેષ્ઠ દિગ્દર્શકનું મળીને કુલ સાત ‘ફિલ્મફેર’ પારિતોષિક મળ્યાં હતાં. આ બધી જ ફિલ્મો પૈકી મોટા ભાગનીને શ્રેષ્ઠ ચિત્રનાં અને તેમાંનાં કલાકારોને પણ શ્રેષ્ઠતાનાં ‘ફિલ્મફેર’ પારિતોષિકો મળ્યાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : માત્ર છબિકાર તરીકે ‘ગૃહદાહ’ (1934), ‘નલ્લા તંગા’ (1934), ‘ડાકુ મંસુર’ (1934), ‘દેવદાસ’ (1935), ‘મંઝિલ’ (1936), ‘માયા’ (1936), ‘મુક્તિ’ (1937), ‘બડી દીદી’ (1939), ‘હારજિત’ (1940); દિગ્દર્શક તરીકે ‘ઉદયેર પાથે’ (1944), ‘હમરાહી’ (1945), ‘અજાનગઢ’ (1948), ‘મંત્રમુગ્ધ’ (1949), ‘પહલા આદમી’ (1950), ‘માં’ (1952), ‘દો બીઘા જમીન’ (1953), ‘પરિણીતા’ (1953), ‘બાપ-બેટી’ (1954), ‘બિરાજબહૂ’ (1954), ‘નૌકરી’ (1954), ‘અમાનત’ (1955), ‘દેવદાસ’ (1955), ‘મધુમતી’ (1958), ‘યહૂદી’ (1958), ‘સુજાતા’ (1959), ‘પરખ’ (1960), ‘કાબુલીવાલા’ (1961), ‘પ્રેમપત્ર’ (1962), ‘બંદિની’ (1962).

હરસુખ થાનકી