રૉય બર્મન, બિકર્ણ કેશરી (જ. 1922, હબીબગંજ, બાંગ્લાદેશ) : ભારતના જાણીતા નૃવંશશાસ્ત્રી. તેમણે નૃવંશશાસ્ત્રમાં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને ડી.ફિલ.ની પદવી મેળવી હતી.
તેમણે 1955–60 દરમિયાન પશ્ચિમ બંગાળના આદિવાસી સંશોધન-કેન્દ્રમાં સહાયક મદદનીશ તરીકે કામ કરેલું. 1960–61માં તેઓ ભારત સરકારના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે જોડાયા. તેમણે રજિસ્ટ્રાર જનરલની કચેરીમાં સામાજિક અભ્યાસો અંગેના વિભાગમાં પણ કાર્ય કરેલું. 1969થી ’74 દરમિયાન ડેપ્યુટી રજિસ્ટ્રાર જનરલ તરીકે તેમણે સેવાઓ આપેલી. એક વર્ષ તેમણે ઍન્થ્રોપોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં મુલાકાતી ફેલો તરીકે કામ કરેલું. આ ઉપરાંત દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફેલો તરીકે પણ તેઓ જોડાયેલા. 1986થી તેઓ સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ ડેવેલપિંગ સોસાયટિઝના મુલાકાતી સીનિયર ફેલો તરીકે કામ કરી રહ્યા છે.
તેઓ કેટલીક વિદ્વત્સંસ્થાઓના પ્રમુખપદે રહી ચૂક્યા છે. તેમાં ઇન્ડિયન સોશિયલ સાયન્સ કૉંગ્રેસ, ફ્યૂચરૉલોજી કમિશન ઑવ્ ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ ઍન્થ્રોપોલૉજિકલ ઍન્ડ એથ્નોલૉજિકલ સાયન્સ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે 1978થી ’82 દરમિયાન ઇન્ડિયન ઍન્થ્રોપૉલોજિસ્ટ’ સામયિકના મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપેલી. 1982થી ’90 દરમિયાન તેઓ કેન્દ્રસરકારની આદિવાસીઓ અંગેની સમિતિના અધ્યક્ષ હતા.
આદિવાસીઓના જીવનનાં વિવિધ પાસાં પર તેઓ સતત સંશોધન કરતા રહ્યા છે. એ સંશોધનના પરિણામરૂપે તેમણે 500થી વધુ સંશોધનલેખો પ્રગટ કર્યા છે. આને કારણે તેઓ નૃવંશશાસ્ત્રોના અભ્યાસીઓમાં ‘લિવિંગ એન્સાઇક્લોપીડિયા’ તરીકે ઓળખાય છે. તેમનાં કેટલાંક પુસ્તકો આ પ્રમાણે છે : ‘હિસ્ટૉરિકલ ઇકૉલોજી ઑવ્ લૅન્ડ સર્વે ઍન્ડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયા’, ચૅલેન્જિઝ ઑવ્ ડેવેલપમેન્ટ’, ‘ટ્રાઇબલ ડિમૉગ્રાફી ઇન ઇન્ડિયા – અ પ્રિલિમિનરી અપ્રેઝલ’.
હર્ષિદા દવે