રૉચેસ્ટર (1) : ઇંગ્લૅન્ડના કૅન્ટ પરગણામાં આવેલું શહેર અને પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 51° 24´ ઉ. અ. અને 0° 30´ પૂ. રે. પર લંડનથી પૂર્વ દિશાએ વહેતી મેડવે (Medway) નદીના કાંઠે આવેલું છે. લંડન અને રૉચેસ્ટર વચ્ચે માત્ર 15 કિમી.નું અંતર છે.
રાજા એથેલબેર્હટ પહેલાએ ઈ. સ. 604માં સેન્ટ ઍન્ડ્ર્યુના દેવળની અહીં સ્થાપના કરેલી. આ મુખ્ય દેવળની આસપાસ આ શહેર વિકસેલું છે. ઈ. સ. 1066થી 1087 સુધી રાજા વિલિયમનું શાસન હતું. તેરમી સદીમાં આ શહેર ફરતે કોટ બાંધવામાં આવેલો. 1687માં અહીં વધુ આવાસો બંધાયા. રોમનોએ પ્રાચીન કાળમાં લંડન સુધી પહોંચવા માટે મેડવે નદીનાળ પર પુલનું નિર્માણ કરી એક ધોરી માર્ગ તૈયાર કરેલો. રૉચેસ્ટર પુલ સુધી મેડવે નદીનાં જળની ઊંડાઈ 8 મીટર જેટલી હોવાથી માલવાહક જહાજો તેમાં સરળતાથી અવરજવર કરી શકે છે. 1850માં ઔદ્યોગિક વિકાસને કારણે ઇજનેરી એકમો તથા સિમેન્ટ અને કાગળ બનાવવાના એકમો સ્થપાયા છે. આ શહેર લંડન સાથે રેલ અને સડક માર્ગોથી સંકળાયેલું છે. શહેરની નૈર્ઋત્યમાં શિક્ષણસંસ્થાઓ આવેલી છે. અંગ્રેજી ભાષાના જાણીતા સાહિત્યકાર ચાર્લ્સ ડિકન્સનું જન્મસ્થાન આ શહેરની નજીકની ગૅડ્ઝ હિલ ખાતે આવેલું છે.
1991 મુજબ આ શહેરની વસ્તી 24,000 છે.
રૉચેસ્ટર (2) : યુ.એસ.ના મિનેસોટા રાજ્યની અગ્નિદિશામાં આવેલું, ઓમ્સ્ટેડ પરગણાનું નગર. ભૌગોલિક સ્થાન : તે 46° 0´ ઉ. અ. અને 94° 15´ પ. રે. પર ઝુમ્બરો નદીની સહાયક નદીને કાંઠે આવેલું છે. અહીં ચારે બાજુ મિશ્રખેતીના પ્રદેશો આવેલા છે.
1854માં રેલ-વૅગનો બનાવવાનો એકમ સ્થપાયો હતો. 1889માં વિલિયમ વોરાલ મેયોએ અહીં ચિકિત્સાલયનું નિર્માણ કરેલું. તે પછી આ નગરનો વિકાસ થયો. 1915માં અહીં રૉચેસ્ટર કમ્યૂનિટી કૉલેજની સ્થાપના થયેલી. આજે તો અહીં વીજાણુયંત્રોના તેમજ ખાદ્યપદાર્થોને લગતા અનેક એકમો સ્થપાયેલા છે. આ ઉપરાંત અહીં ચિકિત્સાલયો, હોટેલો તેમજ વિજ્ઞાન વિષયનું સંગ્રહાલય પણ આવેલાં છે.
2000 મુજબ આ શહેરની વસ્તી 85,806 છે.
રૉચેસ્ટર (3) : ન્યૂયૉર્ક રાજ્યની વાયવ્યમાં આવેલું, મનરો પરગણાનું ઔદ્યોગિક શહેર. તે 43° 09´ ઉ. અ. અને 77° 36´ પ. રે. પર જેનેસી નદીના મુખ પર આવેલું છે. આ શહેર બફેલો શહેરથી નૈર્ઋત્યે આશરે 114 કિમી. દૂર આવેલું છે. આ બૃહદ શહેરમાં ઇરૉનડિક્વૉઇટ, ગ્રીસ અને બ્રાઇટન જેવા શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે. ગેટ્સ, ચિલી, પિટ્સફર્ડ, પેરિન્ટન, હેન્રિયેટા, પેનફીલ્ડ અને વેબ્સ્ટર અહીંની મુખ્ય વસાહતો છે.
1890માં અહીં જ્યૉર્જ ઇસ્ટમૅન, જૉન જેકબ બૉશ અને હેન્રી લૉમ્બેએ છબીકલા, ચશ્માં, યંત્રો, તાપમાપકો, યાંત્રિક પુરજાઓ, દંતચિકિત્સાને લગતાં તેમજ વીજળીને લગતાં સાધનો બનાવવાના એકમો ઊભા કર્યા હતા. ઉપરાંત આ શહેર ખાદ્યસામગ્રી બનાવવાનું તેમજ તેનું વિતરણ કરવાનું મુખ્ય કેન્દ્ર પણ છે. 1916માં જેનેસી નદીથી ઑન્ટેરિયો સરોવર સુધી બંને કિનારે શહેરનો વિકાસ થયો છે. 1931માં રૉચેસ્ટર એક બંદર તરીકે પણ ઊપસી આવ્યું છે. આ શહેરની વસ્તી 1999 મુજબ અંદાજે 2,14,470 જેટલી છે.
રૉચેસ્ટર (4) : યુ.એસ.ના ન્યૂ હૅમ્પશાયરની અગ્નિદિશાએ આવેલું સ્ટ્રૅફર્ડ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 43° 18´ ઉ. અ. અને 70° 58´ પ. રે. પર, ડોવર શહેરની વાયવ્યે કોશેકો અને સૅલ્મન ફૉલ્સ નામની નદીઓના સંગમસ્થળે આવેલું છે.
આ સ્થળ 1722માં સ્થપાયેલું હોવા છતાં 1728 સુધી અહીં કોઈ વસાહત ઊભી થઈ શકી ન હતી. 1761–62ની સાલમાં ભયંકર દવ લાગ્યો હતો. ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોને ખેતીમાં રસ ઉત્પન્ન થયેલો. 1840માં અહીં રેલસુવિધા ઊભી થતાં વિવિધ ઉદ્યોગો સ્થપાતા ગયા અને વિકસતા ગયા. આ શહેરમાં પ્લાયવુડ, કાગળ, પગરખાં અને કાપડ તથા લોખંડમાંથી જુદી જુદી અનેક વસ્તુઓ બનાવવાનાં કારખાનાં જોવા મળે છે.
1875થી અહીં દર વર્ષે એક વાર કૃષિમેળો ભરાય છે; એટલું જ નહિ, અહીં ઉત્તમ ઓલાદનાં દુધાળાં ઢોરો અને ઘોડાઓનું મુખ્ય બજાર પણ છે. આ શહેરની ઉત્તરે આશરે 37 કિમી. દૂર મૂસ (Moose) પર્વત આવેલો છે, જે સ્કીઇંગની રમત માટે વધુ જાણીતો છે. આ શહેરની વસ્તી 28,726 (1996) છે.
નીતિન કોઠારી