રૉજર્સ, રિચાર્ડ (જ. 28 જૂન 1902, ન્યૂયૉર્ક શહેર; અમેરિકા; અ. 30 ડિસેમ્બર 1979, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકન મ્યૂઝિકલ કૉમેડીનો સ્વર-નિયોજક. તરુણાવસ્થામાં ઍમેટર બૉયઝ ક્લબ માટે રૉજર્સ ગીતો ગાતો. 1918માં તે કોલંબિયા યુનિવર્સિટીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને 1919માં કોલંબિયા યુનિવર્સિટીના વાર્ષિક સમારંભમાં ‘ફ્લાય વિથ મી’ નાટકનો સ્વરનિયોજક બન્યો. દોઢ વરસ પછી કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ પડતો મૂકી ન્યૂયૉર્કના મ્યૂઝિકલ થિયેટર માટે કામ કરવું શરૂ કર્યું. પછી બે વરસ તેણે ન્યૂયૉર્કની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મ્યૂઝિકલ આર્ટ’ નામે ઓળખાતી હાલની જુલિયર્ડ સ્કૂલ ઑવ્ મ્યૂઝિકમાં સ્વરનિયોજનની તાલીમ લીધી. અહીં ગીત-લેખકો લૉરેન્ઝ અને હાર્ટ સાથે તેણે ભાગીદારી કરવી શરૂ કરી, જે આજીવન ચાલી. એમની સાથે 1925માં ‘ધ ગેરિક ગૅઇટિઝ’ સર્જ્યું, જેમાંનું ગીત ‘મૅનહટન’ ખૂબ પ્રચલિત થયું. 1936માં એ જ ભાગીદારીમાં ‘ઑન યૉર ટોઝ’, 1937માં ‘બેઇબ્ઝ ઇન આર્મ્સ’ મ્યૂઝિકલ સર્જ્યાં. શેક્સપિયરના ‘કૉમેડી ઑવ્ એરર્સ’ પરથી 1938માં ‘આઇ મૅરિડ ઍન એન્જલ’ તથા ‘ધ બૉય્ઝ ફ્રૉમ સિરેક્યૂઝ’ મ્યૂઝિકલ સર્જ્યાં.
1940માં જૉન ઓ’હારાની ટૂંકી વાર્તાઓ પરથી ‘પાલ જૉય’ મ્યૂઝિકલનું સર્જન કર્યું, પણ તે નિષ્ફળ ગયું. 1952માં તેનું ફરી મંચન કરતાં તે સફળ થયું.
1942માં રૉજર્સે ગીતો લખનારા ઑસ્કર હેમર્સ્ટિન બીજા સાથે ભાગીદારીમાં ‘ઓક્લાહોમા !’ મ્યૂઝિકલ સર્જ્યું. લીન રીગના નાટક ‘ગ્રીન ગ્રો લાઇલૅક્સ’ પર આધારિત આ મ્યૂઝિકલને 1943નો પુલિત્ઝર પુરસ્કાર મળ્યો. તેના બ્રૉડવે પર 2,248 શો થયા ! હેમર્સ્ટિનના મૃત્યુ લગી, સત્તર વરસ સુધી, તેણે ભાગીદારી કરી. તેણે 1945માં મ્યૂઝિકલ ‘કેરોસેલ’, 1947માં મ્યૂઝિકલ ‘એલેગ્રો’, 1949માં મ્યૂઝિકલ ‘સાઉથ પૅસિફિક’ રચ્યાં. ‘સાઉથ પૅસિફિક’ને પણ બ્રૉડવે પર ‘ઓક્લાહોમા !’ જેટલી જ સફળતા તથા પુલિત્ઝર પુરસ્કાર મળ્યાં. તેણે 1951માં મ્યૂઝિકલ ‘ધ કિંગ ઍન્ડ આઇ’, 1955માં મ્યૂઝિકલ ‘પાઇપ ડ્રીમ’, 1958માં મ્યૂઝિકલ ‘ધ ફ્લાવર ડ્રમ સાગ’ તથા 1959માં મ્યૂઝિકલ ‘ધ સાઉન્ડ ઑવ્ મ્યૂઝિક’ સર્જ્યાં.
1952માં બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘વિક્ટરી ઍટ સી’ માટે પણ રૉજર્સે સંગીત-નિયોજન કરેલું. આ ફિલ્મના સંગીત માટે તેને અમેરિકન નેવી તરફથી ડિસ્ટિંગ્વિશ્ડ પબ્લિક સર્વિસ ઍવૉર્ડ મળ્યો હતો.
અમિતાભ મડિયા