રૉક ક્રિસ્ટલ : ક્વાર્ટ્ઝના સર્વસામાન્ય નામથી ઓળખાતા ખનિજનો એક પ્રકાર. પારદર્શકતા અને સફેદથી ભિન્ન રંગોની ખામીને આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
રાસાયણિક બંધારણ SiO2 આવા મૂલ્યવાન રૉક ક્રિસ્ટલને પાસા પાડીને સસ્તાં આભૂષણો તથા ઘરેણાંમાં વાપરવામાં આવે છે. તેને કાપીને, પ્યાલા, હાથા જેવી સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે.
જોકે રૉક ક્રિસ્ટલ દેખાવમાં ડાયમન્ડને ખૂબ મળતા આવે છે, પરંતુ તેનું મૂલ્ય ડાયમન્ડ કરતાં ઓછું હોય છે.
આકર્ષક અને ગુણવત્તામાં પાતળા કાચના પ્યાલા, બાઉલ વગેરે આ ખનિજમાંથી બનતાં હોવાથી આવા મૂલ્યવાન કાચની સામગ્રીને ક્રિસ્ટલ (Crystal) તરીકે ઓળખવામાં આવે છે.
ક્વાર્ટ્ઝ સ્ફટિકોની તેમના દાબ-વિદ્યુત ગુણધર્મ(Piezo electric properties)ને કારણે કાંડા ઘડિયાળ, રેડિયો તેમજ વિદ્યુત સર્કિટમાં oscillation પર નિયંત્રણ રાખવામાં ઉપયોગ કરવામાં આવે છે.
દક્ષિણ ભારતના ડેક્કન ટ્રેપ વિસ્તારનાં કેટલાંક સ્ફટિકયુક્ત પોલાણોમાં, જબલપુર પાસેના લાવા-કોટરોની પૂરણીમાં અને પંજાબના બશહર પ્રદેશમાં એમથિસ્ટ મળે છે. મધ્યપ્રદેશમાં છીંદવાડા, આંધ્રપ્રદેશમાં વારંગલમાં ગુલાબી ક્વાર્ટ્ઝ મળી આવે છે.
ગિરીશભાઈ પંડ્યા
પ્રકાશ ભગવતી
